આત્મનિર્ભર એ ભાજપ સરકારની લોલીપોપ યોજના-સુધીરભાઈ પટેલ
આત્મનિર્ભર એ ભાજપ સરકારની લોલીપોપ યોજના-સુધીરભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકડાઉનમાં નાના વેપારીઓ અને શ્રમિકોની આર્થિક સ્થિતી કફોડી બનતા કેન્દ્ર સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારીઓ અને શ્રમિકોને ઓછા વ્યાજ દરે રૂા.૧ લાખ સુધી લોન આપવા કો-ઓપરેટીવ બેંકો અને ક્રેડીટ સોસાયટીઓને સુચના આપી છે. પરંતુ ફોર્મમાં લોન મેળવવા માટે રજુ કરવાના પુરાવા જોતા કો- ઓપરેટીવ બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ મિલ્કત વગરના નાના વેપારીઓ અને શ્રમજીવી લોકોને લોન મળવાની નથી. ત્યારે આ બાબતે વિસનગર તાલુકાના કમાણા ગામના પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સુધિરભાઈ પટેલે ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યુ છે કે આત્મનિર્ભરએ ભાજપ સરકારની લોલીપોપ યોજના છે. જેનાથી ગરીબો અનએ શ્રમજીવીઓને કોઈ ફાયદો થવાનો નથી.
કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતી ઉભી થતા લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. જેના કારણે નાના ધંધા- રોજગાર કરતા વેપારીઓ અને શ્રમજીવીઓની આર્થિક સ્થિતી કફોડી બની છે. ત્યારે નાના વેપારીઓ, શ્રમિકો અને જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર યોજના હેઠળ કો-ઓપરેટીવ બેંકો અને ક્રેડીટ સોસાયટીઓને રૂા.૧ લાખ સુધીની લોન આપવા આદેશ કર્યો છે. જેમાં સરકારે લોન ધારકના જામીન બની ૬ ટકા વ્યાજ ચુકવવાની જાહેરાત કરી હતી. પરંતુ લોન લેનાર કે જામીનદાર મિલ્કત ધરાવતો હોવો જોઈએ. તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ બાબતે કમાણા ગામના પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સુધિરભાઈ પટેલે ભાજપ સરકારને આડેહાથ લેતા જણાવ્યુ છે કે, ભાજપ સરકારની યોજનાથી ગરીબો, શ્રમિકો અને નાના વેપારીઓને કોઈ ફાયદો થવાનો નથી. કારણકે કો- ઓપરેટીવ બેંકો અને ક્રેડીટ સોસાયટીઓમાં પ્રજાના રૂપિયા હોય છે. જો કો- ઓપરેટીવ બેંકો પ્રજાના રૂપિયાનું આડેધડ ધીરાણ કરે તે બેંકો બંધ થઈ જાય અને ખાતેદારો બેંકોના ચેરમેન અને ડીરેક્ટરો પાસે નાણાંનો હિસાબ માંગશે. અત્યારે નાણાંકીય સંસ્થા ચલાવવી ઘણી અઘરી છે. જો સરકારને આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારીઓ અને શ્રમિકોને મદદ કરવી હતી તો રાષ્ટ્રીયકૃત બેંકોનો સમાવેશ કેમ ના કર્યો? કોઈપણ વ્યક્તિને લોન લેવા માટે મિલ્કતવાળા પાકા જામીન આપવા પડે છે. ગરીબ અને શ્રમજીવી નાના વેપારીઓના કોઈ મિલ્કતવાળા જામીન થવાના નથી. જેના કારણે આવા લોકોને બેંક ક્યારેય લોન નહી આપે. કોઈપણ બેંક ધિરાણની રકમ પરત લેવા માટે સિક્યુરીટી માગે છે. અને રકમ પરત આપવાની સિક્યુરીટી આપનાર દરેક વ્યક્તિને બેંક લોન આપે છે. આ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર યોજના લોલીપોપ યોજના છે. આ યોજના ભોળી પ્રજાને ગુમરાહ કરનારી છે.