કોંગ્રેસના ચેરમેનના કારણે કે બીલ્ડરોની શરમના કારણે કોરમ ન થયુ? વિસનગર પાલિકાની ટીપીની મીટીંગ મુલત્વી-દબાણકારોને રાહત
કોંગ્રેસના ચેરમેનના કારણે કે બીલ્ડરોની શરમના કારણે કોરમ ન થયુ?
વિસનગર પાલિકાની ટીપીની મીટીંગ મુલત્વી-દબાણકારોને રાહત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની ટાઉન પ્લાનીંગની મીટીંગ કોરમના કારણે મુલત્વી રહેતા આ અંગે અનેક અટકળો થઈ રહી છે. જાણવા મળ્યા મુજબ ચેરમેન કોંગ્રેસના હોવાથી ભાજપના સભ્યો કોરમ થવા દેતા નથી. જ્યારે એ પણ ચર્ચાય છે કે મીટીંગના એજન્ડામાં શહેરના વિવાદિત ગેરકાયદેસર બાંધકામોનો નિર્ણય કરવાનો હોવાથી બીલ્ડરોની શેહ શરમમાં કોરમ થવા દીધુ નથી. જોકે નજીકમાં પાલિકાની ચુંટણી આવતી હોવાથી દબાણોના વિવાદનો મધપુડો કોઈ છંછેડવા માગતુ ન હોય તેમ જણાય છે.
વિસનગર પાલિકાની ટાઉન પ્લાનીંગની મીટીંગનો એજન્ડા ચેરમેન કુસુમબેન ત્રીવેદી દ્વારા કાઢવામાં આવ્યો હતો. ટીપીના સભ્યો જશવંતભાઈ પટેલ, કામિનીબેન પટેલ, આશાબેન પ્રજાપતિ તથા નુરજહાબેન સીંધી એમ ચારેય સભ્યોને એજન્ડા બજાવવામાં આવ્યો હતો. આ મીટીંગમાં બાંધકામ પરવાનગી વિરુધ્ધના પ્રકરણો અંગે નિર્ણય કરવા, વિકાસ યોજનાનો મુસદ્દો પ્રસિધ્ધ કરવા અંગે ચર્ચા કરી નિર્ણય કરવા, વિકાસ યોજનામાં ઠરાવ નં.૨૨૬ થી પાલિકા હદમાં ઉમેરેલ સર્વે નંબરોમાં ઝોનીંગ તથા નગર રચના યોજના બનાવવા અંગે નિર્ણય કરવા તથા માન્ય એન્જીનીયરોના લાયસંસ રીન્યુ કરવા તથા નવી અરજીઓનો નિર્ણય કરવાના મુદ્દાઓ ઉપર નિર્ણય કરવાનો હતો.
ટીપીની મીટીંગના આ એજન્ડામાં બાંધકામ પરવાનગી વિરુધ્ધનુ, બીન પરવાનગી બાંધકામ તથા થયેલ દબાણો અંગે ચર્ચા વિચારણા કરવાનો મુદ્દો મહત્વનો હતો. જેમાં આ બાબતે આવેલ વિવિધ ૧૮ અરજીઓ ઉપર નિર્ણય કરવાનો થતો હતો. પરંતુ મીટીંગના સમયે ચેરમેનના પતિ બકુલભાઈ ત્રીવેદી તથા જશુભાઈ પટેલ હાજર રહેતા કોરમ નહી થતા મીટીંગ મુલત્વી
રાખવાની ફરજ પડી હતી. ટીપીની મીટીંગ મુલત્વી રહેતા આ બાબતે પાલિકા વર્તુળમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક ચર્ચા મુજબ ટીપીના ચેરમેન કુસુમબેન ત્રીવેદી કોંગ્રેસના હોવાથી અને સભ્યો ભાજપના હોવાથી કોંગ્રેસના ચેરમેનના અધ્યક્ષ પદે ભાજપના સભ્યો મીટીંગમાં હાજર રહેવા માગતા નહોતા.
ટીપીની મીટીંગમાં કોરમ નહી થવા પાછળ એ પણ જોરશોરથી ચર્ચાઓ ચાલે છેકે, આ મીટીંગમાં વિવાદાસ્પદ ૧૮ દબાણોની અરજી બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવનાર હતો. જેમાં શહેરના બીલ્ડરો ઉપરાંત્ત પાલિકા સાથે સંકળાયેલ સભ્યો વિરુધ્ધ પણ દબાણ અને બીન મંજુરી બાંધકામની અરજી હતી. જેમાંથી મોટા કોમ્પલેક્ષના બીલ્ડરોની શેહશરમમાં ટીપીની મીટીંગમાં કોરમ થયુ નથી. બીજુ એ પણ જાણવા મળ્યુ છેકે ચુંટણીઓમાં બીલ્ડરો દ્વારા મોટુ ફંડ આપવામાં આવે છે. બીલ્ડરોના ફંડથી ગત ચુંટણી જીત્યા બાદ પાંચ વર્ષ બીલ્ડરો સામેજ આંખો કાઢી છે અને બીલ્ડરોની ઉંઘ હરામ કરી હતી. નગરપાલિકાની ચુંટણીઓ હવે નજીકમાં છે ત્યારે ગેરકાયદેસર બાંધકામો વિરુધ્ધના નિર્ણયો લેવાય તો આવતી પાલિકાની ચુંટણીમાં ફંડ મેળવવુ મુશ્કેલ બને. જે કારણેથી પણ ટીપીની મીટીંગમાં કોરમ ન થયુ હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના આ બોર્ડમાં ગેરકાયદેસર દબાણોની વધુમાં વધુ અરજીઓ અને વિવાદો થયા છે. જેમાંથી કેટલીક અરજીઓનો તો દબાણો તોડ્યા સીવાય નિકાલ થઈ ગયો છે. ચુંટણી ફંડ નહી મળવાના ડરથી હવે વર્તમાન બોર્ડમાં દબાણોના ઉભા કરવામાં આવેલા વિવાદ હવે આવતા બોર્ડ ઉપર નાખવામાં આવી રહ્યા છે.