Select Page

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ હવે લાલ આંખ નહી કરે તો… સ્ટેશન રોડ ઉપરના માર્કેટોમાં વિદેશી દારૂની હાટડીઓ મંડાશે

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ હવે લાલ આંખ નહી કરે તો… સ્ટેશન રોડ ઉપરના માર્કેટોમાં વિદેશી દારૂની હાટડીઓ મંડાશે

વિસનગરનુ હિરા બજાર એ શહેરના પ્રતિષ્ઠીત માર્કેટો પૈકીનુ એક માર્કેટ હતુ. આ માર્કેટ સાંજ પડે દારૂ પીવાનુ સ્થળ તો હતુજ. પરંતુ માર્કેટના અગ્રણી વેપારીઓ અસમાજીક બદી સામે ચુપ રહેતા હવે તો માર્કેટની દુકાનમાં વિદેશી દારૂની બોટલો વેચાઈ રહી છે. સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન.ગઢવીએ બાતમી આધારે રેડ કરતા ભાડે રાખેલી દુકાનમાંથી વિદેશી દારૂની ૩૨૨ બોટલોનો જથ્થો ઝડપાયો હતો. માર્કેટના કેટલાક વેપારી શહેરની પંચાત કરે છે. પરંતુ તેમના માર્કેટ બાબતે કંઈ બોલી શકતા નથી તે પણ હકીકત છે. નોધ પાત્ર બાબત છેકે, ઋષિભાઈ પટેલના ધારાસભ્ય કાળમાં વિદેશી દારૂના બુટલેગરોને દોરડે બાધી સ્ટેશન રોડ ઉપર વરઘોડુ કાઢ્યુ હતુ. અત્યારે કેબીનેટ મંત્રીના સમયમાં પરિસ્થિતિ બદલાય છે. શહેરના બહારના દરેક વિસ્તારોમાં છુટથી વિદેશી દારૂ વેચાય છે અને હવે તો કોઈ રોકટોક નહી હોવાથી શહેર મધ્યેના માર્કેટની દુકાનમાં વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. હવે તો લોકો ટીખ્ખળ કરી રહ્યા છેકે, હિરા બજારની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તો, વર્ષો પહેલાની જેમ ડોસાભાઈ બાગ આગળ પણ લારીઓ વિદેશી દારૂ વેચાશે!
લોકોની ટીખ્ખળમાં પણ ગંભીરતા હિરા બજારની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તો, વર્ષો પહેલાની જેમ ડોસાભાઈ બાગ આગળ પણ લારીઓમાં વિદેશી દારૂ વેચાશે..!
વિસનગરમાં ત્રણ દરવાજા ટાવર પાસે આવેલ હિરા બજાર માર્કેટનો એક સમયે એવો દબદબો હતો કે, માર્કેટ હિરાના કાચા અને તૈયાર માલના વેપારથી ધમધમતુ હતુ. વર્ષે આ માર્કેટમાં કરોડોના હિરાનો વેપાર થતો હતો. અત્યારે પરિસ્થિતિ એવી છેકે સાંજ પડે દારૂ પીવાની તથા દારૂની બોટલો વેચવાની બદી ફુલીફાલી છે. વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન.ગઢવી, એ.એસ.આઈ.બળવંતસિંહ શીવાજી વિગેરે સ્ટાફ સાથે શહેરમાં પેટ્રોલીંગ કરતા હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, કડા દરવાજા વચલી શેરીમાં રહેતો પટેલ આનંદ રમણલાલ ત્રણ દરવાજા પાસે આવેલ હિરા બજાર માર્કેટમાં મીનાબેન મહેન્દ્રકુમાર પટેલની દુકાન ભાડે રાખી તેમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી આનંદ પટેલ મળી આવ્યો હતો. જેને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા દુકાનમાં કાચના પાર્ટીશનવાળી બે કેબીન હતી. જેમાં અંદરના ભાગે આવેલ કેબીનમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની ૩૨૨ બોટલો મળી આવી હતી. પોલીસે રૂા.૩૫,૮૯૫/- ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. વિસનગર ડી.વાય.એસ.પી. ઓફીસને અડીને તથા સીટી પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટરના અંતરે હિરા બજાર આવેલુ છે. ત્યારે શહેરની મધ્યે આવેલા આ માર્કેટમાં કોના આશિર્વાદથી વિદેશી દારૂનો વેપાર થતો હતો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના બહારના વિસ્તારોમા તો છુટથી દારૂ વેચાય છે. ત્યારે હવે ધમધમતા બજાર વિસ્તારમાં વિદેશી દારૂ વેચવાની બુટલેગરોની હિંમત થતા હવે તો એવી ચર્ચાઓ થઈ રહી છેકે, અગાઉની જેમ ડોસાભાઈ બાગ આગળ લારીઓમાં દારૂની બોટલો વેચાશે!
વિદેશી દારૂના બુટલેગરોને કરવામાં આવતી રાજકીય આળપંપાળ એક દિવસ વિસનગર માટે ખતરનાક સાબીત થશે
લગભગ ૪૦ થી ૪૫ વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે શહેરના અસમાજીક તત્વોના કારણે ડોસાભાઈ બાગ આગળ લારીઓમાં બોટલો વેચાતી હતી. તે વખતે પણ આ તત્વોની રાજકીય છત્રછાયા હતી. અત્યારે પણ રાજકીય છત્રછાયામાં બુટલેગરોને છુટો દોર મળ્યો છે. રાજકીય આળપંપાળથી વિદેશી દારૂનો મોટાપાયે વેપાર થઈ રહ્યો છે. બુટલેગરોને છુટછાટ મળતા હવે શહેર મધ્યે ધમધમતા વિસ્તારમાં આવેલ માર્કેટની દુકાનમાં વિદેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આ બદી ડામવા કડક સુચના નહી આપે તો સ્ટેશન રોડના વિવિધ માર્કેટમાં વિદેશી દારૂની હાટડીઓ મંડાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us