Select Page

ઋષિભાઈ પટેલે ઉંઝા સીટમાંથી દાવેદારી કરતા ટેકેદારોની ઉંઘ હરામ

ઋષિભાઈ પટેલે ઉંઝા સીટમાંથી દાવેદારી કરતા ટેકેદારોની ઉંઘ હરામ

કાર્યકરોની લાગણી – વિરોધ સહન કરીને સાથ આપ્યો છે તો અમારૂ શું? – ક્યાં જઈશું?

વિધાનસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા દાવેદારોનો બાયોડેટા લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે છેલ્લા દિવસે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે ઉંઝા વિધાનસભા સીટમાં દાવેદારી માટે જીલ્લા ભાજપ પ્રમુખને બાયોડેટા આપતા વિસનગરના રાજકારણમાં ભુકંપ સર્જાયો છે. કેબીનેટ મંત્રીની આ ચાલથી તેમના નજીકના ટેકેદારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. વહાણમાં કાણુ પડે અને પ્રથમ ઉંદરડા કુદાકદ કરે તેમ ઋષિભાઈ પટેલના નજીકના કેટલાક ટેકેદારોએ તો ભાજપની બી ટીમનો સંપર્ક કરી અમે તમારી સાથે છીએ તેવુ જણાવ્યુ છે. જ્યારે બીજી બાજુ ઉંઝા સીટના દાવેદારોમાં પણ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો ભારે વિરોધ થયો છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે એ સમજવુ જોઈએ કે જ્યાં વાવ્યુ હોય ત્યાંજ લણવા મળે. ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા શરૂઆતના ત્રણેક મહિના વિસનગરમાં સમય નહી આપી શકતા અમદાવાદ નારણપુરાથી ચુંટણી લડશે. તેમના વતન ઉંઝાથી ચુંટણી લડશે તેવી અટકળો શરૂ થઈ હતી. ત્યારબાદ વિસનગર તરફ ધ્યાન આપતા અન્ય વિધાનસભામાંથી ચુંટણી લડવાની અટકળોનો અંત આવ્યો હતો. આ દરમ્યાન દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી અર્બુદા સેના દ્વારા ઋષિભાઈ પટેલનો વિરોધ કરવામાં આવતા વિસનગર સીટ ઉપર ઋષિભાઈ પટેલ રીપીટ થશે કે નહી તેવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. વિધાનસભાની ચુંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી માટે દાવેદારોનો બાયોડેટા લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે છેલ્લા દિવસે ઋષિભાઈ પટેલે ઉંઝા વિધાનસભા સીટમાં દાવેદારી કરતો બાયોડેટા આપતા વિસનગર સહીત જીલ્લાના રાજકારણમાં ભુકંપ સર્જાયો હતો.
ઉંઝા વિધાનસભા સીટમાં ભાજપમાંથી ૫૬ કાર્યકરો દ્વારા દાવેદારી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક ઝઘડો શાંત પાડવા માટે કે કાર્યકરો અંદરોઅંદર સમાધાન કરે તેવા આશયથી પ્રદેશ ભાજપની દોરવણીથી ઋષિભાઈ પટેલે દાવેદારી કરી હોવાનુ માની શકાય. ઉંઝા સીટમાં દાવેદારી બાદ એવી પણ ચર્ચા ચાલી રહી છેકે વિસનગર સીટમાં વિરોધ વધતા ઋષિભાઈ પટેલ મેદાન છોડીને ભાગ્યા છે. જોકે ઉંઝા સીટમાં પણ સ્થાનિક કાર્યકરોનો બહારથી ઉમેદવારી માટે દાવેદારી કરનાર ઋષિભાઈ પટેલનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના અંગત ટેકેદારોની અત્યારે ઉંઘ હરામ થઈ ગઈ છે. અંગત કાર્યકર ટેકેદારોમાં ગણગણાટ છેકે ઋષિભાઈ પટેલના વિરોધી ભાજપના અન્ય આગેવાનોનો વિરોધ સહન કરીને સાથે રહ્યા છીએ. ત્યારે ઋષિભાઈ પટેલ મેદાન છોડીને જતા રહે તો અમારૂ શું? ઋષિભાઈ પટેલ સાથેના કેટલાક અડુકીયા દડુકીયા ટેકેદારોએ તો ઋષિભાઈ પટેલની વિરોધી ભાજપની બી ટીમનો સંપર્ક કરી અમે તમારા વિરોધી નથી સાથે છીએ તેવો મેસેજ પહોચતો કરી દીધો છે. જેમાંથી કેટલાકના કોલ રેકોર્ડીંગ ફરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us