Select Page

તાલુકાના મોટા ગામની રેશનીંગ દુકાનના સંચાલકને દમ મારી વિસનગર પુરવઠા શાખાના અધિકારીએ રૂા.૧૫૦૦૦નો તોડ કર્યાની ચર્ચા

વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખાના અધિકારીએ ચુંટણી કામગીરીની વ્યસ્તતામાં પણ રેશનીંગની દુકાનોમાં ઓચિંતુ ચેકીંગ કર્યુ હતુ. જેમાં પુરવઠા અધિકારીએ મોટા ગામ ના એક રેશનીંગની દુકાનના સંચાલકનું નાક દબાવી રૂા.૧૫૦૦૦નો તોડ કર્યો હોવાનું ચર્ચાય છે. આ મામલો તાલુકાના ભાજપના એક હોદ્દેદાર સુધી પણ પહોચ્યો છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ સત્ય હકીકત જાણી પુરવઠા શાખાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે તેવી લોકમાગણી ઉઠી છે.
પુરવઠા અધિકારીએ રૂા.૧૫૦૦૦નો તોડ કર્યો હોવાનો મામલો તાલુકાના ભાજપના એક હોદ્દેદાર સુધી પહોચ્યો છે. ચુંટણી બાદ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને તોડ મામલે રજુઆત કરાશે
અત્યારે સરકારી કચેરીમાં લેતીદેતીના વ્યવહાર વગર કોઈ કામ થતા નથી. જાગૃત નાગરિકો દ્વારા પુરાવા સાથે ભ્રષ્ટાચારી બાબુઓ વિરૂધ્ધ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને ફરિયાદો પણ થાય છે. પરંતુ મતોના રાજકારણમાં ભ્રષ્ટાચારીઓ સામેની તપાસમાં ભીનુ સંકેલાઈ જાય છે. વિસનગર મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં ઘણા સમયથી વચોટીયા રાજ ચાલતુ હોવાનું ચર્ચાય છે. પરંતુ મહેસુલ ખાતાના ઉચ્ચ અધિકારી કે તાલુકાના એકપણ જનપ્રતિનિધિએ આ ચર્ચાને ગંભીરતાથી નહી લેતા રેશનીંગની દુકાનના સંચાલકો અને ગરીબ રેશનકાર્ડ ધારકો લુંટાઈ રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા પુરવઠા અધિકારીએ લોકસભાની ચુંટણી કામગીરીની વ્યસ્તતામાં કેટલીક રેશનીંગની દુકાનોમાં ઓચિંતુ ચેકીંગ કર્યુ હતુ. જેમાં તેમને તાલુકાના મોટા ગામના રેશનીંગની દુકાનમાં સરકારી અનાજના જથ્થાની તપાસ કરી જથ્થાનો સ્ટોક મેળવ્યો હતો. તપાસ દરમિયાન ગામના રેશનીંગકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવેલો જથ્થો અને દુકાનના સ્ટોકમાં તફાવત જોવા મળતા પુરવઠા અધિકારીઓ રેશનીંગની દુકાનના સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. ત્યારે રેશનીંગ સંચાલકે કહ્યુ કે, અમારા ગામમાં કેટલાક રેશનકાર્ડ ધારકો પહેલા દુકાન આવી અનાજના જથ્થાની કુપન લઈ જાય છે. અને પછી ગમે ત્યારે જથ્થો લઈ જાય છે. હું બધા રેશનકાર્ડવાળાને અનાજનો જથ્થો આપુ છું. તમે મારી સામે કોઈ કાર્યવાહી ન કરતા. રેશનીંગના સંચાલકની રજુઆત બાદ પુરવઠા અધિકારીએ રૂા.૧૫૦૦૦નો તોડ કર્યો હોવાની ચર્ચાએ ગામમાં જોર પકડ્યુ છે. આ તોડપાણીની ચર્ચા તાલુકાના ભાજપના એક હોદ્દેદારના કાને આવતા તેમને દુકાનદાર પાસેથી સાચી હકીકત જાણી આ બાબતે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને ફરિયાદ કરવાની ખાત્રી આપી હતી. હવે ભાજપના આ હોદ્દેદાર રેશનીંગના સંચાલકને ન્યાય આપવામાં કેટલા સફળ થાય છે તેની ગ્રામજનો રાહ જોઈને બેઠા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts