Select Page

ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં જશે પરંતુસિંચાઈ વિભાગની આળસને કારણે ચિમનાબાઈ સરોવર ખાલી રહેશે

ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં જશે પરંતુસિંચાઈ વિભાગની આળસને કારણે ચિમનાબાઈ સરોવર ખાલી રહેશે

આ વખતે સારા વરસાદને કારણે ધરોઈ ડેમ તેના રૂલ લેવલે સમય કરતા વહેલા પહોંચી ગયો છે. કેનાલ રીપેરીંગના કામનું ટેન્ડર માર્ચ-એપ્રિલમાં પ્રસિધ્ધ કરી જૂન મહિના પહેલા રીપેરીંગ પૂર્ણ કરાવવુ જોઈએ તેના બદલામાં ઓગસ્ટ-૩૧ સુધી કામ પૂરુ થાય તેવુ લાગતુ નથી. ધરોઈનું પાણી રૂલ લેવલે જુલાઈમાં પહોંચી જતા હવે ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ ૬૧૯ પણ ૭ થી ૧૦ ઓગસ્ટે પહોચવાની શક્યતા છે. ધરોઈનું પાણી ૭ થી ૧૦ ઓગસ્ટ પછી સાબરમતી નદીમાં છોડવામાં આવશે પરંતુ કેનાલો દ્વારા તળાવો ભરવાની ૩૧ ઓગસ્ટ સુધી કોઈ શક્યતા દેખાતી નથી.
પાટણ-સાંસદ ભરતસિંહ ડાભી આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરાવી શકશે ખરાં?
ધરોઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ દર વર્ષે નદીઓ તળાવોના આવરા સાફ કરાવવા કે જંગલ કટીંગ પણ સમયસર કરાવતા નથી. દર વર્ષે ચોમાસા પહેલા કેનાલ સફાઈ તથા કેનાલ રીપેરીંગની પ્રક્રિયા ૩૦ જુન સુધીમાં પુરી થઈ જાય તે રીતે કામગીરી કરવાની હોય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓએ ધરોઈ ડેમ ઓવરફ્લો થવાની આશા છોડી દઈને કેનાલ મારફત તળાવો ભરી ભુગર્ભ જળ ઉંચા લાવવા વિચાર્યુજ નથી.
સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉપર સરકારનો કોઈ કંટ્રોલ ન હોવાથી કેનાલ રીપેરીંગનું ટેન્ડર લેટ આવ્યુ
ધરોઈ ડેમનું રાજ્ય સરકારે રૂલ લેવલ નક્કી કર્યુ છે. જેમાં ૩૧ જુલાઈ સુધી ધરોઈ ડેમનું લેવલ ૬૧૮ જાળવી રાખવાનું હોય છે. ત્યારબાદ ૩૧ ઓગસ્ટ સુધી ધરોઈ ડેમનું લેવલ ૬૧૯ જાળવી રાખવાનું હોય છે. ચાલુ વર્ષે વરસાદ સારો થતા જુલાઈ મહિનામાંજ ધરોઈ ડેમનું લેવલ ૬૧૮ સુધી પહોંચે તેવુ લાગે છે અને હાલના વરસાદી વાતાવરણ ઉતરથી ૭ થી ૧૦ ઓગસ્ટ સુધીમાં ધરોઈ ડેમનું લેવલ ૬૧૯ પહોંચે તેવુ લાગે છે.
ધારાસભ્યસરદારભાઈ ચૌધરીનેસિંચાઈ વિભાગ ગાંઠતો નથી કે શું?
ધરોઈ ડેમનું રૂલ લેવલથી વધુ પાણી પહોંચે ત્યારે કેનાલો મારફત પાણી છોડી તળાવો ભરવાના હોય છે. હાલમાં ધરોઈ ડેમની મુખ્ય કેનાલમાં ધરોઈ પાસે રીપેરીંગ ચાલે છે તેમજ ખોડામલી પાસે પણ રીપેરીંગ ચાલે છે. જેના કારણે રૂલ લેવલ ૬૧૯ થયા પછી પણ કેનાલમાં ટીંપુ પણ પાણી છોડી શકાય તેવી પરિસ્થિતિ નથી. ધરોઈના સિંચાઈ વિભાગના અધિકારીઓની આળસથી ઉત્તર ગુજરાતના સાત થી આઠ તાલુકાના અસંખ્ય તળાવો પાણીથી ભરાશે નહી. હાલ જે કેનાલ રીપેરીંગની કામગીરી ચાલે છે તે ૩૧ ઓગસ્ટ સુધી પુરી થાય તેમ નથી. જેથી તમામ તળાવો સિંચાઈ વિભાગના અધિકારીઓની આળસને કારણે ખાલી રહેશે.
સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવવા યુધ્ધના ધોરણે કેનાલ રીપેરીંગ કરાવી શકશે ખરા?
ધરોઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ જે તે મંત્રીઓના પસંદગી પામેલા સગા વ્હાલા હોવાની ચર્ચાઓ ચાલતી હોવાથી આવા અધિકારીઓ સરકારને પણ ગાંઠતા નથી તેવુ લોકો જાહેરમાં કહે છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી નવા હોવાથી તેઓ સિંચાઈ વિભાગમાં સમયસર સુચના ન આપતા તેમને પણ સિંચાઈ વિભાગના અધિકારીઓએ ઉઠાં ભણાવ્યા હોય તેવુ લાગે છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ પ્રજાનું અહિત કરતા હોય છતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી કેમ ચુપ છે? શું સિંચાઈ વિભાગના અધિકારીઓના કારણે ચિમનાબાઈ સરોવર ખાલી રહે તે સાંસદ ભરતસિંહ ડાભી ચલાવી લેશે ખરા? ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ યુધ્ધના ધોરણે કેનાલ રીપેરીંગનું કામ દિવસ રાત એક કરી ઝડપથી પૂર્ણ કરાવી શકશે ખરા?
ગત વર્ષે કેનાલ મારફત રસુલપુર પંપીંગ સ્ટેશનેથી ચિમનાબાઈ સરોવરમાં પાણીથી ભરવામાં આવ્યુ હતુ. ત્યારે વરસંગ તળાવથી ચિમનાબાઈ સરોવરમાં પાણી છોડવામાં અધિકારીઓની આડોડાઈ હોવાથી વરસંગ તળાવ સામે નાળાનું રીપેરીંગ થયુ નહોતુ ત્યારે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ જાતે સ્થળ ઉપર ઉભા રહીને જેસીબીથી નાળુ પુરાવી ચિમનાબાઈ સરોવરમાં પાણી નંખાવ્યુ હતુ. શું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ધરોઈ કેનાલનું રીપેરીંગ જાતે ઉભા રહીને ઝડપથી પૂર્ણ કરાવી શકાશે ખરા?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us