Select Page

વિસનગર શહેરનુ ૬૩.૬૧ ટકા-ગ્રામ્યનુ ૭૦.૯૩ ટકા મતદાન

લગ્નની સીઝન હોવા છતા મતદારોનો ઉત્સાહ

પ્રથમ એક કલાક પછી દર બે કલાકનુ મતદાન
સમય               ટકા
સવારે ૮ થી ૯       ૬.૩૪
સવારે ૯ થી ૧૧      ૧૬.૦૮
સવારે ૧૧ થી ૧      ૧૬.૩૭
બપોરે ૧ થી ૩       ૧૭.૭૮
બપોરે ૩ થી ૫      ૧૨.૫૪
કુલ મતદાન         ૬૯.૧૧

વિસનગરની વિધાનસભાની સીટ ઉપર મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગની સીઝન હોવા છતા કુલ ૬૯.૧૧ ટકા મતદાન નોધાયુ હતુ. શહેરના બજારો બંધ રહેતા તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન સ્કીમ મુકવામાં આવતા મતદાન વધારવા માટે મહત્વનુ સાબીત થયુ હતુ. તેમ છતા વર્ષ ૨૦૧૭ ની ચુંટણી કરતા ૪.૫૭ ટકા ઓછુ મતદાન નોધાયુ હતુ.
બે વર્ષના કોરોના કાળ બાદ આ વર્ષે દિવાળી બાદ લગ્નની સીઝન ખુલી છે. પુષ્કળ પ્રમાણમાં લગ્નો હોવાના કારણે ગુજરાત વિધાનસભાની ચુંટણીનુ પ્રથમ તબક્કાનુ મતદાન ૫૫ થી ૬૦ ટકા નોધાતા રાજકીય પક્ષોને ઓછા મતદાનની ચીંતા કોરી ખાધી હતી. બીજા તબક્કામાં વધુ પ્રમાણમાં મતદાન થાય તે માટે વિવિધ પક્ષો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીએ તો પેજ પ્રમુખો બુથ સમિતિ સહિતના કાર્યકરોને વધુ મતદાન થાય તે માટે સક્રીય કર્યા હતા. જેના કારણે વિસનગર વિધાનસભામાં કુલ ૨,૨૯,૫૪૭ મતદારોમાંથી ૧,૫૮,૬૪૭ મતદારોએ મતદાન કરતા ૬૯.૧૧ ટકા મતદાન નોધાયુ હતુ. સવારે ૮-૦૦ કલાકથી મતદાન શરૂ થયુ ત્યારે શરૂઆતના એક કલાકમાં ખુબજ ઓછુ ૬.૩૪ ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદ મતદાનની રીધમ પકડાઈ હતી. છેલ્લા બે કલાક બપોરે ૩ થી ૫ માં ૧૨.૫૪ ટકા મતદાન થયુ હતુ. કુલ મતદાનમાં પુરુષ મતદારોમાં ૭૧.૯૨ તથા સ્ત્રી મતદારોમાં ૬૬.૦૯ ટકા મતદાન નોધાયુ હતુ. વિસનગર શહેરના ૫૮૧૦૮ મતદારોમાંથી ૩૬૯૬૫ એ મતદાન કર્યુ હતુ. જ્યારે ગામડાના કુલ ૧,૭૧,૫૬૧ મતદારોમાંથી
૧,૨૧,૬૮૨ મતદારોએ મતદાન કર્યુ હતુ.
તાલુકાના કયા ગામના બુથમાં સૌથી વધુ અને ઓછુ મતદાન થયુ તે જોઈએ તો, કિયાદર ગામની કિયાદર પ્રા.શાળના બુથ નં. ૮૮ માં ૮૯.૦૪ ટકા મતદાન થયુ હતુ. આ બુથમાં કુલ ૪૫૬ મતદારોમાંથી ૪૦૬ નુ મતદાન થયુ હતુ. વાલમ ગામની વાલમ પ્રાયમરી બોયઝ સ્કુલમા આવેલ બુથ નં.૧૮ મા તાલુકાનુ સૌથી ઓછુ ૫૫.૨૨ ટકા મતદાન થયુ હતુ. આ બુથમાં ૧૧૩૯ મતદારમાંથી ૬૨૯ નુ મતદાન થયુ હતુ.
વિસનગર શહેરમાં ફતેહ દરવાજા પ્રા.શાળા નં.૬ માં આવેલ વિસનગર ૯ અને બુથ નં.૧૦૩ માં સૌથી વધુ ૭૬.૨૪ ટકા મતદાન થયુ હતુ. જેમાં ૧૧૮૭ મતદારમાંથી ૯૦૫ નુ મતદાન થયુ હતુ. શહેરમાં સૌથી ઓછુ નૂતન હાઈસ્કુલમાં આવેલ વિસનગર ૧૮ અને બુથ નં.૧૧૨ માં ૪૮.૨૭ ટકા મતદાન થયુ હતુ. જેમાં કુલ ૩૭૫ મતદારમાંથી ૧૮૧ નુ મતદાન થયુ હતુ. જોકે આ બુથમાં ગંજબજારના પોર્ટરોના વર્ષોથી નામ ચાલ્યા આવે છે. ઘણા પોર્ટર જતા રહ્યા છે. જેથી દરેક ચુંટણીમાં આ બુથનુ સૌથી ઓછુ મતદાન નોધાય છે. અનામત આંદોલન સમય વખતની વર્ષ ૨૦૧૭ ની ચુંટણીમાં વિસનગર સીટનુ ૭૩.૬૮ ટકા મતદાન થયુ હતુ. ગત વર્ષ કરતા આ વખતે ૪.૫૭ ટકા મતદાન ઓછુ થયુ છે. જોકે કોપરસીટી મર્ચન્ટ એસો.ની અપીલના પગલે બજારો બંધ રહેતા તેમજ પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલના માર્ગદર્શનમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈનામી સ્કીમ મુકવામાં આવતા મતદારોને પ્રોત્સાહન મળ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us