Select Page

વિસનગરમાં બે કોરોના શંકાસ્પદના રીપોર્ટ નેગેટીવથી ટેન્શન ગયુ

વિસનગરમાં બે કોરોના શંકાસ્પદના રીપોર્ટ નેગેટીવથી ટેન્શન ગયુ

સ્વરાજ સોસાયટી અને રંગપુરના કેસથી લોકોમાં હાઉ ઉભો થયો હતો તેવા સમયે

વિસનગરમાં બે કોરોના શંકાસ્પદના રીપોર્ટ નેગેટીવથી ટેન્શન ગયુ

કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણના કેસ નહી જોવા મળતા હવે કોઈ ચીંતા નહી
તા.૨૬-૫ સુધીમાં કન્ટેન્મેન્ટ ઝોન ઉઠાવી લેવાય તેવી શક્યતા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સ્વરાજ સોસાયટી અને રંગપુર ગામમાં કોરોના પોઝીટીવ કેસથી લોકોમાં કોરોનાનો ફફડાટ જોવા મળ્યો હતો. તેવા સમયે કોરોના શંકાસ્પદના બે કેસ આવતા શહેરમાં કોરોના સંક્રમણ વધશે કે શુ તેની ચીંતા લોકોને કોરી ખાતી હતી. જે બન્નેના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બીજી મહત્વની અને આનંદની બાબત એ પણ છેકે કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોધાયો નથી.
વિસનગરમાં લોકડાઉનના ત્રીજા તબક્કા સુધી કોરોના સંક્રમણનો એકપણ કેસ નોધાયો નહોતો. ત્રીજા તબક્કાના છેલ્લા દિવસોમાં સ્વરાજ સોસાયટી અને રંગપુરમાં કોરોના પોઝીટીવના બે કેસ નોધાતા શહેર તથા તાલુકામાં કોરોનાનો ફફડાટ ફેલાયો હતો. કોરોના સંક્રમણ વધે નહી તે માટે તંત્ર કામે લાગ્યુ હતુ. તેવા સમયે કોરોના શંકાસ્પદના બીજા બે કેસ સામે આવતા કોરોનાના કેસ વધશે કે શુ તેની ચીંતા કોરી ખાતી હતી. કાંસા ગામમાં રાજુભાઈ કાન્તીલાલ પટેલ મુંબઈથી આવ્યા હતા. જેઓ ઘરમાં કોરોન્ટાઈન હતા. જેમને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો અને અચાનક શ્વાસની તકલીફ થતા ૧૦૮ દ્વારા વડનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે સમાચારથી કાંસા ગામમાં કોરોનાનો ભય ફેલાયો હતો. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવશે અને કાંસા ગામને કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવશે તો લોકોની હાલત શુ થશે તે બાબતની ચર્ચાઓ શરૂ થઈ હતી. સોશિયલ મીડીયામાં મેસેજ શરૂ થતા કાંસા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ગામીને એવા મેસેજ આપવાની ફરજ પડી હતી કે, સેમ્પલ લેવામાં આવ્યુ છે પરંતુ રીપોર્ટ આવ્યો નથી. કોરોના શંકાસ્પદનો રીપોર્ટ નેગેટીવ આવતા કાંસા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
બીજા શંકાસ્પદ કેસમાં સ્વરાજ સોસાયટીમાં કોરોના પોઝીટીવ આશાબેન પટેલને સારવાર્થે હોસ્પિટલમાં લઈ ગયા બાદ બે દિવસ પછી તેમના પતિ રામચંદ્રભાઈ પટેલને તાવ અને ખાંસીની તકલીફ થઈ હતી. રામચંદ્રભાઈ પટેલની સાથે તેમના માતા પિતા અને ભત્રીજો પણ રહેતા હતા. ઘરના બધા સભ્યો સંક્રમીત થયા હશે તેવી ચીંતા સતાવતી હતી. કોરોનાના કેસ વધશે તો આખા વિસ્તારની શુ હાલત થશે તે વિચારથીજ લોકો ભયભીત થયા હતા. રામચંદ્રભાઈ પટેલને ૧૦૮ દ્વારા મહેસાણા સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાં સેમ્પલ માટે લઈ જવામાં આવ્યા હતા. જેમનો રીપોર્ટ નેગેટીવ આવતા કન્ટેન્મેન્ટ ઝોનના સમગ્ર વિસ્તારે આનંદ સાથે રાહતની લાગણી અનુભવી હતી.
કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્તારને રેડ ઝોનમાં મુક્યા બાદ અન્ય કોઈ સંક્રમણનુ ભોગ બન્યુ હોય તો છ થી સાત દિવસમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે. સ્વરાજ સોસાયટી આસપાસની ૬ સોસાયટીઓ અને રંગપુરને તા.૧૩-૫ ના રોજ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા હતા. જેના એક અઠવાડીયા સુધી કોરોનાના લક્ષણો ધરાવતા કોઈ દર્દી જોવા નહી મળતા હવે આ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાંથી કોરોના સંક્રમણની ઘાત ટળી છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ૧૪ દિવસ સુધી કોરોન્ટાઈનની મુદત હોય છે. એટલે કે તા.૨૬-૫ આસપાસ કન્ટેન્મેન્ટ ઝોન ઉઠાવી લેવામાં આવે તેવુ પ્રબળ રીતે કહી શકાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us