Select Page

આરોગ્ય મંત્રીના શહેરમાં ડેન્ગ્યુનો તરખાટ-બાળકનુ મૃત્યુ

આરોગ્ય મંત્રીના શહેરમાં ડેન્ગ્યુનો તરખાટ-બાળકનુ મૃત્યુ

લોકો સારવારમાં વ્યસ્ત જ્યારે મંત્રીશ્રી લોકસંપર્કમાં અને પ્રમુખ પ્રવાસમાં મસ્ત

  • શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો, ગંદકી, ખુલ્લી કેનાલોના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નિકળ્યો

કેબીનેટ કક્ષાના આરોગ્ય મંત્રીના શહેરમાં ડેન્ગ્યુ રોગના દર્દિઓ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, ગંદકી અને ખુલ્લી કેનાલોના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભોગ બનેલ લોકો સારવારમાં વ્યસ્ત છે. જ્યારે કેબીનેટ મંત્રીશ્રી લોકસંપર્કમાં અને પાલિકા પ્રમુખ પ્રવાસમાં મસ્ત છે. મંત્રીશ્રીના નિવાસ્થાને રાજકીય મીટીંગો થાય છે. ત્યારે શહેરમાં ફેલાયેલા ડેન્ગ્યુના રોગને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય વિભાગ કે પાલિકા તંત્ર સાથે કોઈ મીટીંગ થઈ હોવાનુ જાણવા મળ્યુ નથી. ડેન્ગ્યુના કારણે એક બાળકનુ મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે. દરેક વિસ્તારમાં ડેન્ગ્યુના દર્દિના ખાટલા મંડાયા છે. ત્યારે કેબીનેટ મંત્રીનુ શહેર હોવા છતા આખુ તંત્ર નિંદ્રાધીન હોય તેમ જણાય છે. સ્વચ્છતા માટેનો કોઈ એક્શન પ્લાન નહી ઘડાય તો હજુ વધુ લોકો રોગનો ભોગ બને તેમ છે.
કેબીનેટ કક્ષાના મંત્રી એમાંય આરોગ્ય મંત્રીનો મત વિસ્તાર હોઈ ત્યા લોકોના આરોગ્ય માટે તંત્ર સાબદુ રહેશે, મંત્રીશ્રીના શહેર વિસ્તારમાં પાલિકા તંત્ર સ્વચ્છતા માટે સાબદુ રહેશે, શહેરમાં ક્યાંય કચરો ન હોય, ક્યાંય ગંદકી ન હોય, ક્યાંય ગટરો ઉભરાતી ન હોય તેવી ધારણાઓ હતી. પરંતુ વિસનગરના ધારાસભ્ય આરોગ્ય મંત્રી બન્યા પછી પહેલાની જેમજ સામાન્ય સ્થિતિ જોવા મળતા લોકોની માન્યતાઓ અને ધારણાઓ ખોટી પડી છે. શહેરની પરિસ્થિતિ એવી છેકે ઠેર ઠેર ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. એક પણ વિસ્તાર એવો નથી કે જ્યા ડેન્ગ્યુનો દર્દિ ન હોય.
આરોગ્ય વિભાગ અને વિસનગર પાલિકાની નિષ્કાળજીના કારણે ફતેહ દરવાજા વાલ્મીકી વાસમાં ધો.૧૦ માં અભ્યાસ કરતા એક બાળકનુ ડેન્ગ્યુના કારણે મૃત્યુ થતા આરોગ્ય મંત્રી પદનો શુ લાભ થયો તેવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વાલ્મીકી વાસમાં રહેતા રીક્ષા ચાલક નરેશભાઈ જયંતિભાઈ રાઠોડનો ૧૫ વર્ષની ઉંમરનો પુત્ર દેવાંગ રાઠોડ પંદરેક દિવસ પહેલા તાવ આવ્યો હતો. સિવિલમાં રીપોર્ટ કઢાવતા ડેન્ગ્યુ નેગેટીવ આવ્યો હતો. તાવ નહી ઉતરતા દરબાર રોડ ઉપર ખાનગી ક્લીનીકમાં સારવાર લીધી હતી. ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટ કઢાવતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો. દરબાર રોડ ઉપરના તબીબની સારવાર ચાલુ રાખતા બાળકની તબીયત વધારે બગડતા એસ.ટી.સ્ટેન્ડ સામે ર્ડા.ભરતભાઈ પટેલના ત્યા સારવાર માટે લઈ ગયા હતા. જ્યાંથી મહેસાણા લઈ જતા બાળકનુ રસ્તામાં પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. ત્યારબાદ ઉંઘમાંથી જાગીને પાલિકા તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સીવાય ફતેહ દરવાજા વિસ્તારમાં પાછલી શેરીમાં રહેતો ક્રીન્સ દર્શનભાઈ પટેલ ઉં.વ.૪, વણકરવાસમાં રહેતો સ્મિત અરવિંદભાઈ પરમાર ઉં.૧૧, વસંતાબાવાની શેરીમાં માન્યા અંકિતભાઈ પટેલ ઉં.૬, ગ્રેના અંકિતભાઈ પટેલ ઉં.૧૩ આ બાળકો પણ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનુ જાણવા મળ્યુ છે. નવાઈની બાબત તો એ છેકે વાલ્મીકીવાસમાં રહેતા સફાઈ કામદારો શહેરની સફાઈ કરે છે. પરંતુ સફાઈ કામદારોના વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ સફાઈ થતી નથી. આ સીવાય શહેરના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકા કે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ કંટ્રોલમાં કરવા કોઈ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us