
ભારતમાં સમાન સિવિલ કોડ માટે ઉત્તરાખંડ રાજ્ય માર્ગદર્શક બનશે

કટ્ટર મુસ્લીમ દેશો સહિત અનેક દેશોમાં સમાન સિવિલ કોડનો અમલ
તંત્રી સ્થાનેથી…
યુનિફોર્મ સિવિલ કોડ(UCC), સમાન સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા, એક દેશ એક કાયદો આ બાબતે ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી વિવાદો થઈ રહ્યા છે. ભારત દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસના શાસનમાં દેશના લઘુમતિને વિવિધ રીતે રક્ષણ આપતા કાયદા બન્યા છે. લઘુમતિને લાભ કરતા કાયદા બનાવવાથી તેની દેશના બહુમતી હિન્દુઓ ઉપર શુ અસર થશે તેનો ક્યારેય વિચાર કરવામાં આવ્યો નથી. જોકે યુસીસી એ ફક્ત મુસ્લીમ સમાજનેજ અસર કરે છે એવુ નથી. શીખ, ઈસાઈ, બૌધ્ધ તથા જૈન સમુદાયને પણ દેશમાં યુસીસીનો અમલ થાય તો અસર થવાની છે. દેશના લઘુમતિ સમાજોમાં મુસ્લીમ સમાજની વસતી વધારે હોવાથી યુસીસીનો વિરોધ મુસ્લીમ સમાજમાં વધારે થઈ રહ્યો છે. આ કાયદો મુસ્લીમ સમાજ વિરોધી હોય તેવો દેશમાં એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ દુનિયામાં કટ્ટર મુસ્લીમ દેશો સહિત અનેક દેશોમાં સમાન સિવિલ કોડ લાગુ છે. પાકિસ્તાનમાં સમાન સિવિલ કોડ લાગુ છે. આ ઉપરાંત્ત બાંગ્લાદેશ, મલેશીયા, તુર્કિ, ઈન્ડોનેશીયા, સુદાન, ઈજિપ્ત, અમેરિકા સહિત અનેક દેશ યુસીસી મુજબ ચાલે છે. આઝાદી બાદ ભારત સતત વિકાસ કરતો દેશ છે. દેશના વિકાસમાં ધર્મ પ્રમાણેના કાયદા નડતરરૂપ હોવાથી ભારતમાં પણ સમાન સિવિલ કોડ હોવો જોઈએ તેવી માગણી આઝાદી સમયથી થઈ રહી છે. જોકે દેશનુ હિત નહી પણ રાજકીય હિતને જોઈનેજ નિર્ણયો કરવામાં આવતા હોવાથી યુસીસીનો નિર્ણય કરી શકાયો નથી. યુનિફોર્મ સિવિલ કોડના અમલ પાછળનો મુખ્ય હેતુ દેશમાં રહેતા દરેક ધર્મના લોકો માટે લગ્ન, છુટાછેડા, દત્તક અને મિલ્કતમાં એકજ નિયમ લાગુ કરવાનો છે. દેશમાં હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ, બૌધ્ધ અને જૈન ધર્મોના અલગ અલગ કાયદાઓ તેમજ આદિવાસીઓની પરંપરાના કારણે સમાન કાયદો લાગુ કરવો અઘરો થઈ ગયો છે. ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડના નૈતિક હિમ્મત ધરાવતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નિર્ણયથી દેશમાં આ રાજ્ય યુસીસી માટે માર્ગદર્શક બનશે. સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની પેનલ બનાવી ૭૦ થી વધુ જાહેર કાર્યક્રમો, ૨ લાખ ૩૩ હજારથી વધુ લોકોના અભિપ્રાય તેમજ હજ્જારો લોકો સાથે રૂબરૂ વાતચીત બાદ યુસીસીનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરીને વિધાનસભામાં મંજુરી આપવામાં આવી. જોકે ગોવા એવુ રાજ્ય છે જ્યા પહેલેથીજ સમાન સિવિલ કોડ અમલમાં છે. ગોવા પોર્ટુગીઝોથી મુક્ત થયુ ત્યારથી એકજ ફેમિલી લૉ તમામ ધર્મો માટે અમલમાં છે. ઉત્તરાખંડમાં યુસીસીથી કંઈ બાબતોમાં સમાન કાયદો લાગુ પડશે તે જોઈએ તો હલાલા જેવી પ્રજા બંધ થશે. મુસ્લીમ પર્સનલ લૉ મુજબ હલાલા અને એક કરતા વધુ વિવાહ પણ બંધ થશે. મુસ્લીમોમાં કોઈ દંપત્તી છુટાછેડા લે પછી જો તેને ફરીથી સાથે રહેવુ હોય તો મહિલાને હલાલામાંથી પસાર થવુ પડતુ હતુ. હલાલામાં મહિલાને બીજા સાથે નિકાહ કરવા પડતા હતા અને સંબંધ બાધવો પડતો હતો. ઉત્તરાખંડની મુસ્લીમ મહિલાઓને હલાલામંથી મુક્તી મળશે. આ કાયદાથી બહુપત્નીત્વ પર પણ રોક લાગશે. આ બીલમાં છોકરીઓને પણ છોકરાઓ બરાબરજ વારસાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ છે. દેશમાં વિવિધ ધર્મના પર્સનલ લૉ માં છોકરાઓ અને છોકરીઓને સમાન વારસા હક્કનો અધિકાર નથી. યુસીસી વિધેયક મહિલા અધિકારો પર કેન્દ્રીત છે તેમ બહુપત્નીત્વ પર રોકની જોગવાઈ છે. છોકરીઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારવાની પણ જોગવાઈ છે. આ બીલથી બાળકને દત્તક લેવાની પ્રક્રિયા પણ સરળ થશે. મુસ્લીમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર આપતી જોગવાઈ છે. નાજાયઝ અને દત્તક લેવાયેલા બાળકોને પણ જૈવિક બાળકો સમાન અધિકારો મળશે. લિવ ઈનમાં રહેનારાઓના બાળકોને કાયદેસર ગણવામાં આવશે. તમામ ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. છુટાછેડા કે ઘરેલુ ઝઘડામાં પાંચ વર્ષ સુધી બાળકની કસ્ટડી માતા પાસે રહેશે. છોકરીઓની લગ્નની ઉંમર તે કોઈ પણ ધર્મ કે જાતિની હોય પરંતુ એક સરખી રહેશે. બીલમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. લગ્ન રજીસ્ટ્રેશન ન કરાવનારને સરકારી સુવિધાઓ ન આપવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. વિવાહ અને છુટાછેડાનુ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન ન કરાવનારને રૂા.૨૫૦૦૦ નો દંડ થશે. આ કોડથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં તેમજ ખાનપાન, પૂજા, ડ્રેસીંગ વિગેરે પણ કોઈ અસર નહી થાય.