આર્થિક-સામાજીક બહિષ્કાર સામે ઠાકોર સમાજનો રેલી કાઢી વિરોધ
કુવાસણા વાડીના વિવાદમાં અતિસંયોક્તીમાં વાતાવરણ ડહોળાયુ
• કુવાસણાના પટેલ આગેવાનોએ કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી તેવો વિડીયો વાયરલ કર્યો
• વાતનુ વતેસર થાય નહી તે માટે ભાજપના આગેવાનોએ મોડી રાત સુધી સમાધાનના પ્રયત્નો કર્યા
વિસનગર તાલુકાના કુવાસણા ગામમાં પટેલ સમાજની વાડી બનાવવાના વિવાદમાં અતિસંયોક્તી ભર્યા નિર્ણયથી સમગ્ર તાલુકાનુ વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ગામના ઠાકોર સમાજનો આર્થિક સામાજીક બહિષ્કાર કરવાના નિર્ણયથી તેના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને જાતીવાદ ઉભો થાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ હતુ. સમાધાન માટે ઘણા પ્રયત્નો થયા પરંતુ અગાઉ પણ આવા બનાવો બન્યા હોવાથી ઠાકોર સમાજને મૌન રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો.
વિસનગર તાલુકાના કુવાસણા ગામમાં જ્યા ઠાકોર તથા અન્ય સમાજના ઉકરડા હતા તે જગ્યામાં પટેલ સમાજની વાડી બનાવવાના વિવાદમાં ધૂળેટીના દિવસે જુથ અથડામણ થઈ હતી. પોલીસે બન્ને તરફે ફરિયાદ નોધી કાર્યવાહી કરતા મામલો શાંત પડ્યો હતો. પરંતુ આ બનાવના ચારેક દિવસ બાદ કુવાસણા ગામના ઠાકોરોને જમીન વાવવા આપવી નહી, ગાયો-ભેંસો બાધવા જમીન આપવી નહી, ગામમાં ઠાકોરોને મજુરીએ લઈ જવા નહી, ગામના ખેતરમાં ઘાસ લેવા લઈ જવા નહી, ગામમાં ઘંટીએ અનાજ દળાવવા જવુ નહી તેમજ ઘંટીની જગ્યા ખાલી કરાવવી, ઠાકોરોની દુકાનમાંથી કોઈ વસ્તુ લેવી નહી તેમજ કરિયાણાની દુકાનમાંથી કોઈ વસ્તુ આપવી નહી, વિસનગરમાં કોઈ પાટીદારના ત્યાં નોકરી કરતા હોય તો છુટા કરવા, પાટીદાર ભાઈઓ નિયમોનુ પાલન કરે નહી તો તેની પાસેથી દંડ લેવામાં આવશે. કેટલાક નિયમોનુ પાલન અખાત્રીજથી અને ૨૫-૩ થી કરી લેવુ એવા લખાણ સાથેનો ઠાકોરો ઉપર લગાવેલ પ્રતિબંધનો પત્ર વાયરલ થયો હતો. જ્યારે કુવાસણા ગામમાં પણ કેટલાક ઠાકોરોને સામાજીક, આર્થિક બહિષ્કારની સુચના પણ આપવામાં આવી હતી.
પ્રતિબંધના આ ફરમાનથી ઠાકોર સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેના વિરોધમાં ૨૫-૩-૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ત્રણ દરવાજા ટાવર ચોકથી ઠાકોર સમાજે રેલી કાઢવાનો નિર્ણય કરી તા.૨૪-૩ ના રોજ બેનર વાયરલ કરતાજ તાલુકાનુ રાજકારણ અને તંત્ર દોડતુ થયુ હતુ. રેલીનો નિર્ણય કરવામાં આવતાજ સાંજના સમયે કુવાસણા ગામના પટેલ આગેવાનો દ્વારા વિડીયો વાયરલ કરી મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો કે, ગામના ઠાકોર અને પટેલ સમાજ વચ્ચે મતભેદ ઉભો કરતો ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. ગામમાં ઠાકોર સમાજ વિરુધ્ધ કોઈપણ જાતના બંધનો કરવામાં આવ્યા નથી. દૂધમંડળીમાં દૂધ ભરવામાં આવે છે. સહકારી મંડળીમાંથી ખાતર આપવામાં આવે છે. ગામની દુકાનોમાંથી અનાજ કરિયાણાની સુવિધાઓ ચાલુ છે. ઘંટી ચાલુ છે અને દરણુ દળવામાં આવે છે. મિનરલ પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે. ગ્રામ પંચાયતની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. તમામ સુવિધાઓ ચાલુ છે.
