Select Page

આપણુ પાલન પોષણ કરનાર ધરતી માતાનુ ઋણ ચુકવીએ

આપણુ પાલન પોષણ કરનાર ધરતી માતાનુ ઋણ ચુકવીએ

પૃથ્વીને નુકશાન એટલે દરેક જીવના અસ્તિત્વને નુકશાન

તંત્રી સ્થાનેથી…

વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વના ૧૯૨ દેશો દ્વારા ઉજવવામાં આવે છે. ૧૯૬૯ મા અમેરિકાના કેલિફોર્નિયાના સાંતા બાર્બરમા તેલના ફેલાવાના કારણે એક દુર્ઘટનામા અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. ત્યારથી પ્રકૃતિ પ્રેમીઓ ભવિષ્યના વિકસિત વિશ્વનો વિચાર કરી વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરી રહ્યા છે. ભારતમાં હિન્દુ સંસ્કૃતિમાં ધરતીને આપણે મા કહીએ છીએ. માતા જેમ તેના બાળકનુ પાલન પોષણ કરે તેવીજ રીતે આપણા પાલન પોષણમાં ધરતીનુ મહત્વનુ યોગદાન હોવાથી ધરતી માતા કહીએ છીએ. તેમ છતા આપણે આપણા જીવનમાં જનેતાને જેટલુ દુઃખ આપતા નથી તેટલુ દુઃખ ધરતી માતાને આપીએ છીએ. જેની અસરો વાયુ મંડળ અને પર્યાવરણ ઉપર પણ વર્તાય છે. વિશ્વના લાખ્ખો પ્રકારના જીવમાં એક માનવ જીવ એવો છેકે જે પોતાના સ્વાર્થમા અન્ય કોઈનો વિચાર કરતો નથી. વિશ્વના વિકસિત દેશો અને આ દેશોના ઉદ્યોગપતિઓને આગળ વધવાની એટલી આતુરતા થઈ છેકે તેમના કારણે પૃથ્વી અને પર્યાવરણને કેટલુ નુકશાન થાય છે તે વિચાર કરતા નથી. ૧૯૭૦ થી ૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. આ દિવસ એટલા માટે ઉજવાય છેકે લોકો પર્યાવરણની સુરક્ષા માટે વધુમાં વધુ જાગૃત બને. ઔદ્યોગીકરણના કારણે જે નુકશાન થઈ રહ્યુ છે તેની ભયંકરતા વિશે લોકો સમજે અને જાણકારી મેળવીને અટકે. વસતી દિવસે ને દિવસે વધી રહી છે. કોઈ માણસ પોતાના માટે ઘર બનાવે છે તો અન્ય જીવોના ઘરનો નાશ કરે છે. વિકાસ માટે આડેધડ નિયમો વગર વૃક્ષ છેદન કરવામાં આવતા જેની આડ અસર રૂપે ધરતી પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે આજે દુનિયાના દરેક ખૂણે તેની આડ અસર જોવા મળી રહી છે. ક્યાંક કમોસમી વરસાદ, તો ક્યાંક અચાનક ગરમીમાં વધારો થયો છે તો ક્યાક ગરમ વિસ્તારોમાં ઠંડી પણ વધી છે. પૃથ્વી પરના અબજો લોકો એક સાથે રહે અને પૃથ્વી સામે સબંધિત પર્યાવરણીય પડકારો જેમ કે, આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણનો સામનો કરવા માટે સામુહિક પ્રયાસો કરે તે માટે વિશ્વ પૃથ્વી દિવસે પર્યાવરણની રક્ષા અને પૃથ્વીને બચાવવા માટે જાગૃતિ કાર્યક્રમો કરીને સંકલ્પ લેવામાં આવે છે. માનવ જીવન અન્ન અને પાણી ઉપર નિર્ભર છે, પરંતુ જળવાયુ ચક્રના સંકટે આ બન્ને ઉપર અસર કરી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે એ પરિસ્થિતિ થઈ છેકે ખેડૂત નક્કી નથી કરી શકતા કે ક્યારે વાવણી કરવી અને ક્યારે કાપણી કરવી. જળવાયુ પરિવર્તનથી પીવાના પાણીનુ સંકટ પણ સમગ્ર વિશ્વ ઉપર વર્તાઈ રહ્યુ છે. દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ અલગ અલગ થીમ ઉપર મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૦ માં ક્લાઈમેટ એક્શન, વર્ષ ૨૦૨૧ મા અવર અર્થ રિસ્ટોર, વર્ષ ૨૦૨૨ મા ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ, વર્ષ ૨૦૨૩ માં પણ ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ તથા આ વર્ષે ૨૦૨૪ મા પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટીક થીમ ઉપર આ દિવસ ઉજવાય છે. પ્લાસ્ટીક આપણા પર્યાવરણ, નદીઓ, વાતાવરણ અને ખાદ્ય વસ્તુઓમાં પણ પ્રવેશી ગયુ છે. આ વર્ષની થીમ લોકોને પ્લાસ્ટીક વપરાશ ઓછો કરવા, રિસાયકલ ઉત્પાદનોનો ઉપયોગ કરવા તથા પ્લાસ્ટીક નિકાલને વધુ અસરકારક બનાવવા આહવાન કર્યુ છે. માનવ જીવન સહિત જીવમાત્રનુ પાલન પોષણ કરવા ધરતી માતાનુ ઋણ અદા નહી કરીએ તો તેની ખરાબ અસરો આપણા ઉપરજ થવાની છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ધરતી માતાનુ ઋણ અદા કરવા પૃથ્વીને બચાવવા માટે આપણે આપણી આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, તેનાથી પર્યાવરણ સ્વચ્છ બનશે અને પર્યાવરણ સંતુલનમાં મદદ મળશે. આજની બદલાયેલી સ્થિતિ જોઈને એવા છોડ વાવવા જોઈએ કે જેમાંથી આપણને ફળ, શાકભાજી, ઘાસચારો મળી રહે. એવો પણ સંકલ્પ લેવો જોઈએ કે આપણી આસપાસ, આપણા ઘરમા કે બીલ્ડીંગમા કે કોઈપણ જગ્યાએ કચરો છુટો ફેકીશુ નહી. વિજળીનો વધુ પડતો ઉપયોગ પણ ગ્લોબલ વોર્મિંગ પર મોટી અસર કરે છે. જેથી ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ. પ્લાસ્ટીકનો ઓછામા ઓછો ઉપયોગ કરવાનો પણ સંકલ્પ લેવો જોઈએ. વિશ્વ પૃથ્વી દિવસને જો સાચી રીતે સમજી જાગૃત નહી બનીએ તો લાંબાગાળે તેની આડ અસર આપણી આવનારી પેઢીનેજ સહન કરવાની થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts