ધારાસભ્યના સરપંચોના કામ થાય તો અમારા કેમ નહી?
તાલુકા પંચાયત પ્રમુખ સહિત કોંગ્રેસના હોદ્દેદારોની ટીડીઓને રજુઆત
ધારાસભ્યના સરપંચોના કામ થાય તો અમારા કેમ નહી?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. દ્વારા કોઈ કારણોસર તાલુકાના કેટલાંક ગામોના સરપંચોને વિકાસ કામો કરવા માટે ઘણા સમયથી વહીવટી મંજુરી નહી મળતાઆ મુદ્દો સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જે બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, ઉપપ્રમુખના પુત્ર અર્જુનસિંહ ચાવડા, તાલુકા ઉમતા ડેલીગેટ ઈન્દ્રવદન પટેલ, વાલમના પુર્વ સરપંચ હિરેનભાઈ પટેલ, ખંડોસણ સરપંચ માધવભાઈ ચૌધરી સહિતે ટી.ડી.ઓ. સમક્ષ એવી રજુઆત કરી હતી કે ધારાસભ્યના નજીકના સરપંચોને વિકાસ કામો માટે વહીવટી મંજુરી આપી છે તો બાકીના ગામોના સરપંચોને કેમ આપવામા આવતી નથી ? ત્યારે ટી.ડી.ઓએ સરકારના ધારા ધોરણ મુજબ તમામ ગામોના સરપંચોને વિકાસ કામો માટે વહીવટી મંજુરી મળશે તેવી હૈયા ધારણા આપી હતી.
વિસનગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.એસ.સથવારા દ્વારા તાલુકાના મોટાભાગના ગામોના સરપંચોને પેવર બ્લોક, રોડ સહિત અન્ય વિકાસ કામો માટે વહીવટી મંજુરી આપવામા આવી છે. પરંતુ કોઈ કારણોસર ટી.ડી.ઓ.એ બાકીના ગામોના સરપંચોને વિકાસકામો કરવા માટે વહીવટી મંજુરી નહી આપતા આ મુદ્દે તાલુકા પંચાયતમાં ભારે વિવાદ ઉભો થયો છે. આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ ગત બુધવારે ટી.ડી.ઓ. સમક્ષ એવી રજુઆત કરી હતી કે ધારાસભ્યની નજીકના સરપંચો અને તેમની સાથે ફરતા લોકોના સગા-વ્હાલાઓને વિકાસ કામો કરવા માટે વહીવટી મંજુરી આપવામા આવે છે. તો બાકીના સરપંચોને કેમ નહી ? શું વિકાસકામોની મંજુરી નહી આપવા ધારાસભ્ય કે અન્ય કોઈનું દબાણ છે? જયારે ખંડોસણના સરપંચે પોતાના ગામના વિકાસકામોમા તલાટી સહયોગ નહી આપતા હોવાની પણ ટી.ડી.ઓ. સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે ટી.ડી.ઓએ બાકીના ગામોના સરપંચોને પણ સરકારના ધારા ધોરણ મુજબ વિકાસ કામો કરવા વહીવટી મંજુરી મળશે તેવી કોંગ્રેસના આગેવાનોએ હૈયાધારણા આપી હતી. આ સાથે તાલુકા પંચાયતમાં એવી પણ ચર્ચા હતી કે ધારાસભ્યની આગળ પાછળ પડછાયાની જેમ ફરતા એક હોદ્દેદાર આગામી જીલ્લા પંચાયતની ચુંટણીમાં એક બેઠક ઉપર ચુંટણી લડવા થનગની રહ્યા છે. જેથી આ હોદ્દેદારે પોતાના વિસ્તારના ગામોના મતદારોને રિઝવવા માટે તેમના લાગતા વળગતા લોકોને વિકાસ કામોની વહીવટી મંજુરી અપાવવા ટી.ડી.ઓને દબાણ કર્યુ હતુ. જો કે તાલુકાના વિકાસકામોમા પોતાના લાગતા-વળગતા લોકોને સાચવવા ખોટી ભલામણ કરી બાકીના ગામોનો વિકાસ રૂંધાતા આ આગેવાન જો આગામી જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોઈપણ બેઠક ઉપર ચુંટણી લડશે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો તેમને હરાવવા એડી ચોટીનું જોર લગાવશે તેવી પણ ચર્ચા હતી.