વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ નજીક આવતા
જશુભાઈ પટેલનો હુંકાર-હું કોંગ્રેસમાંથી ચુંટણી લડીશ
જશુભાઈ પટેલ કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીમાંથી ચુંટણી લડશે તેવી ચર્ચાના પગલે તેમનો સંપર્ક કરવામાં આવતા જવાબ આપ્યો હતો કે, હું કોંગ્રેસમાંથી ચુંટણી લડીશ.
ગુજરાત વિધાનસભાની યોજાનાર ચુંટણીમા વિસનગર તાલુકાના કાંસા ગામના ભાજપના અદના કાર્યકર જશુભાઈ વી.પટેલે ટીકીટ માટે દાવેદારી નોંધાવી હતી. જેમાં પાર્ટીએ ટીકીટ નહી આપતા તેમને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે ગ્રામજનોનું સમર્થન મેળવવા શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ગામની કિસાન ડેરી પાસે સહકાર સંમેલન બોલાવ્યુ હતુ. જ્યારે બીજી તરફ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ભાજપે વિધાનસભાની ટીકીટ આપતા ગામના ટેકેદાર પટેલ ભરતભાઈ હરગોવનદાસ (રંગપુર)એ યુવાનોની ટીમ સાથે મહાકાળી મંદિર પાસે ઋષિભાઈ પટેલની પેંડાતુલા કરી માનતા પુરી કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની યોજાનાર ચુંટણીમાં ઉત્તર ગુજરાતમા મહત્વની ગણાતી વિસનગર બેઠક ઉપર ભાજપના વર્તમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સહિત ૧૭ જેટલા દાવેદારોએ ટીકીટની માગણી કરી હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે વિસનગર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપર સતત ચોથી વાર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ટીકીટ માટે દાવેદારી કરનાર કાંસા ગામના ભાજપના પાયાના કાર્યકર જશુભાઈ પટેલ પાર્ટીના નિર્ણયથી નારાજ થતા તેમને વિધાનસભાની ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે ગ્રામજનોનુ સમર્થન મેળવવા શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે ગામની કિસાન ડેરી પાસે સહકાર સંમેલન બોલાવ્યુ હતુ.
આ સંમેલનમાં જશુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, હું જનસંઘથી વર્ષ ૧૯૭૬માં પાર્ટીમા જોડાયો હતો. વર્ષ ૧૯૮૦મા વિસનગરમાંથી ભાજપની સીટ અપાવી હતી. વર્ષ ૧૯૮૪માં અમે ડા.એ.કે.પટેલને ભાજપમાથી વિજયી બનાવી તેમને લોકસભામાં મોકલ્યા હતા. વર્ષ ૧૯૮૬માં ભાજપનુ કોઈ નામ લેવા તૈયાર ન હતુ ત્યારે ભાજપે મને જીલ્લા ડેલીગેટની ચુંટણી લડાવી હતી. આ સમયે રમણીકલાલ મણીયાર અને ભોળાભાઈ પટેલ જેવા કોંગ્રેસના દીગ્ગજ નેતાઓ સામે હું અડીખમ ઉભો રહી પાર્ટીને ટકાવવાનુ કામ કર્યુ હતુ. વર્ષ ૧૯૮૪માં નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિસનગર વિધાનસભાની ચુંટણી લડવા માટે મને મેન્ડેટ આપ્યો હતો ત્યારે ગમેતે કારણે પાર્ટીએ મારો મેન્ડેટ બદલી પ્રહલાદભાઈ ગોસાને આપ્યો હતો. છતાં મે મનદુઃખ રાખ્યા વગર પાર્ટી માટે તેમને બે વખત જીતાડ્યા હતા. ત્યારબાદ ભાજપે વર્ષ ૨૦૦૭માં નવા નિશાળીયા એવા ઋષિકેશ પટેલને મેન્ડેટ આપ્યો હતો. આ સમયે પ્રહલાદભાઈ ગોસાએ બળવો કર્યો છતાં મે જનસંઘના જુના ૩૫ જેટલા કાર્યકરોને સાથે રાખી ઋષિભાઈને જીતાડ્યા હતા. અને આજે આ ઋષિકેશ પટેલ અમારા જેવા જુના જનસંઘના કાર્યકરોની અવગણના કરી વર્ષ ૨૦૦૭માં તેમની સાથે હતા તેવા કોંગ્રેસીઓને સાથે રાખીને પોતાના સ્વાર્થમા વિસનગર તાલુકાનુ અહીત કરી રહ્યા છે. ઋષિકેશ પટેલ એ.