Select Page

વિસનગર તાલુકા પંચાયતમાં બે વર્ષમાં ૧૦ TDO બદલાયા

વિસનગર તાલુકા પંચાયતમાં બે વર્ષમાં ૧૦ TDO બદલાયા

રાજકીય ડખલગીરીના કારણે વર્ષ ૨૦૧૦થી આજદીન સુધીમાં ૨૭ ટી.ડી.ઓની નિમણુક

વિસનગર તાલુકા પંચાયતમાં વારંવાર ટી.ડી.ઓ બદલાતા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામો અટકી જાય છે. વિસનગરના રાજકીય આગેવાનોની આંતરીક ડખલગીરીના કારણે સારા વહીવટી કુશળ ટી.ડી.ઓ. ટકતા નથી કે ટકવા દેવામા આવતા નથી. વિસનગરમા છેલ્લા બે વર્ષના ગાળામાં ૧૦ ટી.ડી.ઓ. બદલાયા છે. જેમાં બે કાયમી ટી.ડી.ઓ.એ રાજકીય ડખલગીરીના કારણે અન્ય કારણ દર્શાવી જાતે જ બદલી કરાવી છે. આ બાબતે રાજકીય હોદ્દેદારોએ આત્મમંથન કરવાની જરૂર છે.
વિસનગર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.ની ખુરશીમા રાજકારણની પનોતી બેઠી હોય તેમ કાયમી કે ઈન્ચાર્જ કોઈ ટી.ડી.ઓ. લાંબો સમય ટકતા નથી. વિસનગરના રાજકીય આગેવાનોની આંતરીક ડખલગીરીના કારણે વર્ષ-૨૦૧૦ થી અત્યાર સુધીમા ૨૭ ટી.ડી.ઓ બદલાયા છે. જેમાં મોટે ભાગે ઈન્ચાર્જ ટી.ડી.ઓ.એ ફરજ બજાવી છે. તાલુકા પંચાયતના ઈતિહાસમાં કાયમી અને ઈન્ચાર્જ ટી.ડી.ઓમાં બામોસણાના વિજયભાઈ આર.ચૌૈધરીએ સૌથી વધુ પોણા ત્રણ વર્ષ ઈન્ચાર્જ ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવી હતી. જેમની કાયમી ટી.ડી.ઓ. તરીકે થરાદ ખાતે બદલી થયા બાદ છેલ્લા બે વર્ષમાં ૧૦ ટી.ડી.ઓ. બદલાયા છે. જેમાં સાત વર્ષ પછી સરકારે તા.૨૬-૭-૨૦૨૧ના રોજ રાકેશભાઈ જે. પટેલની કાયમી ટી.ડી.ઓ. તરીકે નિમણુક કરી હતી. રાકેશભાઈ પટેલ વહીવટી કુશળ પ્રતિભાશાળી યુવા અધિકારી હતા. જેના કારણે તાલુકામા તેમની સારા અધિકારી તરીકે છબી ઉભી થઈ હતી. પરંતુ વિસનગરના રાજકારણની આંતરિક ડખલગીરીના લીધે તેમને સામાજીક કારણ દર્શાવી બદલી કરાવતા તેમની જગ્યાએ ઈડરના ટી.ડી.ઓ. દિનેશભાઈ જી.પટેલની તા.૨-૧-૨૦૨૨ના રોજ નિમણુક કરવામાં આવી હતી. જેમને કોઈ કારણોસર વિસનગરમા અનુકુળ નહી આવતા રાજકીય મોટી વગનો ઉપયોગ કરી ફરીથી તેમને ઈડર ખાતે બદલી કરાવી હોવાનુ આગેવાનો ચર્ચા કરી રહ્યા હતા. વિસનગરના રાજકારણની આંતરીક ડખલગીરીના કારણે કાયમી કે ઈન્ચાર્જ ટી.ડી.ઓ. લાંબો સમય ટકતા નથી કે ટકવા દેવામા આવતા નથી. અત્યારે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી હોવાથી ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલે વિસનગરમા સારા કાયમી ટી.ડી.ઓ લાવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઈ અધિકારી વિસનગરમા આવવા તૈયાર થતા નથી. જેના કારણે વહીવટી કુશળ બિનભ્રષ્ટાચારી અધિકારીની છબી ધરાવતા અગાઉના ઈન્ચાર્જ ટી.ડી.ઓ મનુભાઈ એમ.પટેલને ફરીથી એટલે કે ત્રીજી વખત ટી.ડી.ઓ.નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે આ ટી.ડી.ઓ મનરેગા યોજનાની કામગીરીમા ગેરરીતી ચલાવતા નથી. ત્યારે આ ટી.ડી.ઓ. કેટલો સમય ટકશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. જો તાલુકાના ગામડાઓનો વિકાસ કરવો હોય તો મનુભાઈ પટેલ જેવા સારા વહીવટી કુશળ અનુભવી ટી.ડી.ઓ.ને લાંબો સમય વિસનગરમા રાખવા જોઈએ. તેવુ બિન રાજકીય આગેવાનો માની રહ્યા છે.

વિસનગર તાલુકાના ગામમાં વિકાસ કરવો હોય તો મનુભાઈ પટેલ જેવા સારા વહીવટી કુશળ બિનભ્રષ્ટાચારી અધિકારીને ટકાવી રાખવા જોઈએ

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us