Select Page

વિસનગર તાલુકાના બક્ષીપંચ ગામડામાં રોડનો જોબ નંબર ફાળવવામાં ભેદભાવ

વિસનગર તાલુકાના બક્ષીપંચ ગામડામાં રોડનો જોબ નંબર ફાળવવામાં ભેદભાવ

બક્ષીપંચ સમાજ પ્રત્યે અણગમો રાખવા પાછળનુ કયુ રાજકારણ?

વિસનગર તાલુકાના બક્ષીપંચ ગામડામાં રોડનો જોબ નંબર ફાળવવામાં ભેદભાવ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નાના સમાજોના મતથી ગુજરાતમાં સત્તા મેળવનાર સરકાર હવે આ સમાજોને વિકાસ કામમાં અવગણી રહી છે. વિસનગરમાં ભાજપના ધારાસભ્ય કોના મતથી ચુંટાયા છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે આ બક્ષીપંચ સમાજના ગામડામાં રોડ પહોળા કરવાના અને નવા રોડ બનાવવા જોબ નંબર ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જીલ્લાના દરેક તાલુકામાં રોડ માટે કરોડોની ગ્રાન્ટ ફળવાય છે ત્યારે વિસનગરમાં રોડ માટે ગ્રાન્ટ કેમ નહી. ભાજપનુ કયુ રાજકારણ બક્ષીપંચના ગામડામાં રોડ બનતા અટકાવી રહ્યુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સરકારમાં નહી બોલવાના સ્વભાવના કારણે અત્યારે તાલુકાની જનતા પીસાઈ રહી છે.
વિસનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ઋષિભાઈ પટેલને નાના અને બક્ષીપંચ સમાજે ખોબલે ખોબલે મત આપ્યા બાદ અત્યારે આજ નાના સમાજો વિકાસ કામ માટે ટળવળી રહ્યા છે. વિસનગર તાલુકાના ચીત્રોડીપુરા, મેઘાઅલીયાસણા, ગુંજાળા ટુ સ્ટેટ હાઈવે રોડ ૬ કી.મી.નો છે. આ રોડ છેલ્લા પાંચ વર્ષથી ખરાબ થઈ ગયો છે. રોડ ઉપરની કપચી ઉખડી જતા ખખડધજ રોડ નવો બનાવવા તેમજ ૩.૭૫ મીટરની પહોળાઈનો રોડ ૫.૫૦ મીટરની પહોળાઈનો બનાવવા છેલ્લા ઘણા સમયથી રજુઆત થઈ રહી છે.
૬ કી.મી. લંબાઈનો આ રોડ સાંકડો હોવાથી સામ સામે બે બસ પસાર થઈ શકતી નથી. ક્યારેક તો નાના વાહનોને પણ પસાર થવુ કઠીન થઈ પડે છે. રોડ ઉપર બાવળની ઝાડીએ ભરડો કરતા રોડ વધારે સાંકડો બની ગયો છે. આવી પરિસ્થિતિના કારણે વારંવાર નાના મોટા અકસ્માતના બનાવો બને છે. અકસ્માતથી મૃત્યુ પણ થયુ છે. ઘણા સમયથી રોડ નવો નહી બનતા હવે તો બસના ડ્રાઈવરો પણ આ રોડ ઉપર બસ ચલાવવા આનાકાની કરી રહ્યા છે. આવીજ પરિસ્થિતિ રહેશે તો ટુંક સમયમાં બસો પણ બંધ થવાની શક્યતા છે.
રોડ પહોળો કરી નવો બનાવવાની આ વિસ્તારના ચૌધરી સમાજના ગ્રામજનોની રજુઆત બાદ પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ વિસનગર દ્વારા તા.૪-૫-૨૦૧૯ ના રોજ બાસણા ચિત્રોડા, ચિત્રોડીપુરા, ગુંજાળા સુધીનો રૂા.૨૭૦ લાખના ખર્ચે, વાલમ એસ.એચ.૩ પુદગામ ગણેશપુરા સુધીનો રૂા.૨૨૫ લાખના ખર્ચે, ઉંઝા એસ.એચ.૩ અરણીપુરા લક્ષ્મીપુરા, જેતલવાસણા સુધીનો રૂા.૨૭૦ લાખના ખર્ચે તથા દઢીયાળ લાછડી ૩ એસ.એચ. સુધી રૂા.૧૮૦ લાખના ખર્ચે રોડ બનાવવા જોબ નંબર ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી. બાસણા, ચિત્રોડીપુરા ગુંજાળા રોડ પહોળો કરી નવો બનાવવાની તાતી જરૂરીયાત હોઈ ગ્રામજનોની રજુઆતના પગલે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલને તા.૪-૧૧-૨૦૧૯ ના રોજ જોબ નંબર ફાળવવા ભલામણ કરી હતી. ત્યારબાદ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ૮-૧૧-૨૦૧૯ ના રોજ આ રોડનો જોબ નંબર ફાળવવા ફરીથી દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે ભાજપના કયા રાજકારણના કારણે જોબ નંબર ફળવાતો નથી તે પ્રશ્ન છે. ગુંજાળાના સરપંચ માનસંગભાઈ ચૌધરીએ જોબ નંબર નહી ફળવાતા રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, બીજા તાલુકામાં રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ ફળવાય છે અને જોબ નંબર ફળવાય છે. પરંતુ ગાંધીનગર બેઠેલા એક નેતાની ડખલગીરીથી વિસનગરમાં જરૂરીયાતવાળા રોડ માટે જોબ નંબર ફળવાતો નથી તેવુ લાગે છે.
પોતાના વિસ્તારનો નાના મોટા સમાજના ભેદભાવ વગર વિકાસ થશે. વિકાસમાં યોગ્ય ન્યાય મળશે તેવો વિશ્વાસ રાખી નાના સમાજોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને મત આપ્યા છે. ત્યારે મત આપનાર નાના સમાજો માટે, આ સમાજના વિસ્તારના વિકાસ માટે ધારાસભ્ય સરકારમાં રજુઆત કરી શકતા નથી અને બોલી શકતા નથી. ધારાસભ્ય હાથ ઉપર હાથ ધરી નાના સમાજોને થતો અન્યાય જોઈ રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us