પી.એમ.સી.ના ચેરમેન બન્યા ત્યારે લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. રૂા.૨ કરોડનાં બી.એડ્.કોલેજની જગ્યા લઈ રૂા.૨૮ કરોડમાં વેચી મારી હતી. જ્યાં આજે મોટુ કોમ્પલેક્ષ બની રહ્યુ છે. એટલે આ ફાટક આગળ તેઓ ઓવરબ્રીજ બનવા દેતા નથી. ઋષિકેશ પટેલના શાસનમાં તાલુકા પંચાયત, નગરપાલિકા અને મામલતદાર કચેરીમા તેમના એજન્ટો મારફતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વિસનગર શહેરની નૂતન મેડીકલ કોલેજને બંધ કરાવવા વારંવાર અરજીઓ કરાવી રહ્યા છે. વિસનગરનુ અહિત કરનારા આવા ભ્રષ્ટાચારીને કાઢી ઘરભેગો કરવા માટે મેં અપક્ષમાં ઉમેદવારી કરવાનુ વિચાર્યુ છે. આ ધારાસભ્યએ પાટીદાર, ચૌધરી તથા અન્ય સમાજને હેરાન કર્યા છે. આ ધારાસભ્યના સાશનમાં વિસનગર શહેર તથા કાંસા રોડ ઉપર ગટરો ઉભરાય છે. જેમને કાંસા ગામનો વિકાસ રૂંધવાનુ કામ કર્યુ છે. જ્યારે ગામના ઈન્ચાર્જ સરપંચ રાજુભાઈ પટેલે જશુભાઈ પટેલની વાતને સમર્થન આપી આ ચુંટણીમાં ઋષિભાઈ પટેલને ઘરભેગા કરવા જશુભાઈને સહકાર આપવા ગ્રામજનોને આહ્વાન કર્યુ હતુ. જ્યારે બીજી તરફ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને પાર્ટીએ સતત ચોથી વખત રીપીટ કરતા ગામના ટેકેદાર પટેલ ભરતભાઈ હરગોવનદાસ (રંગપુરા) સહિત અન્ય ટેકેદારોએ રંગપરાની ખડકી પાસે આવેલ મહાકાળી મંદિરના પ્રાંગણમાં ઋષિભાઈ પટેલની પેંડાતુલા કરી માનતા પુરી કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં ઉમટેલા ગ્રામજનોએ આ વિધાનસભાની ચુંટણીમાં ગમે તેવા ચમરબંદી ઉમેદવાર આવશે તો પણ તેમને કાંસામાથી જંગી મતોની લીડ આપવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પર્વ સરપંચ ભરતભાઈ (ગામી), એ.ટી.ભગત, પુર્વ જીલ્લા સદસ્ય વિણાબેન પટેલ, પુર્વ ડેલીગેટ પી.કે.પટેલ (શેઠ), એ.પી.એમ.સી. ડીરેક્ટર ડા.જયંતિભાઈ પટેલ, જયદિપસિંહ રાજપુત (વકીલ) સહિત દરેક સમાજના આગેવાનો અને સમર્થકોએ ફુલહાર પહેરાવી ઋષિભાઈ પટેલનુ બહુમાન કરી વિજયની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જશુભાઈ પટેલના નેતૃત્વમાં યોજાતા શૈક્ષણિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેતા હતા. પરંતુ આ ચુંટણીમાં જશુભાઈએ અપક્ષમાંથી ઉમેદવારી કરવા માટે ગ્રામજનોનું સમર્થન મેળવવા સહકાર સંમેલન બોલાવ્યુ તેમાં ગ્રામજનોની ધાર્યા કરતા પાંખી હાજરી જોવા મળતા મોટાભાગના ગ્રામજનો જશુભાઈના નિર્ણયથી નારાજ થયા હોવાનું લોકમુખે ચર્ચાતુ હતુ.