Select Page

રેવડી કલ્ચર ઉપર અંકુશ નહી આવે તો રાજ્યોની આર્થિક સ્થિતિ કથળશે

વડાપ્રધાન મોદી વિરોધ કરે છે ત્યારે ભાજપના રાજ્યમાજ લ્હાણી કરતી યોજનાઓ

તંત્રી સ્થાનેથી…

ભારતના રાજકારણમાં રેવડી કલ્ચર શબ્દ હમણા બે વર્ષ પહેલાજ આવ્યો. રાજકારણના શબ્દ ભંડોળમાં આ શબ્દ નહોતો. પરંતુ દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી સત્તા મેળવવા ૧૦૦ યુનિટ સુધી વિજ બીલ માફીની જાહેરાત કરી. લાભદાયી યોજના હોવાથી મફત વિજળીની જાહેરાત આમ આદમી પાર્ટીને ફળી અને ફરી દિલ્હીની સત્તા પ્રાપ્ત કરી. દિલ્હીની યોજનાનો પંજાબની ચુંટણીમાં અમલ કર્યો અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી. જોકે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મફત વિજળી આપવાની આપની જાહેરાતની કોઈ અસર થઈ નહી અને ભાજપે ૧૫૬ સીટ ઉપર ઐતિહાસિક જીત મેળવી. જોકે ગુજરાતની જનતા ઉદ્યમી છે જેની ઉપર મફત યોજનાઓની જાહેરાતની કોઈ અસર થઈ નહી. લોકોને મફત મળતુ થાય ત્યારે કામ કરવાની અનિચ્છા ઉદ્‌ભવતી હોય છે. મફત મળતુ હોય ત્યા માણસ આળસુ અને નિષ્ક્રીય બની જતો હોય છે. કલ્યાણકારી યોજનાઓ જરૂરી છે, પરંતુ મફત આપતી યોજનાઓ સમાજ માટે ખતરારૂપ છે. દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં આપની મફત લ્હાણી કરતી યોજનાઓ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેવડી કલ્ચર શબ્દ પ્રયોગ કર્યો હતો. મફતમાં આપીને સત્તા મેળવવાથી છેવટે જે તે રાજ્યોનેજ આર્થિક નુકશાન થતુ હોવાથી વડાપ્રધાન મોદીએ રેવડી કલ્ચર દેશ અને સમાજ માટે નુકશાનકારક ગણાવ્યુ હતુ. મફતમાં આપની યોજનાઓ ઉપર રોક લગાવવા કેન્દ્ર સરકાર દ્વારા કમિશન પણ રચાયુ હતુ. પરંતુ સત્તા મેળવવા આ કલ્ચર જરૂરી બની ગયુ હોવાથી તેમજ દરેક પક્ષને રેવડી કલ્ચર ફાયદારૂપ બનતુ હોવાથી મફતમાં લ્હાણી કરતી યોજનાઓ ઉપર રોક લગાવવા આગળ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહી. ખુદ વડાપ્રધાન રેવડી કલ્ચરના વિરોધી છે. ત્યારે ભાજપ શાસીત રાજ્યો પણ રેવડી કલ્ચરથી સત્તા મેળવવા લ્હાણીની જાહેરાતો કરી રહ્યા છે. ટુંક સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચુંટણી પહેલાની વિધાનસભાની ચુંટણીઓ સેમીફાઈનલ જેવી હોવાથી સત્તા મેળવવા ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. મધ્યપ્રદેશમાં હાલમાં ભાજપનુ શાસન છે. ત્યારે ફરીથી સત્તા મેળવવા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આવનારી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખી મહિલાઓને રાખડી માટે રૂા.૨૫૦ આપવાની જાહેરાત કરી. લાડલી બહેના યોજનામાં દર મહિને રૂા.૧૦૦૦ આપવામાં આવે છે. તેમાં રૂા.૨૫૦ વધારો કરી હવે રૂા.૧૨૫૦ આપવામાં આવશે. મધ્યપ્રદેશની ૪ કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. જે યોજનામાં શિવરાજસીંહ સરકારને રૂા.૩૬૨૫ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાં રૂા.૨૫૦ વધારવાથી સરકારી તિવોરીમાં બોજ વધશે. કર્ણાટકમાં પણ સત્તા મેળવવા કોંગ્રેસે વિવિધ મફતમાં આપતી યોજનાઓની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી આવતી હોવાથી કોંગ્રેસ શાસીત ગેહલોત સરકાર દ્વારા પણ ફરીથી સત્તા મેળવવા રેવડી કલ્ચર અપનાવ્યુ છે. વડાપ્રધાન મોદીએ પૂણેની એક સભામાં સત્તા મેળવવા કર્ણાટક અને રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયોની ટીકા કરી હતી. ત્યારે વડાપ્રધાન જો રેવડી કલ્ચરના વિરોધી હોય તો ભાજપ શાસીત મધ્યપ્રદેશ સરકારને રોકડ સહાય કરતી યોજનાની જાહેરાત કરતા કેમ ન રોકી? ખુદ વડાપ્રધાન મોદી સરકારે આગામી લોકસભાની ચુંટણીને લક્ષમાં રાખી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૪૦૦ નો ઘટાડો કર્યો. હજુ તો પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરતી ચુંટણી લક્ષી જાહેરાત થવાની પણ શક્યતા છે. સત્તા મેળવવાના રેવડી કલ્ચરના કારણે રાજ્યોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે. રેવડી કલ્ચરમાં કરોડોનુ ફંડ વપરાતુ હોવાથી વિકાસ કામ ઉપર તેની અસર થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ છપ્પનની છાતીના ઘણા નિર્ણયો કર્યા છે. ત્યારે કરેલા વિકાસ ઉપર વિશ્વાસ રાખી ભાજપની સત્તા ધરાવતા રાજ્યોને રેવડી કલ્ચરની જાહેરાત કરતા અટકાવવા જોઈએ. રેવડી કલ્ચર ઉપર અંકુશ નહી આવે તો રાજ્યોની આર્થિક પરિસ્થિતિ કથળશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us