Select Page

વિસનગર તાલુકા પંચાયતના બજેટ બેઠકમાંથી શાસક પક્ષનુ વોકઆઉટ

વિસનગર તાલુકા પંચાયતના બજેટ બેઠકમાંથી શાસક પક્ષનુ વોકઆઉટ

એક વર્ષથી આપવામાં આવેલ કમીટમેન્ટનુ પાલન નહી થતાં

વિસનગર તાલુકા પંચાયતના બજેટ બેઠકમાંથી શાસક પક્ષનુ વોકઆઉટ

કોંગ્રેસના સભ્યો સાથે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા સભ્યોએ પણ બજેટનો વિરોધ કર્યો
બજેટ બેઠકમાં અનઅધિકૃત વ્યક્તિ હિરેનભાઈ પટેલે હૉલમાં પ્રવેશ કરી હાજરીપત્રક અને રેકર્ડના ફોટા પાડ્યા હોવાની સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની રજુઆત

ટીડીઓની સેન્ડવીચ જેવી દશા
• શાસક પક્ષના સભ્યોએ બજેટ મંજુર કરવાનો પ્રયત્ન કરતા હોવાનો રોષ વ્યક્ત કર્યો
• ભાજપના સભ્યોએ કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો

કમીટમેન્ટનુ પાલન નહી કરતા બજેટ બેઠકનો વિરોધ કરાયો

બજેટ બેઠકનો વિરોધ કેમ કરવામાં આવ્યો તેવા પ્રશ્નમાં ભાજપમાં જોડાયેલા કેટલાક સભ્યોએ બળાપો કાઢ્યો હતો કે, ભાજપમાં જોડાયા તે વખતે કેમ્પમાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન બનાવવાના વચનનુ પાલન કરાયુ નથી. ટેન્ડરના વીક પોઈન્ટ પકડી નાક દબાવી ભાજપના જોડવા મજબુર કર્યા. જે મજબુરીથી ભાજપમાં જોડાવા છતાં આવા ટેન્ડરોનો નિકાલ કરવામાં આવ્યો નથી. તાલુકા પંચાયતના તમામ સદસ્યોના વિસ્તારમાં વિવિધ વિકાસ કામ માટે રૂા.૩ લાખની ગ્રાન્ટ ફાળવવા ઠરાવ કરાયો હતો. જે ઠરાવનો એક વર્ષ ઉપરાંત્તનો સમય થવા છતાં અમલ કરવામાં આવ્યો નથી. આમ કમીટમેન્ટ પુરા કરવામાં નહી આવતા બહુમતી સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હોવાનુ જણાવ્યુ હતું.
 
