કોરોના મહામારીમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, પાલિકા કર્મચારીઓ અને સફાઈ કામદારોની સરાહનીય સમાજસેવા વિસનગર પાલિકા દ્વારા ૫ લાખ લી.સેનેટાઈઝરનો છંટકાવ
કોરોના મહામારીમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, પાલિકા કર્મચારીઓ અને સફાઈ કામદારોની સરાહનીય સમાજસેવા
વિસનગર પાલિકા દ્વારા ૫ લાખ લી.સેનેટાઈઝરનો છંટકાવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના સંક્રમણ સાથે અન્ય રોગ લોકોને ભરડામાં ન લે તે માટે વિસનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સાથે સમગ્ર શહેરમાં દવા છંટકાવની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. આ મહામારીના સમયે પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર, પાલિકા કર્મચારીઓ અને સફાઈ કામદારો દ્વારા નિયમિત સેવા આપવામાં આવે છે તે દર્શાવે છેકે મુશ્કેલીના સમયે પાલિકા તંત્ર લોકોને સેવા આપવા કેટલુ સજ્જ છે.
કોરોના વાયરસ એ વ્યક્તિ સાથે વ્યક્તિના સંપર્કથી ફેલાતો રોગ છે. ત્યારે આ મહામારીમાં વિસનગરના લોકો અન્ય રોગનો ભોગ ન બને તે માટે પાલિકા દ્વારા અભૂતપૂર્વ કામગીરી અત્યારે વિસનગર શહેરમાં કરવામાં આવી રહી છે. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકની દેખરેખમાં શહેરના તમામ જાહેર માર્ગો, મહોલ્લાઓ અને સોસાયટી વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે. સેનેટાઈઝ માટે સોડીયમ હાઈપો ક્લોરાઈડની ૫૦૦ લી દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૦૦૦ લી. ના એક ટેન્કરમાં ૩ લી. દવા ઉમેરી સમગ્ર શહેરમાં ૫,૧૦,૦૦૦ લી. નો દવાનો છંટકાવ કરી સમગ્ર શહેરને સેનેટાઈઝર કરવામાં આવ્યુ છે. ફોગીંગ મશીનથી જંતુનાશક દવાનો પણ છંંટકાવ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસના ભયથી લોકડાઉનમાં લોકો આખો દિવસ ઘરમાં રહેવા મજબુર છે. ત્યારે પાલિકા ચીફ ઓફીસર, પ્રમુખ, પાલિકાના તમામ કર્મચારીઓ તથા સફાઈ કામદારો અવિરત સેવા કરી રહ્યા છે.
પાલિકા કર્મચારીઓ દ્વારા શહેરમાં કોઈપણ જગ્યાએ પાણીની તકલીફ ન થાય તે માટે નિયમિત પાણીનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે. કચરો ન ફેલાય અને ગંદકી ન થાય તે માટે ડોર ટુ ડોર સેવા રાબેતા મુજબ ચાલી રહી છે. લોકોને કોરોના વાયરસનો ડર છે ત્યારે સફાઈ કામદારો શહેરના તમામ વિસ્તારની સફાઈ કરી આ મહામારીના સમયે પોતાનુ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સમયે લોકો સ્વચ્છતા કરતા સફાઈ કામદારોનુ સન્માન કરી રહ્યા છે. વિસનગરમાં પણ કેટલાક સેવાભાવી લોકોએ રાત્રી સફાઈ કરતા સફાઈ કામદારોને ચા-પાણીની વ્યવસ્થા કરી સન્માન કર્યુ હતુ. જનતા કર્ફ્યુ બાદ પાલિકા દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે જે કામગીરી થઈ રહી છે તે ખરેખર અભૂતપૂર્વ અને બીરદાવનારી છે.