Select Page

કડામાં રાજપૂત યુવાનોએ ભાજપની સભાનો વિરોધ કર્યો

મહેસાણા બેઠકના ભાજપના ઉમેદવારના ચુંટણી પ્રચાર દરમિયાન

  • વિસનગર તાલુકામાં રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં માત્ર કડામાં જ ભાજપની સભામાં કેમ વિરોધ થયો તે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિચારવા જેવુ છે
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા વિરૂધ્ધ કરેલા નિવેદનને લઈ રાજ્યભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભારે રોષ ભભુક્યો છે. જેમાં વિસનગર તાલુકાના કડા ગામના રાજપૂત સમાજના યુવાનોએ લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની ચુંટણી સભા દરમિયાન ભાજપ અને પરસોત્તમ રૂપાલા વિરોધમાં સુત્રોચ્ચાર કરતા પોલીસે તેમને ડીટેઈન કર્યા હતા અને સભા પુરી થયા બાદ તમામ યુવાનોને છોડી મુક્યા હતા. જોકે વિસનગર તાલુકામાં રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં માત્ર કડામાં જ ભાજપનો વિરોધ કેમ થયો તે મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.
લોકસભાની ચુંટણી પુર્વે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજ વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી. પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીથી રાજ્યભરમાં રાજપૂત સમાજમાં ભારે રોષ ભભુક્યો છે. રાજપૂત સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માગણી કરી હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ નહી કરતા રાજ્યમાં ક્ષત્રિય રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં ભાજપ અને પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમોમાં વિરોધ થઈ રહ્યો છે. જેમાં વિસનગર તાલુકાના કડા ગામમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની ચુંટણી પ્રચાર માટે સભાનુ આયોજન કરાયુ હતુ. ત્યારે સભા પહેલા ગામના રાજપૂત સમાજના યુવાનોએ સભા સ્થળથી ૨૦૦ મીટર દુરથી ભાજપ અને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસે ભાજપ અને રૂપાલાનો વિરોધ કરનાર તમામ રાજપૂત યુવાનોને ડીટેઈન કર્યા હતા.અને સભા પુર્ણ થયા બાદ તમામ યુવાનોને છોડી મુક્યા હતા. આ વિરોધ બાબતે ગામના પુર્વ સરપંચ જશવંતસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, અમારા ગામના ૫૦ જેટલા રાજપૂત યુવાનોએ ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાના વિરોધમાં મારા ઘર ઉપર પત્થરમારો અને ફટાકડા ફોડી મારો વિરોધ કર્યો હતો. અને ભાજપમાંથી રાજીનામું આપવા દબાણ કર્યુ હતુ. ત્યારે ભાજપના કાર્યકરોમાં એવી ચર્ચા હતી કે વિસનગર તાલુકો વર્ષોથી ભાજપનો ગઢ મનાય છે. અત્યારે લોકસભાની ચુંટણીના પ્રચાર કાર્યક્રમ દરમિયાન તાલુકાના રાજપૂતોની જનસંખ્યા ધરાવતા ગામોમાં પણ ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને સારો આવકાર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ભાજપના આ ચુંટણી પ્રચારના કાર્યક્રમમાં માત્ર કડા ગામમાંજ રાજપૂત યુવાનોએ ભાજપ અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કેમ કર્યો તે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિચારવા જેવુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts