Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈના પ્રયત્નોથી નર્મદા મૈયા વિસનગરની તરસ બુઝાવશે

ફક્ત વિસનગર શહેર અને તાલુકાના ૫૪ ગામના ૨.૮૯ લાખ લોકો માટે રૂા.૧૫૧.૭૮ કરોડનો પ્રોજેક્ટ

લોકાર્પણના બેનરો ભલે ફાડવામાં આવે પણ લોકોના મનમાંથી ઋષિભાઈ નહી ભુસાય
વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણના બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે કેટલાક ચોક્કસ સમાજના લોકો દ્વારા બેનરો ફાડવામાં આવી રહ્યા છે. કોઈના ઈશારે ગેરમાર્ગે દોરાઈ ઋષિભાઈ પટેલના વિરુધ્ધમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યુ છે. પરંતુ એ ચોક્કસ વાત છે કે બેનરો ફાડવાથી નાત-જાત, ભેદભાવ કે દ્વેષભાવ વગર વિકાસના હિમાયતી ઋષિભાઈ પટેલ પ્રત્યેની જે છબી અને ઈમેજ લોકોના મનમાં છે તે નહી ભુસાય

• કરોળીયાના જાળાની જેમ ૬૬ કી.મી. રાઈઝીંગ મેઈન તથા ૧૨૯ કી.મી. વિતરણ પાઈપલાઈનથી પાણી પુરૂ પાડવામાં આવશે
• વિસનગર શહેર માટે વાલમ પ્લાન્ટથી સર્વે નં.૩૦૫ સુધી અલગ પાઈપલાઈનથી પાણી પુરૂ પાડવામાં આવશે
• કોરોના કાળ આવ્યો હોવા છતા ૧૫ માસની જગ્યાએ ૧૮ માસમાજ કામ પૂર્ણ થયુ

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલન વિસનગર શહેર અને તાલુકાના લોકોના હિતના પ્રયત્નોના ફળ સ્વરૂપ આજ નર્મદા મૈયા વિસનગરના આગણે આવી ગયા છે. રૂા.૧૫૧.૭૮ કરોડના ખર્ચે ફક્ત વિસનગર શહેર અને તાલુકાના લોકો માટે તૈયાર થયેલ વિસનગર જુથ પાણી પુરવઠા યોજના તથા ૨૭.૨૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ લોકલાડીલા નેતા ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે. જેનાથી આવનાર ૩૦ વર્ષ સુધી મા નર્મદા શહેર અને તાલુકાની તરસ બુઝાવશે. શહેર તેમજ તાલુકાના લોકોનુ હિત જેમના હૈયે સમાયેલુ છે તેવી ન ભૂતો ન ભવિષ્યતી જેવી અકલ્પનીય યોજના માત્રને માત્ર ઋષિભાઈ પટેલ અને ભાજપ સરકારને આભારી છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રાજનીતિ કે નાત જાતના ભેદભાવ વગર વિકાસ કામ કર્યા છે. તેમ છતા ત્રણ ટર્મના ધારાસભ્ય કાળમાં મોટી કંઈ યોજના લાવ્યા અને શુ વિકાસ કર્યો તેવા પ્રશ્નો કરવામાં આવતા હતા. અત્યારે અન્ય વિકાસ કરતા જીવન જરૂરીયાત માટે પાણીની સમસ્યા છે. પાણી વગર હિજરત કરવાની કેટલાક વિસ્તારોમાં નોબત આવી છે. ત્યારે દિર્ઘદ્રષ્ટી રાખી લોકોને પાણી વગર ટળવળવુ પડે નહી તે માટે ઋષિભાઈ પટેલે તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાના સમયમાં વર્ષે ૨૦૨૦ માં રૂા.૧૫૧.૭૮ કરોડના ખર્ચે ફક્ત વિસનગર શહેર અને તાલુકાના ગામડા માટે વિસનગર જુથ પાણી પુરવઠા યોજના મંજુર કરાવી હતી. જે યોજનાનુ આજ રોજ લોકાર્પણ થશે. ત્યારે ઋષિભાઈ પટેલે વિસનગર માટે કયુ મોટુ કામ કર્યુ તેવા પ્રશ્નો કરતા વિરોધીઓના મો સીવાઈ જશે. વિસનગર શહેર તાલુકાના વિકાસ તથા સુવિધા માટે અત્યાર સુધી એક સામટા પાંચ થી દસ કરોડ ફળવાયા નથી. ત્યારે ઋષિભાઈ પટેલે શહેર કે તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત લોકોના હિતમાં કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો છે. અત્યારે ખોટા ગેરમાર્ગે દોરાઈ ઋષિભાઈ પટેલના વિરોધમાં લોકાર્પણના લગાવેલા જે લોકો બેનરો ફાડી રહ્યા છે તે લોકો પણ નર્મદાનુ વિસનગર જુથ યોજનાનુ પાણી પીશે અને તેમના પશુઓને પણ પાણી પીવડાવશે. તે વખતે ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાણી આવ્યુ છે તો તેનો ઉપયોગ નહી કરીએ તેવો વિરોધ નહી કરે.
ધરોઈ જુથ યોજના આધારીત વિસનગર શહેર અને તાલુકાના ગામડાઓએ પીવાના પાણી માટે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. ત્યારે વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ બાદ આવનાર ૩૦ વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહી. સપ્ટેમ્બર ૨૦૨૦ મા આ યોજનાનુ પ્રથમ ટેન્ડર પડ્યુ હતુ. જેનો પ્રચાર સાપ્તાહિકના તા.૧૪-૯-૨૦૨૦ ના અંકમાં પ્રથમ પાને અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. જેમાં ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, દોઢ વર્ષમાં પ્રોજેક્ટ પુરો થશે. ત્યારબાદ કોરોનાની ભયાનક બીજી લહેર અને ત્રીજી લહેરની અસરો હોવા છતા ઋષિભાઈ પટેલના સતત મોનીટરીંગથી પ્રોજેક્ટમાં વિલંબ થયો નથી અને ફક્ત ૨૧ માસમાં લોકાર્પણ થઈ રહ્યુ છે. જેની સાથે કડા રોડ ઉપરના રૂા.૧૭.૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૨ એમ.એલ.ડી. ક્ષમતાનો તથા પુદગામ ખાતે રૂા.૯.૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫.૩૦ એમ.એલ.ડી. ક્ષમતાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ પણ લોકાર્પણ કરવામાં આવશે.
આજરોજ તા.૬-૬-૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૯-૦૦ કલાકે માર્કેટયાર્ડના કોટન શેડમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમના અથાગ પ્રયત્નો થકી યોજના આકાર પામી છે તેવા લોકલાડીલા વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે. મુખ્ય મહેમાન પદે મહેસાણા જીલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી, અતિથિ વિશેષમાં સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય અજલમજી ઠાકોર ખેરાલુ, કરસનભાઈ સોલંકી કડી, રમણભાઈ પટેલ વિજાપુર, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રહેલાદભાઈ પરમાર, જીલ્લાના તથા વિસનગર શહેર તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આવો સૌ આપણે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિસનગરના આગણે આવેલા મા નર્મદા મૈયાના વધામણા કરીએ.

વિસનગર જુથ પાણી પુરવઠા યોજનાના મુખ્ય ઘટકો
(૧) મોટીદાઉ હેડ વર્ક્સ ખાતે સમ્પ-૫૦ લાખ લિટર, પંપ રૂમ-૧ નંગ, મશીનરી-૧ નંગ, રાઈઝીંગ મેઈન ૯ કિ.મી. (ફેઝ-૨) (૨) વાલમ હેડ વર્ક્સ ખાતે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ-૫૪ એમ.એલ.ડી., સમ્પ-૧ કરોડ લિટર, પંપ રૂમ-૧ નંગ, મશીનરી-૧ નંગ (ફેઝ-૨) (૩) અલગ અલગ સબ હેડવર્ક્સ ખાતે ભૂગર્ભ સમ્પ-૪ નંગ, આર.સી.સી. ઊંચી ટાંકી-૪ નંગ, રાઈઝીંગ મેઈન ૬૬ કિ.મી., વિતરણ પાઈપલાઈન ૧૨૯ કિ.મી.(ફેઝ-૩).

  • વિસનગર જુથ યોજનામાં કંઈ રીતે પાણી પહોચતુ કરવામાં આવશે
  • આ યોજના શુ છે તેની વિગત જોઈએ તો, ફેઝ-૧ માં મોઢેરા પાસે આવેલ સમલાયાપુરાથી નર્મદા કેનાલમાંથી પાણી મેળવી સવા મીટર (૧૨૦૦) એમ.એમ.ની એમ.એસ.પાઈપ દ્વારા કમાલપુર(ધીણોજ) પાણી લાવવામાં આવશે. જ્યાંથી એક લાઈન દ્વારા મહેસાણા શહેર માટે બીજી લાઈન દ્વારા વિસનગર અને ઉંઝા શહેર માટે મોટીદઉ પાણી લાવવામાં આવશે. મોટીદઉથી ઉંઝા માટે અલગ લાઈન આપવામાં આવી છે. જ્યારે વિસનગર શહેર અને તાલુકાના ૫૪ ગામ માટે વાલમ ફિલ્ટરેશન પ્લાન્ટમાં એક્સપ્રેસ લાઈનથી પાણી લાવવામાં આવશે.
  • ફેઝ-૩ માં વાલમ ફીલ્ટરેશન પ્લાન્ટથી વિસનગર શહેર, વાલમ, રાજગઢ, ગુંજા, ગોઠવા, કમાણા તથા થુમથલ ખાતે જુદા જુદા સંપ તથા ઉંચી ટાંકીઓ બનાવી તાલુકાના ગામડાઓમાં પીવાનુ પાણી પહોચતુ કરવામાં આવશે. કયા સંપ અને ઓવરહેડ ટાંકીથી કયા ગામમાં પાણી પહોચતુ કરવામાં આવશે તે જોઈએ તો, (૧) વાલમ સબ હેડ વર્કસથી એક લાઈનથી વાલમ, બીજી લાઈનથી તરભ અને ગણેશપુરા, ત્રીજી લાઈનથી ખંડોસણ તથા ચોથી લાઈનથી પુદગામ, રંડાલા પાણી પહોચતુ કરવામાં આવશે. (૨) રાજગઢ સબ હેડ વર્કસથી એક લાઈનથી રાજગઢ, રામપુરા, ઈયાસરા, ગણેશપુરા(પુ), બીજી લાઈનથી મહંમદપુરા, કાજીઅલીયાસણા, દેણપ, ત્રીજી લાઈનથી છોગાળા અને ચોથી લાઈનથી થલોટા, કાંસા એન.એ. અને કાંસા (૩) ગુંજા હેડ વર્કસથી એક લાઈનથી ગુંજા અને કીયાદર બીજી લાઈનથી ચાંદપુર, ત્રાંસવાડ, લક્ષ્મીપુરા, ભાલક, ત્રીજી લાઈનથી સેવાલીયા, રાલીસણા, સુંશી, કુવાસણા, વિસનગર રૂરલ, ચોથી લાઈન ગોઠવા સબ હેડ વર્કસ સુધી જશે. (૪) ગોઠવા સબ હેડ વર્કસથી એક લાઈનથી બાકરપુર, બાજીપુરા, ઘાઘરેટ, બીજી લાઈનથી રંગાકુઈ, ત્રીજી લાઈનથી કોમલપુર અને કડા સુધી પાણી પહોચતુ કરવામાં આવશે. વાલમ હેડ વર્કસથી એક લાઈનથી કમાણા અને થુમથલ સબ હેડ વર્કસ સુધી પાણી પહોચતુ કરવામાં આવશે. જેમાં (૫) કમાણા સબ સબ હેડ વર્કસથી એક લાઈનથી લાછડી, બીજી લાઈનથી દઢિયાળ, મગરોડા, ખરવડા, ત્રીજી લાઈનથી સદુથલા, સવાલા, ચોથી લાઈનથી કમાણા રાવળાપુરા, કંસારાકુઈ, પાંચમી લાઈનથી બેચરપુરા, બાસણા, મોટા ચીત્રોડા પાણી પહોચતુ કરવામાં આવશે (૬) થુમથલ હેડ વર્કસથી એક લાઈનથી થુમથલ, મેઘાઅલીયાસણા, ચીત્રોડીપુરા, બીજી લાઈનથી ગુંજાળા, ત્રીજી લાઈનથી ઉદલપુર, ધારૂસણા, ધામણવા અને ચોથી લાઈનથી કમાલપુર અને ગણપતપુરા પાણી પહોચતુ કરવામાં આવશે. વિસનગર શહેર માટે વાલમ પ્લાન્ટથી સર્વે નં.૩૦૫ સુધી અલગ પાઈપલાઈનથી પાણી પહોચતુ કરવામાં આવશે.
  • આ યોજના બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છેકે, હબ એન્ડ સ્પોક ટેકનોલોજી આધારે પાણી વિતરણ કરવામાં આવશે. એક લાઈનમાં ચાર ગામનાજ જોડાણ અપાશે. જેથી દરેક ગામમાં એક સરખો પુરવઠો મળી રહે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us