Select Page

કોપરસીટી ગૃપે અમદાવાદના નવા રસ્તાની દિશા આપી

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં

વિસનગર કોપરસીટી ગૃપના બુધ્ધીજીવી હોદ્દેદારો દ્વારા અમદાવાદના નવા રસ્તા માટે જે દિશા આપી છે તે બાબતે સરકાર વિચાર કરે તો ફક્ત એકજ કલાકમાં સરદાર પટેલ રીંગ રોડ સુધી પહોચી શકાય. જે નવા રસ્તાનો સર્વે કરવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે સંમતી પણ આપી છે. નવો માર્ગ બને તો બાલવા ગાંધીનગર બાયપાસ કરી રીંગ રોડ સુધી પહોચી શકાય.
ગોઝારીયા, ગાંધીનગર થઈ વિસનગર અમદાવાદ અવરજવર કરતા વાહનોની સંખ્યા અનેક ગણી છે. અંબાજી, ખેરાલુ, વડનગર અને વિસનગરના અનેક વાહનોની અમદાવાદ અવરજવર રહે છે. જેમાં રીંગ રોડ જતા વાહનોની સંખ્યા પણ ગણી છે. વિસનગરના કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન દ્વારા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોપરસીટી ગૃપ દ્વારા કરવામાં આવેલ સર્વે પ્રમાણેની માગણી સ્વિકારાય તો વિસનગરથી રીંગ રોડ તરફ જતા વાહન ચાલકોનો સમય અને ખર્ચ બન્ને બચી શકે છે. જોકે આ માગણી મુજબ સર્વે કરવા માટે કેબીનેટ મંત્રીએ સંમતી આપતા એક કલાકમાં રીંગ રોડ સુધી પહોચવાની આશા બંધાઈ છે. કાર્યક્રમમાં કોપરસીટી ગૃપના પટેલ કિર્તિભાઈ કલાનિકેતને આપેલી માહિતી મુજબ હાલમાં વિસનગરથી અમદાવાદ સરદાર પટેલ રીંગ રોડ જવા માટે ગોઝારીયા, આમજા, બાલવા, રાંધેજા ચાર રસ્તા, ગાંધીનગર જી.આઈ.ડી.સી. ડી માર્ટ, વાવોલ, ઉવારસદ, જય ફાર્મ સરખેજ હાઈવેથી એસ.પી. રીંગ રોડ તરફ જવાય છે. ત્યારે કોપરસીટી ગૃપ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે આમજાથી સીધો ઉવારસદ કર્ણાવતી કોલેજ સુધી જોડતો નવો રસ્તો બને તો વેપારીઓને સમય અને ખર્ચમાં ઘણો ફાયદો થાય તેમ છે. અત્યારે વિસનગરથી અમદાવાદ એસ.પી.રીંગ રોડ તરફ જવા માટે પોણા બે થી બે કલાકનો સમય થાય છે. કોપરસીટી ગૃપે દિશા સૂચન કરેલો નવો રસ્તો બને તો ૫૦ થી ૫૫ મિનિટમાં વિસનગરથી અમદાવાદ રીંગ રોડ પહોચી શકાય. જે વિસનગર, ખેરાલુ અને અંબાજી સુધી દરેક નાગરિકને અમદાવાદ જવા માટે સરળ બની રહેશે. એસ.પી. રીંગ રોડથી અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ટ્રાફીક વગર સરળતાથી પહોચી શકાય. આ નવો રસ્તો બને તો વિસનગરની પ્રજા માટે ખુબજ ઉપયોગી સાબીત થાય તેવુ કોપરસીટી ગૃપે આરોગ્ય મંત્રીને જણાવ્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us