Select Page

મતાધિકારનો ઉપયોગ કરી આવો સૌ સાથે મળી લોકશાહીનુ પર્વ ઉજવીએ

એક મત માટે પણ ચુંટણીપંચ આખુ બુથ ઉભુ કરે છે
મતાધિકારનો ઉપયોગ કરી આવો સૌ સાથે મળી લોકશાહીનુ પર્વ ઉજવીએ
તંત્રી સ્થાનેથી…
વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં લોકસભાની ચુંટણી એ કોઈ પર્વથી ઓછી નથી. બીનસાંપ્રદાયીક દેશમાં વિવિધ ધર્મના લોકો પોતાના ધર્મનુ પર્વ મનાવવાનુ ચુકતા નથી, તેવીજ રીતે દેશનું ચુંટણી પર્વ મનાવવામાં પણ તેટલુજ મહત્વ આપવુ જોઈએ. મહેસાણા જીલ્લાનીજ વાત કરીએ તો જીલ્લા ચુંટણી અધિકારી એમ. નાગરાજનના માર્ગદર્શનમાં અત્યારે આખા જીલ્લાનુ વહિવટી તંત્ર તમામ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે છેલ્લા બે મહિનાથી કામે લાગ્યુ છે. મતદાન કરવા મતદારોમાં જાગૃતિ આવે તે માટે એક નહી પરંતુ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. શહેર અને ગામડામાં શાળાઓ, કોલેજો, આંગણવાડીના વિવિધ ઘટકો, સખીમંડળની બહેનો, યુવકો, યુવતીઓ વિગેરે દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી, માનવ સાંકળ, રેલીઓ, નાટકો, ભીંત સુત્રો, પોસ્ટરો જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ વર્ષે ચુંટણી પંચની સુચનાથી સ્વીપ કામગીરી પણ કરવામાં આવી છે. જેમાં સોસાયટી, મહોલ્લા, મોટા ઔદ્યોગીક એકમોમા મતદાનનુ કેટલુ મહત્વ છે તેનુ માર્ગદર્શન આપી મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચુંટણીની કેટલીક સભાઓમાં મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરાવે છે તેની પાછળ પણ મતદાર જાગૃતિનો તર્ક રહેલો છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે દેશની રાજકીય પાર્ટીઓ પણ પ્રયત્નશીલ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીનુ કામ અવ્વલ દરજ્જાનુ કહી શકાય. મતદારો ઘરની બહાર નિકળી મતદાન કેન્દ્રો સુધી પહોચે તે માટે બુથ પ્રમુખો અને પેજ પ્રમુખોની આખી ફૌજ ઉભી કરી છે. મતદાનના દિવસે જાહેર રજા આપવામાં આવે છે. ત્યારે કેટલાક મતદારો પરિવાર સાથે ફરવા જવા માટે રજાઓ ઉપયોગ કરે છે. મતદારો પોતાના પસંદગીના પક્ષની તરફેણ કરે છે અને ન ગમતા પક્ષની આલોચના પણ કરે છે, પરંતુ ચુંટણીના સમયે મતદાનમાં નિરસતા દાખવે છે. મતદારોને એટલા માટે મતદાતા કહેવામાં આવે છેકે તેમને આપેલા મતથી લોકશાહી ટકી રહી છે. લોકસભાની ચુંટણી સાત તબક્કામાં ચાલી રહી છે. બે તબક્કાની યોજાયેલ ચુંટણીમાં પ્રથમ તબક્કામાં ૬૬ ટકા તથા બીજા તબક્કામાં ૬૧ ટકા સરેરાશ મતદાન થયુ છે. ગત ચુંટણી કરતા સરેરાશ ઓછુ મતદાન થતા ચુંટણી પંચ સાથે રાજકીય પાર્ટીઓની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ સીટોનો સમાવેશ થાય છે. આવતી કાલ તા.૭-૫-૨૦૨૪ નો દિવસ એ ત્રીજા તબક્કાની ચુંટણીનો મતદાન દિન છે. દેશના કરોડો મતદારોમાં ૩૦ થી ૪૦ ટકા મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નથી. આ મતદારોના મતે એવુ હોય છેકે આપણા એક મતથી શુ ફરક પડવાનો છે. પરંતુ ચુંટણી પંચ એક મતદાર માટે બુથ ઉભુ કરીને દેશના મતદારોને સંદેશો આપે છેકે લોકશાહીમાં એક મતનુ પણ ઘણુ મૂલ્ય છે. ગુજરાતમાં ઉંડા જંગલો, દરિયાઈ ટાપુ અને પર્વત જેવા દુર્ગમ વિસ્તારો આવેલા છે. ગીર સોમનાથના ઉનાનુ બાણેજ પોલીંગ બુથ ફક્ત એક મતદાર માટે ઉભુ કરવામાં આવ્યુ છે. જ્યા મંદિરના એક પુજારી માટે ફોરેસ્ટ ઓફીસમાં બુથ બનાવવામાં આવ્યુ છે. ઉનામા ગીર સોમનાથના જંગલની અંદર નાનો નેસ આવેલો છે. જેમાં કુલ ૪૨ મતદારો છે. આ મતદાર મતદાનથી વંચીત ન રહે તે માટે તંબુમાં બુથ ઉભુ કરવામાં આવ્યુ છે. વિસાવદર મત વિસ્તારમાં ઉંડા જંગલમાં સંદેશા વ્યવહારનુ એક માત્ર સાધન વાયરલેસ સેટ છે. જ્યા ૧૨૧ મતદારો માટે કનકઈ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ છે. પહાડી વિસ્તાર અને જંગલથી ઘેરાયેલા ડેડિયાપાડામા આદિવાસી વસતી ધરાવતા ૧૩૪ મતદારો માટે બુથ બનાવવામાં આવ્યુ છે. આ સીવાય ગુજરાતમાં એવરી વોટ કાઉન્ટ્‌સના અભિગમથી જ્યા પરિવહનની પણ વ્યવસ્થા નથી તેવા ટાપુઓમાં રહેતા મતદારો માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધ ચુંટણીઓમાં એક મતથી અનેક ઉમેદવારોની હારજીત થઈ છે. ચાલવામાં સક્ષમ ન હોય તેવા દિવ્યાંગો અને દ્રષ્ટિહિન લોકો પણ મતદાન કરી લોકશાહીનુ મહત્વ કેટલુ છે તે સંદેશો આપે છે. ત્યારે ઉનાળાના ધોમધખતા તાપમાં ગરમીની પરવા કર્યા વગર ચુંટણીના આ મહાપર્વનુ મહત્વ સમજી આવો સૌ અવસર લોકશાહીનો ઉજવીએ…

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts