Select Page

એક અકેલા સબ પર ભારી હર બાર મોદી કી બારી

એક અકેલા સબ પર ભારી હર બાર મોદી કી બારી

હિન્દુઓમાં ભાગલા પાડનારી જાતીગત વસતી ગણનાને મતદારોએ ઠુકરાવી

તંત્રી સ્થાનેથી…

રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતથી ભારત જોડો યાત્રા શરૂ કરતા મતદારોએ આકર્ષતા આ રાજકીય કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ઠેર ઠેર આવકાર અને સન્માન જોઈ ભાજપ સહિતની પાર્ટીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ભારત જોડો યાત્રા બાદની કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં ૨૨૪ સીટમાં કોંગ્રેસને ૧૩૫, ભાજપને ૬૬, જનતાદળને ૧૯ અને અપક્ષોને ૪ સીટ મળી હતી. વર્ષ ૨૦૧૮ ની ચુંટણીની સરખામણીમાં ભાજપે ૩૬ સીટ ગુમાવી હતી અને કોંગ્રેસે ૫૫ સીટ વધારે મેળવી કર્ણાટક સર કરતા કોંગ્રેસમાં નવુ જોમ જોવા મળ્યુ હતુ. ભારત જોડો યાત્રા અને કર્ણાટકમાં સફળતા બાદ કોંગ્રેસ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ વિધાનસભાની ચુંટણીમાં જીતના વિશ્વાસ સાથે પ્રચાર શરૂ કર્યો હતો. જ્યારે ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત વગર ફક્તને ફક્ત નરેન્દ્રભાઈ મોદીના ચહેરા સાથે પ્રચાર કર્યો હતો. ૨૦૨૪ ની લોકસભાની ચુંટણી પહેલાની પાંચ રાજ્યોની ચુંટણી સેમીફાઈનલ સમાન ગણાતી હતી. ભારત જોડો યાત્રા અને કર્ણાટકમાં કોંગ્રેસની સફળતા સામે વડાપ્રધાન મોદીએ ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કરતા મધ્યપ્રદેશમાં ૨૩૦ બેઠકમાં ભાજપે ૧૬૩ - કોંગ્રેસે ૬૬, રાજસ્થાનમાં ૧૯૯ બેઠકમાં ભાજપે ૧૧૫ - કોંગ્રેસ ૬૯, છત્તીસગઢમાં ૯૦ બેઠકમાં ભાજપ ૫૪ - કોંગ્રેસ ૩૫, તેલંગણામાં કોંગ્રેસે ૬૪ બેઠક પ્રાપ્ત કરી હતી. મિઝોરમમાં ૪૦ બેઠકમાં સ્થાનિક પક્ષ ઝોરમ પીપલ્સે ૨૭ બેઠક ઉપર વિજય પ્રાપ્ત કરી સત્તા મેળવી હતી. લોસકભાની સેમીફાઈનલ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી ઉપર સમગ્ર દેશની નજર હતી. ત્યારે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહની લાડલી યોજના સહિતનો વિકાસ તથા રાજસ્થાનમાં હિન્દુ કાર્ડ ભાજપને સફળતા અપાવી છે. જોકે રાજ્યોની વિધાનસભા કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને સાથી પક્ષોના બનેલા ઈન્ડીયા એલાયંસના નેતાઓના હિન્દુ વિરોધી અને નકારાત્મક સ્ટેટમેન્ટ ભાજપ માટે ફાયદામાં રહ્યા છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણીના માહોલમાં તમિલનાડુના કેબીનેટ પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સનાતન ધર્મ વિરુધ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન નડ્યુ છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી એક બીમારી ગણાવી જડમૂળમાંથી ખતમ કરી દેવાના કટ્ટરવાદી નિવેદનની અસર હિન્દુઓના માનસ ઉપર થઈ. ડી.એમ.કે.ના સાંસદ ભાજપની સત્તા ધરાવતા રાજ્યોને ગૌમૂત્ર સાથે સરખાવતા આ નિવેદનની અસરથી પણ મતદારો ભાજપ તરફી મતદાર કરવા પ્રેરાયા. સનાતન ધર્મ વિરોધના નિવેદનો બાદ ઉદયનિધિ સ્ટાલિને હું હિન્દુ ધર્મનો દુશ્મન નથી પરંતુ સનાતન પ્રથાનો વિરોધી છુ તેવી સ્પષ્ટતામાં પણ સનાતન ધર્મ વિરોધની માનસિકતા બતાવી હતી. આ સીવાય નકારાત્મક પ્રચારમાં રાહુલ ગાંધી પણ બાકાત નહોતા. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડકપની સેમીફાયનલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયા સામે હારી જતા ચુંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, આપણા છોકરા મેચ જીતી ગયા હોત પણ પનોતીએ હરાવ્યા હતા. સ્ટેડીયમમાં વડાપ્રધાન મોદીની હાજરી હતી અને મેચ બાદ ખેલાડીઓને સાત્વના આપતા પ્રથમ વડાપ્રધાન હતા. છતા વડાપ્રધાનને પનોતી કહેતા રાહુલ ગાંધીની માનસિકતાની અસર મતદારોને ભાજપ તરફી પ્રેરવા સમાન સાબીત થઈ હતી. આ ચુંટણીઓમાં હિન્દુઓમાં ભાગલા પાડવાનુ ફેક્ટર પણ અસર કરી ગયુ છે. મુખ્યમંત્રી નિતિષકુમારે ચુંટણી પહેલા બિહારમાં જાતિગત ગણના કરાવીને દેશભરમાં ભાજપને ઘેરવાની યોજના બનાવી હતી. જે આધારે રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોની ચુંટણીમાં જાતીગત વસતી ગણનાનો મુદ્દો ટોપ ઉપર રાખ્યો હતો. જેની સામે વડાપ્રધાન મોદીએ અમારા માટે તો નારિ શક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ અને ગરીબ પરિવારોજ સૌથી મોટી જાતિ તેવુ દરેક સભાઓમાં કહેતા હોવાથી તેમન ઈન્ડીયા એલાયન્સ હિન્દુઓને વહેચવાનુ તથા હિન્દુઓમાં ભાગલા પાડવાનુ કહેતા તેની પણ મતદારોમાં ઘેરી અસર થઈ. ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય પાછળ વડાપ્રધાન મોદી કોમન ફેક્ટર રહ્યુ. મતદારોએ વડાપ્રધાન મોદીની ગેરંટી અને ડબલ એન્જીન સરકાર ઉપર ભરોસો રાખ્યો. મતદારોએ નકારાત્મક પ્રચાર, હિન્દુ વિરોધી અને સનાતન ધર્મ વિરોધી સ્ટેટમેન્ટોને નકાર્યા. સેમી ફાયનલમાં ભાજપને મળેલી સફળતા બાદ હવે તો નવુ સુત્ર આપ્યુ છેકે, ‘એક અકેલા સબ પર ભારી, હર બાર મોદી કી બારી.’

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us