પાલિકાએ ચુપચાપ આંતરે દિવસે પાણી કાપનો અમલ શરૂ કર્યો
મોટા ઉપાડે રોજીંદા પાણી આપવાની જાહેરાત કર્યા બાદ
પાલિકાએ ચુપચાપ આંતરે દિવસે પાણી કાપનો અમલ શરૂ કર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ભાજપનો ગઢ છે ત્યારે વધારેમાં વધારે જો કોઈ પાણીનો ત્રાસ સહન કરતુ હોય તો આ શહેર છે. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી દ્વારા પાણી કાપ ઉઠાવી લેવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જેનો થોડો સમય અમલ કર્યા બાદ ચુપચાપ આંતરે દિવસે પાણી વિતરણ શરૂ કરતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ છે. પ્રમુખ સહિતના સભ્યો હવે ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી પક્ષની શીસ્તમાં સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી શકશે નહી. તેથી હવે આંતરે દિવસે પાણી કાપનો કાયમી અમલ થઈ જાય તો નવાઈ નહી.
ભાજપમાં જોડાઈને પ્રમુખ પોતાની ખુરશી બચાવવામાં સફળ જ્યારે લોકોને રોજીંદુ પાણી આપવામાં નિષ્ફળ
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સહીતના ૨૧ સભ્યો ભાજપમાં જોડાતા પાલિકામાં ભાજપના જોડાતા પાલિકામાં ભાજપના ૨૮ સભ્યોની બહુમતીથી શહેરીજનોને લાભ થવાની જગ્યાએ નુકશાન થવાના સમાચાર મળી રહ્યા છે. ઉનાળામાં ધરોઈ ડેમ તળીયા ઝાટક થતા પાલિકા દ્વારા શહેરમાં આંતરે દિવસે પાણી આપવાની પ્રથા શરૂ કરી હતી. પાણીની તંગી હોવાથી લોકોએ પણ સહકાર આપ્યો હતો. ૩૬૫ દિવસનો રૂા.૬૦૦ પાણીવેરો લેવામાં આવે છે. ત્યારે એકપણ શહેરીજને એવો વિરોધ નહોતો કર્યો કે, આંતરે દિવસે પાણી આપવામાં આવે છે ત્યારે પાણી વેરામાં પણ વળતર આપો. શહેરીજનોએ ધીરજ રાખી ઉનાળાનો સમય પસાર કર્યો. ચોમાસામાં મેઘરાજાની કૃપા થતાં ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસમાં ધરોઈની સપાટી ૫૮૩ ફૂટથી ૬૧૭ ફૂટે પહોચી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં પ્રમુખ સહીતના સભ્યો ધરોઈ ડેમ પહોચી પાણીના વધામણા કરી જોયા પુછ્યા વગર હરખઘેલા પ્રમુખે આંતરે દિવસે પાણી કાપ ઉઠાવી લેવાની જાહેરાત કરી રોજીંદા પાણી આપવાનુ શરૂ કર્યુ હતુ. આંતરે દિવસે ૪૫ મીનીટની જગ્યાએ રોજીંદા ૩૦ મીનીટ પાણી આપવાનો નિર્ણય કરાયો હતો. એટલે આમતો ૪૨ ટ ૨ દિવસે એટલે ૯૦ મીનીટ બે દિવસ પાણી આપવામાં આવે અને એક દિવસ કાપ એમ ત્રણ દિવસ વચ્ચે ૯૦ મીનીટ પાણી આપવામાં આવતુ હતુ. તેની જગ્યાએ સળંગ ત્રણ દિવસ પાણી આપવામાં આવે તેમાં પણ ૯૦ મીનીટજ પાણી અપાતુ હતુ. પાણી વિતરણ કરવાનો સમય સરખો હતો. પરંતુ પ્રમુખની વહિવટીય અણઆવડત તથા બીન અનુભવી સ્ટાફના કારણે રોજીંદા પાણી વિતરણમાં પહોચી નહી વળતા પાલિકા દ્વારા રોજીંદા પાણી આપવાની જાહેરાત કરી ફરી પાછુ ચુપચાપ આંતરે દિવસે પાણી આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
ધરોઈમાં પુરતા પ્રમાણમાં પાણીની આવક થઈ ગઈ છે. અને આંતરે દિવસે પાણી કાપ યથાવત રાખતા વિસનગરના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ કટાક્ષ સાથે રોષ વ્યક્ત કર્યો છેકે, પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ભાજપમાં જોડાઈને પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. પરંતુ શહેરીજનોને રોજીંદુ પાણી આપવામાં નિષ્ફળ ગયા છે. ધરોઈ પાણી પુરવઠા દ્વારા શહેરને જરૂરીયાત મુજબ પાણી આપવામાં આવતુ નથી તે માટે હવે પ્રમુખ તથા સભ્યો કંઈ બોલી શકે તેમ પણ નથી. કારણકે પ્રમુખ તથા સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી હવે પક્ષની શીસ્તના નામે સરકાર સામે અવાજ ઉઠાવી શકશે નહી અને લોકોની પાણીની હેરાનગતી દુર કરી શકશે નહી. આંતરે દિવસનો પાણી કાપ ફરી શરૂ કરાતા પ્રમુખે જણાવ્યુ છેકે, ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા ટરબીડીટી(ડહોળાસ) વધતા ફીલ્ટર થતુ નથી. એટલે પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો આપી શકતા નથી. પ્રમુખ ભાજપમાં જોડાતા સરકારના ઉપરાણામાં જવાબ આપી રહ્યા છે. ત્યારે એ યાદ કરવુ જરૂરી છેકે, ડેમમાં અગાઉ પણ પાણીની આવક થઈ હતી અને ટરબીડીટી વધી હતી તેમ છતાં પાલિકા દ્વારા રોજીંદુ પાણી આપવામાં આવતુ હતું.