દેવભૂમિ રેસીડેન્સીના પ્લોટ ધારકોએ વેરો ન ભરતા ખેરાલુ પાલિકાએ રૂા.૨,૦૯,૧૮૬ વસુલવા ૧૬ પ્લોટ સીલ કર્યા
ખેરાલુ પાલિકા ચિફ ઓફિસર દ્વારા ખેરાલુ શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત ખેરાલુ શહેરની પ્રસિધ્ધ દેવભુમિ રેસીડેન્સીમાં ૧૬ પ્લોટ ધારકો પાસેથી વેરા વસુલવા માટે પ્લોટ સીલ કરતા ખેરાલુ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
• ખેરાલુ શહેરમાં ૧૦ વર્ષથી આકારણી કરાઈ નથી
• પાલિકાને આકારણી કરવામાં રસ નથી
• નવી બનેલી મિલ્કતોમાં હજુપણ પ્લોટના વેરા વસુલાય છે
ખેરાલુ શહેરમાં એરીયાબેઝ આકારણી કર્યા પછી ૧૦ વર્ષ ઉપરાંતનો સમય થયો છતાં ફરીથી એરીયાબેઝ આકારણી કરાતી નથી. પાલિકા હદ વિસ્તારમાં બનેલી સોસાયટીઓમાં નવા મકાનો બની ગયા છે છતા હજુ પ્લોટોના જ વેરા વસુલવાનું કૌભાંડ ચાલે છે. નવા બનેલા આખે આખા શોપિંગોની આકારણી થતી નથી. ખેરાલુ પાલિકા દ્વારા ખેરાલુ શહેરમાં આકારણી ફરીથી કરવામાં આવે તો પાલિકાનો વેરો વધી શકે તેમ છે. પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ૭૦૦ ઉપરાંત મકાનો નવા બન્યા છે છતાં હજુ જુના મકાનોના માપ પ્રમાણે વેરા વસુલાય છે. જે મિલ્કત ધારકના મકાન એક માળના હતા તે નવા બનાવી બે કે ત્રણ માળના બની ગયા છે. છતાં હજુ જુના વેરા પ્રમાણે વેરા વસુલાત થાય છે. દર ૧૦ વર્ષે ખેરાલુ શહેરની તમામ મિલ્કતોની આકારણી કરવાની હોય છે. ૨૦૧૧માં આકારણી કરાયા પછી ક્યારેય નવી આકારણી કરાઈ જ નથી. ખેરાલુ બજારમાં એક માળની દુકાનો ત્રણ માળની બની ગઈ છે. છતાં વેરો જુના આકારણી પ્રમાણે વસુલાત થાય છે. ત્યારે ખેરાલુ પાલિકા ચિફ ઓફિસર દ્વારા વેરા વસુલાત સઘન બનાવતા દેવભુમી રેસીડેન્સીમાં ૧૬ પ્લોટ સીલ કરી તેમાં પ્રવેશ બંધી કરતુ નોટીસ બોર્ડ સોસાયટીમાં લગાવવામાં આવ્યુ છે. જેમાં જણાવ્યુ છે કે, દેવભુમિ રેસિડેન્સી પ્લોટ નં.એ-૯,૧૦,૧૮,૩૮,૪૫, ૪૬,૪૭,૪૮, ૪૯ અને બી-૬,૭,૮,૫૬, ૫૭,૫૮,૫૯ મિલ્કતને ટાંચમાં (સીલ) લેવામાં આવી છે. જેથી કોઈપણ ઈસમે પાલિકાની પરવાનગી વગર મિલ્કતમાં પ્રવેશ કરવો નહી.
દેવભુમિ રેસીડેન્સીમાં પ્લોટ ખરીદનાર પ્લોટ ધારકોએ હજુ સુધી પાલિકા દફતરે પોતાના નામો દાખલ કર્યા નથી. જેના કારણે હજુ સુધી પ્લોટો બિલ્ડરોના નામે ચાલે છે. આ બાબતે પાલિકા દ્વારા દેવભુમિ રેસીડેન્સીના ૭/૧૨ અને ૮/અના ઉતારા મેળવી તેમાંથી પ્લોટ માલિકોના નામ શોધી સિધી નોટીસો આપવામાં આવે તો વેરા વસુલાત થાય તેમ છે. પરંતુ પાલિકા તંત્રને યોગ્ય કામગીરી કર્યા વગર માત્ર આડેધડ નોટીસ આપતા દેવુભુમિ રેસીડેન્સીના નિયમિત વેરા ભરતા પ્લોટ ધારકોનો પાલિકા વિરૂધ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. દેવભુમિ રેસીડેન્સીમાં રહેતા મકાન માલિકો નોટીસ બોર્ડ જોઈને શરમમાં મુકાયા હોય તેવો ઘાટ ઘડાયો છે.