કોમર્શિયલ મિલ્કતોના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષમાં ૨૦ ટકા રાહતની જાહેરાત
ગુજરાત આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત
કોમર્શિયલ મિલ્કતોના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષમાં ૨૦ ટકા રાહતની જાહેરાત
વિકસીત ગ્રામ પંચાયતોમાં કાંસા, કાંસા એન.એ., સતલાસણા જેવી ગ્રામ પંચાયતોમાં ટેક્ષમાં રાહતનો કોઈ ઉલ્લેખ નહી હોવાથી ગ્રામ પંચાયતોમાં વાણિજ્યિક એકમો ધરાવતા લોકોમાં નારાજગી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના લોકડાઉનના કારણે વેપારીઓને ઘણુ આર્થિક નુકશાન સહન કરવુ પડ્યુ છે. ત્યારે રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંંતર્ગત કોમર્શિયલ મિલ્કતોમાં પ્રોપર્ટી ટેક્ષમાં ૨૦ ટકા રાહતની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અન્ય નગરપાલિકાઓએ સરકારની આ જાહેરાતનો અમલ શરૂ કરી દીધો છે. ત્યારે વિસનગર નગરપાલિકા વેપારીઓને લાભ કરતી યોજનાના અમલીકરણ માટે કાર્યવાહી કરતી હોવાનુ જાણવા મળ્યુ છે.
ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ પરિપત્ર ક્રમાંક : પરચ/૮૦૨૦૨૦/૨૦૨૧ પી સચીવાલય ગાંધીનગર તા.૨૫-૬-૨૦૨૦ થી જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી વેપારી વર્ગમાં આનંદની લાગણી જોવા મળી છે. પરિપત્ર પ્રમાણે નાણાં વિભાગના તા.૫-૬-૨૦૨૦ ના ઠરાવથી રાજ્યના દરેક વર્ગના નાગરિકોને આર્થિક મદદ કરવાના હેતુથી ‘ગુજરાત આત્મનિર્ભર પેકેજ’ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષ, વિજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો હેઠળ વાણિજ્યિમ એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષના ચુકવણામાં ૨૦ ટકાની માફી આપવામાં આવશે. રૂા.૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજીત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જે મિલ્કતદારોએ વર્ષ ૨૦૨૦-૨૧ ના વાણિજ્યિક પ્રોપર્ટી ટેક્ષની ચુકવણી કરેલ છે તેવા મિલ્કતદારોને આ નિર્ણયથી માફ કરવામાં આવેલ ૨૦ ટકા રકમ પરત આપવામાં આવશે.
આત્મનિર્ભર પેકેજનો અમલ સારી રીતે થઈ શકે તે માટે આ પરિપત્રમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સુચન કરવામાં આવ્યુ છે. જેમાં વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષના ચુકવણામાં ૨૦ ટકા માફીનો લાભ તા.૩૧-૮-૨૦૨૦ સુધી આપવાનો રહેશે. જે વાણિજ્યિક એકમોએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રોપર્ટી ટેક્ષની રકમ તા.૩૧-૮-૨૦૨૦ સુધી ભરેલુ હશે તેના ૨૦ ટકાની રાહત સરકાર પાલિકાઓ મહાનગરપાલિકાઓને પરત કરશે. જે મિલ્કતદારોએ વર્ષ ૨૦૨૦-૨૧ ના વાણિજ્યિક પ્રોપર્ટી ટેક્ષની ચુકવણી કરેલ છે તેવા મિલ્કતદારોને આ નિર્ણયથી માફ કરવામાં આવેલ ૨૦ ટકાની રકમ પરત આપવામાં આવશે.
મહત્વની બાબતતો એ છેકે સરકારના આ પરિપત્ર બાદ મોટાભાગની મહાનગરપાલિકા અને પાલિકાઓએ તેનો અમલ શરૂ કરી દીધો છે. વિસનગર નગરપાલિકાએ ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરામાં ૧૦ ટકા વધારો કરવા વાધા સુચનો મંગાવ્યા છે. સરકાર એક તરફ ટેક્ષમાં માફી આપવાની જાહેરાત કરે છે ત્યારે વિસનગર પાલિકાની ક્ષેત્રફળ આધારીત મિલ્કત વેરામાં વધારો કરવાની કાર્યવાહીથી ભારે રોષ ફેલાયો છે. કોમર્શિયલ મિલ્કતોના ટેક્ષમાં ૨૦ ટકા રાહત એ શરતે આપવાની છેકે જેનો ૩૧-૮-૨૦૨૦ સુધીમાં ટેક્ષ ભરાશે તેને રાહત મળશે. ત્યારે વેરો વધારવાની કાર્યવાહીના કારણે વિસનગર પાલિકા દ્વારા હજુ સુધી ટેક્ષના બીલો આપવામાં આવ્યા નથી. દરેક વોર્ડમાં ટેક્ષના બીલો પહોચતા કરતા બે થી ત્રણ માસનો સમય લાગે છે. વિસનગર પાલિકાએ હજુ સુધી કોમર્શિયલ મિલ્કતોમાં ટેક્ષ માફીનો કોઈ નિર્ણય પણ કર્યો નથી. ત્યારે કોમર્શિયલ મિલ્કતોના વેરાબીલ સમયસર મળશે નહી અને કોમર્શિયલ મિલ્કતદાર ૨૦ ટકા રાહતથી વંચીત રહેશે તો જવાબદારી કોની?
ગુજરાત સરકારનો ખામીયુક્ત પરિપત્ર છે તેવુ કહી શકાય કારણ કે મહા નગરપાલિકા અને નગરપાલિકા હદ વિસ્તારના વાણિજ્ય (કોમર્શિયલ) એકમોને પ્રોપર્ટી ટેક્ષ (મિલ્કત વેરા)માં ર૦ ટકા રીબેટ અપાય છે. પરંતુ કાંસા એન.એ. ગ્રામપંચાયત, કાંસા ગ્રામ પંચાયત, સતલાસણા ગ્રામ પંચાયત જેવી વિકાસ પામેલ વિસ્તારની ગ્રામ પંચાયતોના વાણીજ્ય એકમોને લાભ કેમ અપાયો નથી ? સરકારે મિલ્કત વેરામાં દર વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સમયસર વેરા ભરનારને ૧૦ ટકા રીબેટ આપે છે. જ્યારે વિસનગર નગરપાલિકામાં વેરા બીલ મળ્યાના એક માસમાં વેરો ભરનારને ૧૦ ટકા રીબેટ આપવામાં આવે છે. જે ૧૦ ટકા રીબેટ મળશે કે કેમ તેની કોઈ ચોખવટ નથી. તેવી જ રીતે ૩૧-૮-ર૦ર૦ સુધી વેરો ભરનારને ચાલુ વર્ષે સરકારે ર૦ ટકા રીબેટ આપ્યુ છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વિકસેલી ગ્રામ પંચાયતોની મિલ્કતોને વેરામાં ર૦% માફી માટે પરિપત્રમાં ચોખવટ ન થતા ગ્રામ્ય વિસ્તારના વાણીજ્ય એકમો ધરાવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં સતલાસણા તાલુકા મથક જેવા અસંખ્ય ગામો છે. જેમા ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં વાણિજ્ય એકમો દુકાનો ઉદ્યોગ ધંધા આવેલા છે તેમને વેરા માફી આપવા લોક માંગ ઉઠી છે.