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના ઈતિહાસમાં શાસકપક્ષના સભ્યોએ બજેટ બેઠકનો વિરોધ કરી વોકઆઉટ કર્યાનો પ્રથમ બનાવ બન્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ સભ્યોને આપવામાં આવેલ કમીટમેન્ટનો એક વર્ષથી અમલ નહી થતાં તેમજ દરેક સભ્યના વિસ્તારમાં રૂા.૩ લાખની ગ્રાન્ટના કામ ફાળવવાના ઠરાવો અમલ નહી કરવામાં આવતા શાસક પક્ષ કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ચુંટણીનુ વર્ષ હોઈ બજેટ નામંજુર થાય તો વિકાસ કામો રઝળી પડે તેમ હોવાથી સભ્યોના આ વલણથી તંત્ર દોડતુ થયુ હતુ.
વિસનગર તાલુકા પંચાયતની વર્તમાન ટર્મનુ છેલ્લુ વર્ષ હોઈ અઢળક વિકાસ કામો સાથે તા.૯-૩-૨૦૨૦ ને સોમવારના હોળીના દિવસે તાલુકા પંચાયત હૉલમાં બપોરના સમયે બજેઠ બેઠક મળી હતી. તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ આર.પટેલની અધ્યક્ષતામાં તથા ટીડીઓ બી.એસ.સથવારાની ઉપસ્થિતિમાં યોજાયેલ બજેટ બેઠકમાંં ૧૮ સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં બજેટ રજુ કરી તેના ઉપર ચર્ચા હાથ ધરાય તે પહેલાજ પંચાયત પ્રમુખ સહીતના ૧૬ સભ્યોએ બજેટ બેઠકમાંથી ઉભા થઈ હૉલમાંથી વોકઆઉટ કર્યુ હતુ. મીટીંગ હૉલમાંથી બહાર નીકળી સભ્યો તાલુકા પંચાયત સામે આવેલ ઝાડ નીચે આશરો લીધો હતો. બજેટ નામંજુર થાય તો વિકાસ કામો થઈ શકે તેમ ન હોઈ ભાજપના કેટલાક સભ્યો દોડતા થઈ ગયા હતા. શાસક પક્ષના સભ્યોના આ પગલાની કોઈને ગંધ નહી આવવા દેતા ભાજપના સભ્યો ઉંઘતા ઝડપાયા હતા. તાલુકા પંચાયતમાં કુલ ૨૪ માંથી ૧૪ સભ્યો ભાજપના છે છતાં બજેટ મંજુર કરાવી શક્યા નહોતા.
બજેટ બેઠકમાંથી વોકઆઉટ કરતા ભાજપના કેટલાક ગેરહાજર સભ્યો દોડતા આવી ગયા હતા. જેમની પાછળ તાલુકા પંચાયત પ્રમુખ પણ મીટીંગ હૉલમાં જઈ બેસી ગયા હતા. ત્યારે વોકઆઉટ કરનાર કેટલાક સભ્યોએ શુ કરવા મીટીંગ હૉલમાં બેઠા છો તેમ કહી પ્રમુખની વર્તણુક ઉપર શંકા વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓ ભેગા થઈ બજેટ મંજુર કરવાના પ્રયત્નો કરતા હોવાની શંકા રાખી સભ્યોએ આ બન્ને ઉપર રોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપની બહુમતી હોવા છતાં બજેટ નામંજુર થતા આબરૂ જવાના ડરે પાણી પહેલા પાળ બાંધવાના પ્રયત્નોરૂપ ભાજપના સભ્યોએ પોતાના લેટરપેડ ઉપર આક્ષેપોનો મારો શરૂ કર્યો હતો. ભાજપના સદસ્ય કાન્તાબેન મહેન્દ્રભાઈ ચૌધરી તથા કલ્પનાબેન હર્ષદકુમાર ચૌધરીએ જણાવ્યુ હતું કે, તાલુકા પંચાયતની સાધારણ સભામાં હાજર હતા. ટીડીઓશ્રીએ રજીસ્ટરમાં અમારી હાજરીની સહી લીધી નહોતી. મીટીંગ પૂરી થયા પછી સહી લેવાનુ જણાવ્યુ હતુ. ચાલુ સભાએ બીનઅધિકૃત વ્યક્તિ દ્વારા રજીસ્ટરના ફોટા પાડી, અમે હાજર હોવા છતાં ગેરહાજરી બતાવી, બજેટ નામંજુરી કરી, ટીડીઓએ કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરી અમારી સાથે અન્યાય કર્યો છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માગણી છે.
ભાજપના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ભરતભાઈ શંભુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મીટીંગમાં ધર્મેન્દ્રભાઈ પટેલ, કાન્તાબેન ચૌધરી, રામજીભાઈ દેસાઈ અને કલ્પનાબેન ચૌધરી એમ ચાર સદસ્યો હાજર હતા. તાલુકા વિકાસ અધિકારીએ બજેટ નામંજુર કરવાના બદઈરાદાથી પૂર્વ આયોજીત કાવતરૂ રચી આ ચાર સભ્યોની હાજરી પત્રકમાં સહીઓ કરવા દીધી નહોતી. જ્યારે બેઠકમાં બીનઅધિકૃત વ્યક્તિ હિરેનભાઈ પટેલ વાલમને ચાલુ સભાએ એન્ટ્રી આપી રેકર્ડ હાજરી પત્રકના ફોટા પાડવા દઈ સદસ્યો દ્વારા હોબાળો કરાવ્યો છે. હોળીનો તહેવાર હોવા છતાં બદઈરાદાથી મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ છે. સદસ્યો મીટીંગમાં હાજર હોવા છતાં ગેરહાજર બતાવી બજેટ નામંજુર કરાવેલ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us