હીરાબાના સ્વર્ગવાસ પ્રસંગે વડાપ્રધાન મોદીનુ ચોકાવનારૂ સાદગીભર્યુ વ્યક્તિત્વ
માતૃધર્મ નિભાવ્યા પછી રાષ્ટ્રધર્મ દર્શાવ્યો
તંત્રી સ્થાનેથી…
નરેન્દ્રભાઈ મોદી આફતને અવસરમાં બદલાવામાં માહેર છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે અને દેશના વડાપ્રધાન પદે છે ત્યારે ભુકંપ, વાવાઝોડુ, પૂર, રોગચાળાની મહામારી, નોટબંધીની કટોકટી વિગેરે આફતોને અવસરમાં બદલી નાખ્યા છે. વડાપ્રધાનનો પહેરવેશ તથા રહેણી કરણી એક દંભ હોવાનો ટીકાકારોએ પ્રતિભાવ આપ્યો છે. ત્યારે હીરાબાની માતૃછાયા ગુમાવતા આવી પડેલી આ આફતને અવસરમાં બદલી રાજકીય લાભ મેળવવાની જગ્યાએ વડાપ્રધાન મોદીએ સાદગીભર્યુ વ્યક્તિત્વ દાખવી વિરોધીઓને ચોકાવી તેમના મોં સીવી નાખ્યા છે. દેશનો ઉચ્ચ હોદ્દો સંભાળતા નેતાના પરિવારમાં મૃત્યુ પ્રસંગે રાજકીય ખર્ચે થતી અંતિમવિધિના પ્રસંગો જોયા છે. ત્યારે હીરાબાના અવસાન પ્રસંગે સરકારી મશીનરીના દુરઉપયોગ વગર સાદગી અને એક સામાન્ય પરિવારના વ્યક્તિની જેમ અંતિમવિધિ થતા વડાપ્રધાન મોદીએ કરોડો દેશવાસીઓના દિલ જીતી લીધા છે. હીરાબાનુ અવસાન થતાજ પ્રથમ તો વડાપ્રધાન મોદીએ “આ દુઃખદ પળ અમારા પરિવાર પુરતી સીમીત રાખવાની ઘટના છે” તેવો સંદેશો આપી મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને મહાનુભાવોને ગાંધીનગર આવતા અટકાવ્યા. હીરાબાનુ અવસાન થતા લોકોનુ અનુમાન હતુ કે પુરી ઝાકમજોળ સાથે અંતિમવિધિ થશે. અત્યાર સુધી જોતા આવ્યા છીએ તેમ મોટા રાજનેતાના પરિવારની જેમ હીરાબાના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. મોટા દિગ્ગજો શ્રધ્ધાંજલિ આપવા માટે આવશે. મોટી અંતીમ યાત્રા નિકળશે. રોડની બન્ને બાજુ માનવ મહેરામણ શ્રધ્ધાંજલિ આપવા માટે ઉભો હશે. સ્મશાન યાત્રામાં સરકારી મશીનરીનો કાફલો હશે. સ્મશાનગૃહમાં પગ મુકવાની જગ્યા નહી હોય. પરંતુ ગણતરીના કલાકોમાં સવારે લોકોને જાણ થાય તે પહેલા તો અગ્નિસંસ્કાર વિધિ પતી ગઈ. વડાપ્રધાન મોદી સરકારી ગાડીમાં બેસવાની જગ્યાએ એક સામાન્ય નાગરિકની જેમ મુક્તિવાહિનીમાં બેસી સ્મશાને પહોચ્યા. સવારથી મીડિયાનુ લાઈવ કવરેજ કરાયુ નથી. મહાનુભાવોને અંતિમ દર્શનનો મોકો મળતો નથી. મોટા રાજનેતા પરિવારની જેમ અંતિમ સંસ્કારની કોઈ ભવ્યતા જોવા મળતી નથી. રસ્તામાં ટ્રાફીક જામ તથા ટોળા જોવા મળતા નથી. અંતિમ સંસ્કારમાં રાજકીય સન્માનનો દંભ જોવા મળ્યો નથી. અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડાનો ખડકલો જોવા મળતો નથી. શિયાળાની સવારમાં લોકો ઉઠે તે પહેલા તો સામાન્ય પરિવારમાં જે રીતે મૃત્યુ પ્રસંગે વિધિ અને અંતિમવિધિ થાય છે તેજ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાના અવસાન નિમિત્તે પુરી સાદગીથી અંતિમવિધિ કરવામાં આવી. માત્ર એક કૌટુંબીક પ્રસંગને અનુરૂપ પુરી સાદગીથી અંતિમ વિધિ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદી પણ દેશના વડાપ્રધાનની જેમ નહી પરંતુ એક માતાના સામાન્ય પુત્રની જેમ જોવા મળ્યા હતા. પરિવારનુ પાલન પોષણ કરવા હીરાબાએ જે રીતે મજુરી કરી તે યાદ કરી વડાપ્રધાન મોદી ઘણી વખત ગદગદીત થયા હતા. ગુજરાત આવે ત્યારે માતાના મળવા માટે વડાપ્રધાન મોદી અચુક સમય કાઢતા. માતા પ્રત્યેનો આટલો પ્રેમ હતો ત્યારે માતાના અવસાનની વેળા પુત્ર માટે દુઃખદ હોય. તેમ છતા વડાપ્રધાન મોદીએ માતૃધર્મ નિભાવવાની સાથે રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો. હીરાબાની અંતિમ વિધિના થોડા સમય બાદ વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાવડા સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી ટ્રેનનુ પ્રસ્થાન કરાવ્ય હતુ. ત્યારબાદ કોલકતામાં ગંગા બેઠકમાં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. માતા હીરાબાની અંતિમ વિધિમાં સામાન્ય પરિવારની જેમ સાદગીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનુ માન સન્માન દેશના લોકોમાં વધ્યુ છે.