Select Page

હવશખોર વેપારીની ચુંગાલમાંથી કોલેજીયન યુવતીને છોડાવી

હવશખોર વેપારીની ચુંગાલમાંથી કોલેજીયન યુવતીને છોડાવી

સહાનુભૂતિના બહાને કેટલાક હવશખોરો યુવતી કે મહિલાની નજીક પહોચે છે. ત્યારબાદ શારિરીક શોષણ કરી બ્લેકમેલીંગ કરતા સમાજમાં આબરૂના ડરથી કોઈને કહી શકતા નથી. વિસનગરની એક કોલેજીયન યુવતી ગંજબજારના એક હવશખોર વેપારીની ચુંગાલમાં ફસાઈ હતી. ત્યારે મહિલા સુરક્ષાના ડાયરેક્ટર તથા પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના પ્રયત્નોથી કોલેજીયન યુવતી હવશખોર વેપારીની ચુંગાલમાંથી મુક્ત થઈ હતી. સીટી પી.આઈ.ભાવનાબેન પટેલે પણ હવશખોર વેપારીને બોધપાઠ શીખવ્યો હતો. કોઈપણ યુવતી કે મહિલાનુ શોષણ થતુ હોય તો પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સંપર્ક કરવા જણાવ્યુ છે.
વિસનગર એસ.કે. એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી ૨૨ વર્ષની યુવતીની બાજુમાં વિસનગર ગંજબજારમાં પેઢી ધરાવતો આધેડ વયનો વેપારી રહે છે. યુવતીના પિતા કોરોના મૃત્યુ પામતા સોસાયટીમાં બાજુના મકાનમાંજ રહેતા વેપારીએ મદદની સહાનુભૂતિ બતાવી હતી. જોકે યુવતી એ વાતથી અજાણ હતી કે સહાનુભૂતિ પાછળ વેપારીની મેલી મુરાદ છે. વેપારીનો પુત્ર અમદાવાદ અભ્યાસ કરતો હોવાથી તેની પત્ની પણ અમદાવાદ રહે છે. કોરોનામાં પિતાના મૃત્યુ બાદ યુવતીને મદદ કરવાના બહાને વેપારી યુવતીની નજીક પહોચી ફોસલાવીને શારિરીક શોષણ શરૂ કર્યુ હતુ. યુવતીના પિતા નહી હોવાથી વેપારીને યુવતીના ઘરનો કોઈ ડર નહોતો જ્યારે પત્નિ અમદાવાદ રહેતી હોવાથી પરિવારને આડા સબંધની જાણ થાય તેની ચીંતા નહોતી.
વેપારીએ કોલેજીયન યુવતીના નગ્ન ફોટા પાડી પોર્ન વીડીયો ઉતાર્યો હતો. ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલીંગ કરી વેપારી તેની પેઢી અને ગોડાઉનમાં યુવતીને બોલાવી દુષ્કર્મ આચરતો હતો. ઘણી વખતતો વેપારી યુવતી કોલેજમાંથી છુટે કે તુર્તજ ઉઠાવી જઈ તેની મરજી વિરુધ્ધ શોષણ કરતો હતો. યુવતી હવશખોર વેપારીની ચુંગાલમાં બરોબરની ફસાઈ ગઈ હતી. આ યુવતી પણ સહાનુભૂતિના નામે નજીક આવનાર હવશખોર વેપારીથી ત્રાસી ગઈ હતી. પરંતુ પિતાની છત્રછાયા નહી હોવાથી તથા સમાજની આબરૂના ડરથી રીબાતી હતી. યુવતીની સાથે કોલેજમાં અભ્યાસ કરતી બહેનપણીઓ પણ જાણી ગઈ હતી કે તેમની સખી હવશખોર વેપારીની ચુંગાલમાં ફસાઈ છે. બહેનપણીને કંઈ રીતે છોડાવવી તેના પ્રયત્નમાં હતી.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ મહિલા સુરક્ષાનુ પણ કામ કરતા હોવાથી શિકાર બનેલ યુવતીની બહેનપણીઓએ વર્ષાબેન પટેલનો સંપર્ક કરી સમગ્ર વિગતની જાણ કરી હતી અને તેમના પતિ હર્ષદભાઈ પટેલે યુવતીની મદદે આવેલ બહેનપણીઓને મોબાઈલ નંબર આપ્યો હતો. વેપારી કોલેજ આગળ આવી યુવતીને લઈ જવા બળજબરી કરે કે મજબુર કરે તો તુર્તજ જાણ કરવા જણાવ્યુ હતુ. પ્રમુખ વર્ષાબેન પટેલને મળ્યા તેજ દિવસે સાંજે લગભગ ૪-૦૦ કલાકે હવશખોર વેપારી યુવતીને લેવા કોલેજ ગેટ આગળ આવ્યો હતો. યુવતીની બહેનપણીઓએ વર્ષાબેન પટેલને જાણ કરતાજ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાવનાબેન પટેલનો સંપર્ક કરી પોલીસની ગાડી કોલેજ આગળ મોકલી હતી. પોલીસને આવેલી જોઈ હવશખોર વેપારી નાસી ગયો હતો. જેને સવાલા દરવાજા બસ સ્ટેન્ડ આગળથી ઝડપ્યો હતો.
પી.આઈ.ભાવનાબેન પટેલ, પ્રમુખ વર્ષાબેન પટેલની રૂબરૂ હવશખોર વેપારીને પોલીસ સ્ટેશન લાવી વેપારીનો મોબાઈલ ચેક કરતા યુવતીના ૧૨૦૦ જેટલા નગ્ન ફોટા અને વીડીયો હતા. જે પોલીસે ડીલીટ કરાવ્યા હતા. આ હવશખોરના મોબાઈલમાંથી અન્ય યુવતીઓના ફોટા પણ ડીલીટ કરાવ્યા હતા. આમ મહિલા સુરક્ષાના વર્ષાબેન પટેલ તથા પી.આઈ.ભાવનાબેન પટેલના પ્રયત્નોથી યુવતી દોઢ વર્ષ બાદ હવશખોર વેપારીની ચુંગાલમાંથી મુક્ત થઈ હતી. આવીજ રીતે એક કોલેજનો પ્રોફેસર પણ મહિલાને મેસેજ મોકલી હેરાન કરતો હતો. આ પ્રોફેસરને પણ શબક શીખવ્યો હતો.
પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ છેકે, સમાજમાં એવી ઘણી યુવતીઓ અને મહિલાઓ છેકે જેમનુ શારિરીક શોષણ થઈ રહ્યુ છે. પરંતુ સમાજમાં આબરૂ જવાના ડરથી શોષણ કરનાર વિરુધ્ધ બોલી શકતી નથી. આવી રીતે કોઈ પીડીત યુવતી કે મહિલા હોય તો વર્ષાબેન પટેલે સંપર્ક કરવો. સમાજમાં કે અન્ય કોઈને ખ્યાલ ન આવે તે રીતે પૂરી ગુપ્તતા રાખી યુવતી કે મહિલાને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. અને આવા હવશખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us