Select Page

પાલિકામાં કમિશનની લાલચમાં રૂા.૬૦ લાખના બીલ મંજુરીની મથામણ

પાલિકામાં કમિશનની લાલચમાં રૂા.૬૦ લાખના બીલ મંજુરીની મથામણ

ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ મશીન કામ આપતા નથી

  • કોન્ટ્રાક્ટરે આપેલા મશીનના ડેમોસ્ટ્રેશનમાં પાલિકા સભ્યોમાં અસંતોષ
વિસનગર પાલિકાના ભાજપના કેટલાક ગણ્યા ગાઠ્યા સભ્યોને શહેરના વિકાસ કરતા મોટા બીલો મંજુર કરાવી કમિશનની કટકીમાં વધારે રસ છે. ઓ ડબ્લ્યુ સી મશીન યોગ્ય રીતે કામ આપતા નથી. મશીનમાં ખાતર બનતુ નથી. આ ચાર મશીન પરત કરવા અગાઉ પણ સભ્યોએ પાલિકામાં લેખીત રજુઆત કરી છે. તેમ છતા રૂા.૬૦ લાખની માતબર રકમનુ બીલ મંજુર કરી મોટી કમિશનની કટકી માટેની મથામણ ચાલી રહી છે. બીલ મંજુર કરવાની સંમતી આપતી સહી પાલિકાના કયા સભ્યો કરે છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની ટર્મ પુરી થવામાં સાતથી આઠ માસનો સમય બાકી છે. ત્યારે કેટલાક કમિશનીયા સભ્યો જુના મોટા બીલો મંજુર કરાવી મોટી કટકી માટે સક્રીય બન્યા છે. લીલુ સડેલુ શાકભાજી, લીલા સુકા પાંદડા, વનસ્પતિ, વધેલો ખોરાક વિગેરે લીલો અને સુકા કચરાનુ ખાતર બનાવવા સરકારની ગ્રાન્ટમાંથી વિસનગર પાલિકા દ્વારા રૂા.૬૦ લાખના ખર્ચે ચાર(૪) ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. લગભગ એક વર્ષ પહેલા રૂા.૧૫ લાખની કિંમતનુ એક એવા ચાર મશીન કંપની દ્વારા પટણી દરવાજા સર્વે નં.૩૦૫ વોટર વર્કસમાં ઉતારવામાં આવ્યા હતા.
મશીન ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, સભ્ય ઉત્તમભાઈ પટેલ વિગેરેએ મશીનના ડેમોસ્ટ્રેશન બાદ બીલ ચુકવવા સુચના આપી હતી. કંપનીના ટેકનિશીયન આવી ડેમોસ્ટ્રેશન આપતા ખાતર નિકળ્યુ નહોતુ. તે સમયેજ રૂપલભાઈ પટેલે સરકારની માતબર રકમની રૂા.૬૦ લાખની ગ્રાન્ટનો દુર્વ્યય ન થાય તે માટે મશીન પરત કરવા સુચના આપી હતી. ત્યારબાદ આપવામાં આવેલ બે થી ત્રણ ડેમોસ્ટ્રેશનમાં એક પણ વખત ખાતર નિકળ્યુ નહોતુ. મશીન કામ આપતા નહોતા છતા કોઈના ઈશારાથી એક મશીન એસ.કે.યુનિવર્સિટીમાં મુકવામાં આવ્યુ છે. જે ધૂળ ખાય છે. બાકીના પડી રહેલા ત્રણ મશીનનુ હમણા ગત અઠવાડીયે કંપનીના ટેકનિશીયને ડેમોસ્ટ્રેશન આપ્યુ હતુ. જે સમયે લગભગ પંદર જેટલા પાલિકાના સભ્યોએ હાજરી આપી હતી.
ઓર્ગેનિક વેસ્ટ કન્ટ્રોલ મશીનના ડેમોસ્ટ્રેશનમાં ચોવીસ કલાકમાં ૨૫૦ કિલો ખાતર નિકળ્યુ હતુ. મશીન ખરીદવામાં આવ્યુ ત્યારે ખાતર બનાવવાની કેપેસીટી વધારે બતાવવામાં આવી હતી. વિસનગરમાં રોજનો હજ્જારો કિલો કચરો એકઠો થાય છે. ત્યારે એકઠા થતા કચરા પ્રમાણે મશીનની ખાતર બનાવવાની કેપેસીટી નથી. ઓ.ડબ્લ્યુ.ડી. મશીન કોઈ કામના નથી. કચરાનો નિકાલ કરી શકે તેમ નથી. ત્યારે ચાર મશીનનુ રૂા.૬૦ લાખનુ બીલ મંજુર કરવા પાછળની આટલી તાલાવેલી પાછળ મોટા કમિશનની કટકીની ચર્ચા ચાલી રહી છે. જાણવા મળ્યા પ્રમાણે ૧૫ થી ૨૦ સભ્યોએ પેમેન્ટ નહી કરવા સુચન કર્યુ છે. સ્વચ્છતા સમિતિના ચેરમેન રંજનબેન પરમારે પણ મશીન કામ આપતા નહી હોવાથી પેમેન્ટ નહી કરવા અગાઉ લેખીત રીપોર્ટ આપ્યો છે. વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પાલિકા સભ્ય હિરેનભાઈ પટેલ તથા કોંગ્રેસના તમામ સભ્યોએ જે મશીનનુ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ તે ઓ.ડબ્લ્યુ.સી. મશીન બીલકુલ કાર્યશીલ નહી હોવાથી ઓર્ગેનિક ખાતર બનાવવા કામ આવે તેવુ નહી હોવાથી પેમેન્ટ નહી કરવા ચીફ ઓફીસર તથા પ્રમુખને ઉલ્લેખી વિરોધ નોધાવ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે ઉચ્ચ હોદ્દો ધરાવતા ત્રણ થી ચાર સભ્યોજ ચાર મશીનનુ રૂા.૬૦ લાખ બીલ મંજુર કરવા મથામણ કરી રહ્યા છે. મશીનનુ પેમેન્ટ કરવાની સંમતીમાં સભ્યોની સહી લેવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે. ત્યારે કયા સભ્યો સહી કરે છે તેની ઉપર અન્ય સભ્યો નજર રાખીને બેઠા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us