કુવાસણા ગામમાં લગભગ દસ વર્ષ અગાઉ પણ આવો બનાવ બની ચુક્યો હોવાથી પટેલ આગેવાનોનો સમાધાનનો મેસેજ વાયરલ કરતા વિડીયોની કોઈ અસર થઈ નહોતી. વિસનગર તાલુકા ઠાકોર સમાજ રેલી કાઢવા મક્કમ હોવાથી ભાજપના પટેલ અને ઠાકોર આગેવાનોએ સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા. તા.૨૪-૩ ની મોડી રાત્રે મહેસાણા ચાર રસ્તા પાસે આવેલ હેપ્પી જર્ની હોટલમાં કુવાસણાના પટેલ અને ઠાકોર આગેવાનો વચ્ચે સમાધાનની મીટીંગ મળી હતી. જેમાં સમાધાન થઈ ગયુ હોવાનુ વિડીયો તા.૨૫-૩ ની વહેલી સવારથીજ વાયરલ કરવામાં આવ્યા હતા. પરંતુ મોટા સમાજના ગામમાં નાના સમાજો ઉપર આવા પ્રતિબંધોના બનાવ બનતા હોવાથી તેનો સંદેશો પહોચતો કરવા છતાં નિયત સ્થળ અને સમયે ઠાકોર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ઠાકોર ક્ષત્રીય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, ઠાકોર અનામત સમિતિના પ્રમુખ તથા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અજમલજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, તાલુકા પંચાયતના પૂર્વ ડેલીગેટ મણાજી ઠાકોર, રામજીભાઈ ઠાકોર, નવઘણજી ઠાકોર, અશોકસિંહ ઠાકોર, લાભુજી ઠાકોર ભાન્ડુ, પથુજી ઠાકોર, કાળુજી ઠાકોર, અમરજી ઠાકોર, ર્ડા.જયસિંહ ઠાકોર, ભોંસાજીભાઈ ઠાકોર, દશરથજી ઠાકોર ગોઠવા, વિજયસિંહ ઠાકોર વિગેરે શહેર તાલુકાના ઠાકોર સમાજના લોકો તથા મહિલાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. તાલુકા સેવા સદનમાં પહોચ્યા બાદ પટેલ સમાજ માનવ અધિકારનો ભંગ કરી રહ્યા હોઈ કુવાસણાના ઠાકોર સમાજને ન્યાય મળે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદાર એન.બી.મોદીને આવેદન આપવામાં આવ્યુ હતુ. રેલી બાદ અભિજીતસિંહ બારડે જણાવ્યુ હતું કે, કુવાસણાને કાશ્મિર બનતુ અટકાવવા રેલી છે. કેટલાક તત્વો દ્વારા કુવાસણાના ઠાકોર સમાજ વિરુધ્ધ તાલીબાની ફરમાન કરવામાં આવ્યુ છે. ગામના જે ગરીબ પરિવાર પર ઘટના બની છે તે મામલે સરકારને રજુઆત કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે કડકમાં કડક એક્શન લેવામાં આવે, એક્શન લેવામાં ભીનુ સંકેલાયુ અને આંખ આડા કાન કર્યા તો સાખી લેવામાં આવશે નહી. ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા ઉપર ઉતરવુ પડે તો ઉતરીશુ.