Select Page

પાલિકાનુ રખડતી ગાયો માટેનુ અભિયાન હકીકત કે દેખાવ

પ્રમુખ તથા ચીફ ઓફીસરના માર્ગદર્શનમાં ચાર ટીમ તૈનાત

• વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે રખડતી ગાયો મુદ્દે પાલિકાને નોટીસ આપી પી.આઈ.એલ.ની ચીમકી આપી
• અડધુ ચોમાસુ વિત્યા બાદ તંત્ર હવે સફાળુ જાગ્યુ
• ગૌરવપથ રોડ ઉપર રખડતી ગાયોનો ત્રાસ ઠેરનો ઠેર

વિસનગર પાલિકાએ અડધુ ચોમાસુ વિત્યા બાદ શહેરને રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્ત કરવાનુ અભિયાન શરૂ કર્યુ છે. પ્રમુખ તથા ચીફ ઓફીસરના માર્ગદર્શનમાં પાલિકાની ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે અને રખડતા ઢોર પુરવા માટે ચાર જગ્યા નક્કી કરવામાં આવી છે. હજુ પણ ગૌરવપથ રોડ સહીત કેટલાક વિસ્તારોમાં ગાયો તથા આખલાનો ત્રાસ યથાવત છે ત્યારે આ અભિયાન હકીકત છેકે દેખાવ છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પણ આ મુદ્દે પાલિકાને નોટીસ આપવામાં આવી છે.
તંત્રને સામાન્ય લોકોની મુશ્કેલી દેખાતી નથી અને સમસ્યાઓ દુર કરવાની ફુરસદ નથી. વિસનગરમાં દર ચોમાસામાં રખડતા ઢોરનો ત્રાસ વર્તાય છે. જુલાઈ મહિનામાં ચોમાસુ શરૂ થયુ ત્યારથી ગાયો અને આખલા લોકોને અડફેટે લઈ રહ્યા છે. પરંતુ જ્યારે ત્રિરંગા યાત્રા રેલીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગાયે અડફેટે લેતા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રૂટમાં આખલો દોડતા સરકારી તંત્રની આંખો ખુલી છે. વિસનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પણ પાલિકાને નોટીસ આપી હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરવાની ચીમકી આપી છે. રખડતી ગાયોના મુદ્દે ચારે તરફથી હોબાળો થતા સરકારી તંત્ર સહીત વિસનગર પાલિકા તંત્ર પણ સફાળુ જાગ્યુ છે.
વિસનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા હવે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યુ છે. પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીના માર્થદર્શનમાં ગાયો પુરવા ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે. ઢોર પકડવાના અભિયાન સંદર્ભે ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે, કડા ત્રણ રસ્તાથી કમાણા ચાર રસ્તા, કમાણા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા, મહેસાણા ચાર રસ્તાથી કાંસા ચાર રસ્તા, કાંસા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા ઉપરની ગાયો તેમજ ગૌરવપથ રોડ ઉપરની ગાયો પકડવા માટે ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. દરેક ટીમમાં ચાર કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. પ્રથમ બે દિવસ ગાયો રસ્તા ઉપરથી ઉઠાડીને હટાવવામાં આવી હતી. હવે ગાયો પકડીને પુરવામાં આવી રહી છે. મહેસાણા ચાર રસ્તા પાસે મજુર મંડળીનો પ્લોટ, આદર્શ હાઈસ્કુલ સામે પાલિકાના બોરની જગ્યામાં, ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશન પાછળની જગ્યા તથા સાર્વજનિક સ્મશાનની સામે સર્વે નં.૩૦૫ માં ગાયો પુરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યા ગાયો માટે ઘાસચારો તથા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર આગળ પણ ગાયો હોય છે. જે ગાયો પકડીને સર્વે નં.૩૦૫ માં પુરવામાં આવશે. ગાયો પકડવાનુ શરૂ કર્યા બાદ તા.૨૬-૮ ના રોજ ગૌરવપથ રોડ ઉપર રખડતી ગાયો જોવા મળી હતી.
હવે અઠવાડીયા બાદ ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રા સંઘોની શરૂઆત થશે. વિસનગરમાંથી મોટી સંખ્યામા સંઘ નિકળતા હોય છે. ત્યારે હાઈવે ઉપર વાડો કે તબેલો હોય તેટલી મોટી સંખ્યામાં ગાયો જોવા મળે છે. ત્યારે વિસનગર પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનુ અભિયાન કડક નહી બનાવે તો પદયાત્રાળુઓ માટે જોખમરૂપ સાબીત થશે. વિસનગરના ગૌરવપથ સહીત હજુ ઘણા વિસ્તારમાં રખડતા ઢોર મોટી સંખ્યામાં જોવા મળે છે. એકલ દોકલ ઢોર સીવાય મોટી સંખ્યામાં ઢોર દેખાતા બંધ થશે ત્યારે વિસનગર પાલિકાનુ રખડતા ઢોર પકડવાનુ અભિયાન સાર્થક બનશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us