Select Page

વિસનગરમાં રક્તદાન કેમ્પ કરી વડાપ્રધાનનો જન્મદિન ઉજવ્યો

વિસનગરમાં રક્તદાન કેમ્પ કરી વડાપ્રધાનનો જન્મદિન ઉજવ્યો
  • એ.પી.એમ.સી.માં રક્તદાતાઓની ભારે ભીડ જામી હતી
  • ભાજપના કાર્યકરોમાં ચર્ચા વિસનગરમાં છાશવારે રક્તદાન કેમ્પો યોજાય છે. દરેક કેમ્પમાં લોહીની બોટલ કોણ આપે?

વિસનગર એ.પી.એમ.સી.ખાતે વડાપ્રધાનના ૭૫માં જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકાના તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો, પોલીસ, તાલુકા પંચાયત કચેરી તથા અન્ય સરકારી કચેરીના કર્મચારીઓએ ઉત્સાહપુર્વક સ્વયંભુ રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે ભાજપના મોટા ભાગના કાર્યકરોએ રક્તદાન કરવાને બદલે માત્ર ફોટો સેશન કરી પોતાની લાગણી હોવાનો ખોટો ડોળ કર્યો હતો.
ભારતના ભાગ્યવિધાતા અને વિશ્વ વંદનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિનની ગુજરાત સહિત સમગ્ર દેશભરના કાર્યકરો-સમર્થકોએ જુદી જુદી રીતે ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે વિસનગર એ.પી.એમ.સી., વિસનગર ભાજપ સંગઠન, મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા સરકારી કર્મચારી યુનિયન તથા વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્ત સહયોગથી વડાપ્રધાનના જન્મદિન પુર્વે તા.૧૬-૯ના રો જ સવારે ૮-૦૦ થી ૪-૦૦ કલાક સુધી વિસનગર એ.પી.એમ.સી. અને નૂતન મેડીકલ કોલેજમાં રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં સરકારી કર્મચારીઓ અને સામાજીક કાર્યકરોએ નિઃસ્વાર્થ ભાવે મોટી સંખ્યામાં સ્વયંભુ રક્તદાન કર્યુ હતુ. જેમાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદીના માર્ગદર્શન અને સહયોગથી તાલુકાના તલાટી કમ મંત્રીઓએ પોતાના સેજાના ગામોના રક્તદાતાઓના નામનુ લીસ્ટ બનાવ્યુ હતુ. વિસનગર તાલુકા તલાટી મંડળે ૧૫૦ જેટલી રક્તની બોટલો એકત્રિત કરી વડાપ્રધાનના જન્મદિને નોંધપાત્ર યોગદાન આપ્યુ હતુ. જ્યારે ટી.પી.ઓ. સંગીતાબેન પટેલના આગોતરા આયોજનથી તાલુકાના શિક્ષકોએ પણ ઉત્સાહપુર્વક સ્વયંભૂ રક્તદાન કર્યુ હતુ. શિક્ષકો બપોર પછી રક્તદાન કરી શકે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. વિસનગર પોલીસે ઓપરેશન સિંદુરમાં ૧૦૦ જેટલી રક્તની બોટલો એકઠી કરી બ્લડ બેંકમાં મોકલી આપી હતી. જેના કારણે આ રક્તદાન કેમ્પમાં પોલીસ કર્મચારીઓ ઓછા જોવા મળ્યા હતા. આ કેમ્પમાં મહિલા કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી અન્ય મહિલાઓને રક્તદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. જોકે સરકારની જવાબદારીની વ્યસ્તતાના લીધે આ કેમ્પમાં આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ હાજર રહી શક્યા ન હોતા. જેના કારણે ભાજપના મોટાભાગના લાભાર્થીઓ, કાર્યકરોએ રક્તદાન કરવાને બદલે માત્ર ફોટા પડાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરી રક્તદાન કેમ્પમાં પોતાનુ યોગદાન હોવાનો ખોટો ડોળ કર્યો હતો. ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા હતી કે, વિસનગરમાં છાશવારે રક્તદાન કેમ્પો યોજાય છે. ત્યારે દરેક કેમ્પમાં લોહીના બાટલા કોણ આપે? આ પ્રસંગે પ્રાન્ત અધિકારી વિકાસ રાતડા, એ.પી. એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌૈધરી, ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, ટી.પી.ઓ. સંગીતાબેન પટેલ, શહેર પી.આઈ. એ.એન.ગઢવી, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી, નગરપાલિકાના સભ્ય વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન પીનાબેન શાહ, તાલુકા તલાટી મંડળના પ્રમુખ પિયુષભાઈ પટેલ, મંત્રી દિલીપજી ઠાકોર, ડેપો મેનેજર ઝાલા, વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ, વિસનગરના સી.આર.સી. પરેશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ ચૌૈધરી (ગુંજાળા) સહિત તાલુકા, જીલ્લા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા.