Select Page

ખરવડા-મગરોડા આરોગ્ય કેન્દ્રની જમીન વેચાતા વિવાદ

ખરવડા-મગરોડા આરોગ્ય કેન્દ્રની જમીન વેચાતા વિવાદ

આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારના અધિકારીઓની બેદરકારી

  • એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ કે આરોગ્ય વિભાગના અધિકારીઓની જાણ બહાર જમીન ખરીદતા લોકોમાં તર્કવિતર્ક
  • મે આરોગ્ય કેન્દ્રને યથાવત રાખવા જમીન ખરીદી હતી. જો આરોગ્ય કેન્દ્રના બિલ્ડીંગ ઉપર મારી માતાનુ નામ લખાય તો હું આ જમીન દાનમાં આપવા તૈયાર છું- હરેશભાઈ ચૌધરી

વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા ગામમાં ૭૦ વર્ષ પહેલા બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૨૩.૯૯ ગુુંઠા જમીન દાતાના વારસદારે મગરોડા ગામના એક સહકારી આગેવાનને બારોેબાર વેચી મારતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે. આરોગ્યતંત્રની બેદરકારીથી આજુબાજુના ૧૨ ગામોના લોકોને આરોગ્યની સુવિધા પુરી પાડતા આરોગ્યકેન્દ્રની જમીનનુ વેચાણ થતા આ મુદ્દો ભારે ચગડોળે ચડ્યો છે. આરોગ્યકેન્દ્રની જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરવા મામલતદાર, પ્રાન્ત કચેરીમાં રજુઆત કરવામાં આવી છે. જોકે આરોગ્યમંત્રીના મત વિસ્તારમાંજ આરોગ્યકેન્દ્રની જમીનનુ વેચાણ થતા આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય છબી ખરડાઈ છે.
વિસનગર તાલુકાના ખરવડા, મગરોડા સહિત આજુબાજુના ગામોના લોકોને આરોગ્યની સુવિધા પુરી પાડવા માટે રાઈબેન વિરસંગભાઈ ચૌધરીએ ૭૦ વર્ષ પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ખરવડા સર્વે નં.૧૧ વાળી ૨૩.૯૯ ગુંઠા જમીન દાનમાં આપી હતી. ત્યારે સરકારે આ જમીનમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રનુ નિર્માણ કર્યુ હતુ. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખરવડા, મગરોડા સહિત આજુબાજુના ૧૨ ગામના લોકો લાભ લઈ રહ્યા હતા. સરકારે આ જમીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા-મગરોડા માટે સંપાદન કરી હતી. પરંતુ જમીનના દસ્તાવેજી રેકર્ડમાં દાતાનું નામ ચાલતુ હતુ. થોડા દિવસ પહેલા દાતાના વારસદાર ભાણીયા ગૌરવ ચૌધરીએ આરોગ્યકેન્દ્રની ૨૩.૯૯ ગુંઠા જમીન મગરોડાના વતની અને વિસનગર એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન હરેશભાઈ લવજીભાઈ ચૌધરીને વેચાણ આપી હતી. આ જમીનનો વેચાણ દસ્તાવેજ થયા બાદ વિસનગર મામલતદાર કચેરીમાં તેની કાચી નોંધ પણ પાડવામાં આવી હતી. જોકે આ જમીનમાં ૭૦ વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતુ હોવા છતાં તેની કાચી નોંધ કેવીરીતે પડી તે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ખરવડા અને મગરોડાના ગ્રામજનોએ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાન્ત કચેરી તથા આરોગ્ય વિભાગમાં રજુઆત કરતા અધિકારીઓ ઉંઘમાથી ઉઠીને જમીનના રેકર્ડ તપાસી રહ્યા છે. જાણકારો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરકારે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન બિલ્ડીંગ તેમજ વિકાસના અન્ય કામ માટે રૂા.૮૬ લાખ ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ આ જમીન દાતાના વારસદારોના નામે હોવાનું કલેક્ટરના ધ્યાને આવતા ૮૬ લાખની ગ્રાન્ટ અટકાવતા આરોગ્ય કેન્દ્રનો વિવાદ બહાર આવ્યો છે. આજે આરોગ્ય કેન્દ્રની જમીન વેચનાર અને ખરીદનાર સામે લોકોમાં ભારે રોષ ઉભો થયો છે. આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તારમાંજ અધિકારીઓની બેદરકારીથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનનુ વેચાણ થતા આરોગ્યમંત્રીની રાજકીય છબી પણ ખરડાઈ છે.
આ વિવાદમાં જમીન ખરીદનાર વિસનગર એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન હરેશભાઈ લવજીભાઈ ચૌધરીએ ખુલાસો કરતા જણાવ્યુ કે, જમીનના મુળ માલિક ગૌરવભાઈ ચૌધરી ઘણા સમયથી જમીન વેચાણ કરવા ફરતા હતા. જો આ જમીન મે ના ખરીદી હોત તો બીજો કોઈપણ વ્યક્તિ એ જમીન ખરીદી હોત. મેં આરોગ્ય કેન્દ્રને યથાવત રાખવા જમીન ખરીદી હતી. જો આરોગ્ય કેન્દ્રના ગેટ ઉપર મારી માતાનુ નામકરણ થાય. તો હુંજમીન દાનમાં આપવા તૈયાર છું. જોકે હરેશભાઈ ચૌધરીએ આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલ કે આરોગ્યતંત્રના અધિકારીઓને જાણ કર્યા વગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા બારોબાર ખરીદતા લોકોમાં તર્કવિતર્ક ઉભા થયા છે.