વિસનગરમાં ચાંદીપુરા રોગના શંકાસ્પદ મૃત્યુમાં રીપોર્ટ નેગેટીવ
૨૯૦૦ કાચા મકાનોમાં જંતુનાશક દવાનું ડસ્ટીંગ કરાયુ
વિસનગરમાં ચાંદીપુરા રોગ સામે ટક્કર લેવા ટી.એચ.ઓ. ર્ડા.આર.ડી.પટેલ અને ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીના માર્ગદર્શનમાં માઈક્રો પ્લાનીંગથી કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં એક બાળકનુ ચાંદીપુરા રોગથી શંકાસ્પદ મૃત્યુ થતા તંત્ર દોડતુ થયુ હતુ. શંકાસ્પદ મૃત્યુ થયુ તે વિસ્તારમાં સર્વેલન્સ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ શંકાસ્પદ મૃત્યુમાં ચાંદીપુરા રોગનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આજની તારીખે તાલુકામાં ચાંદીપુરા રોગમાં એક પણ શંકાસ્પદ કે પોઝીટીવ કેસ નથી છતા તંત્ર દ્વારા તકેદારી રૂપે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ચાંદીપુરા રોગમાં અત્યારે સમગ્ર ગુજરાતમાં ૧૧૮ શંકાસ્પદ તથા ૨૩ પોઝીટીવ કેસ છે. જ્યારે આ રોગે ૪૩ બાળકોનો ભોગ લીધો છે. ચાંદીપુરા રોગ ફેલાવતી માંખી કાચા મકાનોની તિરાડો અને દિવાલોના છીદ્રોમાં ઈંડા મુક્તી હોવાથી તંત્ર દ્વારા સ્લમ વિસ્તારની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. વિસનગરમાં દિપરા દરવાજા વણકરવાસમાં તા.૨૦-૭-૨૦૨૪ ના રોજ એક સાત માસના બાળકનુ ચાંદીપુરા રોગમાં શંકાસ્પદ મૃત્યુ થયુ હતુ. વિસનગરમાં ચાંદીપુરા રોગનો પ્રથમ શંકાસ્પદ કેસ અને એમા પણ મૃત્યુ થતા આરોગ્ય અને પાલિકા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા એપેડેમિક ઓફીસરની સૂચનાથી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ ચાંદીપુરા રોગના અટકાયતી પગલા રૂપે આઈ.આર.એસ. સ્પ્રીડીંગ કામગીરી કરવામાં આવી હતી. ટી.એચ.ઓ. ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ હતું કે, ચાંદીપુરા કેસની અટકાયતી કામગીરી રૂપે દિપરા દરવાજા વણકર વાસમાં બાવ્વન(૫૨) મકાનમાં જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરી હતી. આસપાસના મકાનોમાં પણ ચાંદીપુરા રોગ બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ. આ કામગીરી જીલ્લા મેલેરિયા સુપર વાઈઝર રમેશભાઈ ચૌધરીની હાજરીમાં અર્બન હેલ્થ સેન્ટર વિસનગરના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં રૂબરૂ સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત્ત ૨૯૭૬ કાચા મકાનમાં સેન્ડ ફ્લાય નાશક મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ચાંદીપુરાના શંકાસ્પદ કેસ બાદ વિસનગર પાલિકાની કામગીરી બાબતે ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીએ જણાવ્યુ છેકે, જ્યા નાના બાળકો અભ્યાસ કરે છે ત્યા તકેદારી રૂપ કામગીરી કરવામાં આવી છે. શહેરના તમામ વોર્ડની આંગણવાડી કેન્દ્રોમાં દવાનો છંટકાવ કરી ઝાડી જાખરા ઉગ્યા હોય તો સફાઈ કરવામાં આવી છે. તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. દિપરા દરવાજા જ્યા શંકાસ્પદ કેસ આવ્યો તે વિસ્તાર અને અન્ય સ્લમ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જોકે દિપરા દરવાજા વણકરવાસના બાળકોના શંકાસ્પદ મૃત્યુમાં ચાંદીપુરા રોગનો રીપોર્ટ નેગેટીવ આવતા સમગ્ર તાલુકાના તંત્રએ હાશકારો અનુભવ્યો છે.