Select Page

રૂા.૬૦ લાખના કન્વર્ટર મશીનના ટ્રાયલ માટે કોન્ટ્રાક્ટરને નોટીસ

રૂા.૬૦ લાખના કન્વર્ટર મશીનના ટ્રાયલ માટે કોન્ટ્રાક્ટરને નોટીસ

ભાજપ સરકાર દ્વારા જેમ પોર્ટલ ઉપરથીજ ખરીદી કરવાની સુચના છે ત્યારે નોધાયેલ મોટાભાગની કંપનીની વસ્તુઓ હલકી ગુણવત્તાની

વિસનગર પાલિકામાં પડી રહેલા ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીનનુ પેમેન્ટ કરવા વિવાદ ઉભો થયો છે. ચાર મશીન ખરીદવામાં આવ્યા છે પરંતુ ખાતરજ નિકળતુ નથી. પાલિકાના મોટાભાગના સભ્યો કંપનીને પેમેન્ટ નહી કરવાની તરફેણમાં છે. પાલિકા દ્વારા ૧૫ દિવસમાં ડેમોસ્ટ્રેશન આપવુ અથવા મશીન પરત લઈ જવા નોટીસ આપવામાં આવી છે. ત્યારે કંપનીના એન્જીનીયર ડેમોસ્ટ્રેશન માટે વિસનગરમાં નહી આવતા આવા હલકી ગુણવત્તાના મશીન ખરીદીમાં કોનુ હિત સંકળાયેલ હતુ તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
ગુજરાતની ભાજપ સરકારનુ જેમ પોર્ટલ એ મોટુ કૌભાંડ છે. સરકારી સંસ્થાઓને આ પોર્ટલ ઉપર નોધાયેલ કંપનીઓ પાસેથીજ ખરીદી કરવા સરકારે સુચના આપી છે. જ્યારે હલકી ગુણવત્તાની મશીનરી બનાવતી કંપનીઓનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. આ જેમ પોર્ટલ ઉપરથી ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન ખરીદવામાં આવતા વિસનગર પાલિકા વિવાદમાં સપડાઈ છે. ઝાડના પાંદડા, વનસ્પતિ, શાકભાજી, એઠવાડ વિગેરે લીલા કચરાનું ખાતર બનાવવા પાલિકા દ્વારા જેમ પોર્ટલ ઉપરથી રૂા.૬૦ લાખના ખર્ચે ચાર ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીન ખરીદવામાં આવ્યા હતા. જે છેલ્લા ત્રણ માસથી પાલિકાના સર્વે નં.૩૦૫ માં ધુળ ખાતા પડી રહ્યા છે.
મશીન ખરીદવામાં આવ્યા ત્યારથી ૧૦ ટકા કમિશનનું શેટીંગ થયુ હોવાની ચર્ચા હતી. સ્વચ્છતા વિભાગ દ્વારા મશીન ખરીદાયા હોવાથી કમિશનના દોષનો ટોપલો માથે ન આવે તે પહેલાજ પાણી પહેલા પાળ બાંધતા સ્વચ્છતા ચેરમેન રંજનબેન વિજયકુમાર પરમાર દ્વારા તા.૨૯-૧-૨૦૨૨ ના રોજ પ્રમુખ તથા ચીફ ઓફીસરને ઉલ્લેખીને લેખીત રજુઆત કરવામાં આવી હતી કે, કંપનીના માણસોની હાજરીમાં મશીનમાં કચરો નાખતા મશીન બંધ થઈ ગયા હતા. કંપનીના મિકેનિક આવીને પણ ડેમોસ્ટ્રેશન આપ્યુ પરંતુ ખાતર નિકળ્યુ નહોતુ. મશીનમાંથી ખાતર નિકળે પછીજ પેમેન્ટ કરવુ.
ઈન્ડસ્ટ્રીઝના વ્યવસાય સાથે સંકળાયેલા મશીનરીના જાણકાર પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ તથા ઉત્તમભાઈ પટેલે કંપનીના ટેકનિશિયનની હાજરીમાં મશીનનુ ડેમોસ્ટ્રેશન લેતા ખાતર નિકળ્યુ નહોતુ. ડ્રાય ખાતરની જગ્યાએ લુગદી જેવો લોચો નિકળ્યો હતો. મશીન બાબતે રૂપલભાઈ પટેલે જણાવ્યુ છેકે મશીનની ૫૦૦ કે.જી.ની કેપેસીટી લખી છે. પરંતુ એક કલાકમાં કે ૨૪ કલાકમાં ૫૦૦ કે.જી. ખાતર નિકળે તેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી. મશીનમાં કોઈ ટેકનોલોજી નથી. એક મશીનની કિંમત રૂા.૧૫ લાખ છે. ત્યારે કિંમત પ્રમાણે મશીનરી નથી. મશીનનુ પેમેન્ટ કરી સ્વિકારવામાં આવશે તો એક પણ દિવસ મશીન કામ આપવાના નથી. ૧૨ મહિનામાં ચારેય મશીન ભંગારમાં આપવા પડશે. મશીનનુ પેમેન્ટ કરી શકાય નહી. જોકે મોટાભાગના સભ્યોનો મત છેકે હલકી ગુણવત્તાના મશીન હોવાથી પેમેન્ટ કરાય નહી. કંપનીને ચારેય મશીન પરત આપવા જોઈએ.
છેલ્લે જાણવા મળ્યા પ્રમાણે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટીસ આપવામાં આવી છેકે, મશીન ચાલુ કરીને આપવા. મશીશનમાંથી ખાતર નિકળશે તોજ પેમેન્ટ કરવામાં આવશે. જે નોટીસમાં ૧૫ દિવસની મુદત આપવામાં આવી છે. પરંતુ હજુ સુધી કંપનીના મિકેનિક ડેમોસ્ટ્રેશન આપવા આવ્યા નથી. જાણવા મળ્યા પ્રમાણે મશીનની ખરીદી કરાઈ તે પહેલા કંપનીમાં જોવા માટે ગયા હતા. ત્યારે શું જોઈને કંઈ લાલચમાં મશીનની ડીલેવરી લેવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મશીનના કારણે ભાજપ શાસીત પાલિકા ફરી વિવાદમાં સપડાઈ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts