પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ આપના ગઠબંધન ઉપર સંકટ
ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ભાન્ડુની સભામાં કોંગ્રેસ ઉપર ભાગ બટાઈનો આક્ષેપ કરતા
- વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આપની જુગલબંધીનો તખ્તો ચર્ચાતો હતો
વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો મોરચો બને તેવી ભૂગર્ભ હિલચાલ ચાલતી હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ તાલુકાના ભાન્ડુ ગામમાં આમ આદમી પાર્ટીની સભામાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ભાજપ સરકાર સાથે કોંગ્રેસની ભાગબટાઈ ચાલતી હોવાનો આક્ષેપ કરતા તેની અસર વિસનગર પલિકાની ચુંટણીમાં થાય તેમ જણાય છે. ગઠબંધન થાય તો ચુંટણી સભાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હવે કોંગ્રેસને કંઈ રીતે સારી કહી શકે તેવી ચર્ચા સાથે રાજકીય સમીકરણો બદલાયા છે અને ગઠબંધન બને તે પહેલાજ સંકટના વાદળો ઘેરાયા છે.
વિસનગર પાલિકાની મુદત પુરી થવામા હવે ત્રણ માસનો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વરા ચુંટણીની ભૂગર્ભ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. તેમ છતા પાલિકાની અણ આવડતથી ભાજપ સામે લોકોનો રોષ જોઈને તેનો લાભ લેવા વિરોધ પક્ષ થનગની રહ્યો છે. ભાજપ સામે એકલુ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષ ટક્કર લઈ શકે તેમ નથી. દેશની એનડીએ સરકાર સામે અત્યારે વિરોધ પક્ષોનુ મહાગઠબંધન રાજકીય લડત આપી રહ્યુ છે. તે મુજબ વિસનગરમાં દિવાળી બાદ ભાજપ સામે મજબુત ગઠબંધનની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ હાથ મિલાવે તેવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. વિરોધ પક્ષના નેતાઓ અને આગેવાનોએ મીટીંગોનો દોર શરૂ કર્યો હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
વિસનગર પાલિકાની ચુંટણી માટે ભાજપ સામે ટક્કર લેવા વિરોધ પક્ષે સોગઠા તૈયાર કરીને રાખ્યા હતા. તેમાં ભાન્ડુ ગામમાં યોજાયેલ આમ આદમી પાર્ટીની સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના ગુજરાતની કોંગ્રેસ ઉપર આક્ષેપો કરતા ગઠબંધન માટેના શતરંજના સોગઠા વિખેરાઈ ગયા છે. ભાન્ડુની સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ગુજરાત કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ હતું કે, ભાજપ સરકાર સામે મજબુત વિરોધ કરવાના કારણે આપના નેતાઓ ઉપર સરકારે કેસ કર્યા છે. ૩૬ વર્ષની ઉંમરમાં મારી સામે ૩૦ એફ.આઈ.આર. થઈ છે. ગુજરાતમાં ભાજપ સરકાર છે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે. પરંતુ કોંગ્રેસનો એક પણ નેતા ઉપર સરકારે કેસ કર્યા હોય કે કોંગ્રેસનો નેતા જેલમાં ગયો હોય તેવુ ધ્યાનમાં આવ્યુ નથી. સરકારે સાથે કોંગ્રેસની ભાગબટાઈ ચાલી રહી છે.
ભાન્ડુની સભામાં આપના ધારાસભ્યએ ભાજપ સાથે કોંગ્રેસને પણ આડે હાથે લેતા તેની અસર વિસનગર પાલિકાની ચુંટણીમાં ગઠબંધન ઉપર પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ચુંટણીમાં કોંગ્રેસ અને આપ હાથ મીલાવે તો બન્ને પાર્ટીની વિચારધારા એક છે તેવુ બતાવવુ પડે. પરંતુ ધારાસભ્ય ઈટાલીયા એ તો જાહેર સભામાં ભાજપ સરકાર સાથે કોંગ્રેસની ભાગબટાઈ હોવાનો આક્ષેપ કર્યા છે ત્યારે પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ અને આપ કંઈ રીતે સાથે બેસી શકે તે પ્રશ્ન ઉભો થયો છે.