Select Page

ભાજપના ગઢમાં ૧ લાખની લીડની મથામણ વિસનગરના ૨.૩૪ લાખ મતદારો લીડનુ ભાવી નકકી કરશે

લોકસભાની ચુંટણીમાં ત્રીજા તબક્કાનુ મતદાન આવતી કાલે થવાનુ છે. ત્યારે મતદારોને રીજવવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કોઈ કચાસ બાકી રાખી નથી. વિસનગર વિધાનસભા સીટ એ ભાજપનો ગઢ છે ત્યારે આ મત વિસ્તાર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલથી પ્રભાવિત છે. કેબીનેટ મંત્રીએ ચાર ટર્મમા કરેલા વિકાસ કામોને યાદ કરાવી શહેર અને તાલુકાના મતદારો પાસે ભાજપના ઉમેદવારને ૧ લાખના મતની લીડની અપેક્ષા રાખી છે. કોંગ્રેસના ઉમેદવાર રામાજી ઠાકોરના કારણે ઠાકોર સમાજના મતોનુ ધૃવિકરણ થયાની શક્યતા પણ નકારી શકાય નહી. જેથી ભાજપની લીડને બ્રેક પણ લાગી શકે છે. વિસનગરના કુલ ૨,૩૪,૨૧૦ મતદારો પોતાના મત મતપેટીમાં નાંખીને લીડનુ ભાવી નક્કી કરશે.
લોકસભાની વર્ષ ૨૦૧૯ માં ચુંટણીમા વિસનગર સીટના કુલ મતદારો ૨,૧૮,૫૬૬ હતા. જયારે લોકસભા ૨૦૨૪ મા ૧૫૬૪૪ મતદારો વધતા કુલ ૨,૩૪,૨૧૦ મતદાર નોધાયા છે. ૨૦૧૯ ની ચુંટણીમાં વિસનગર સીટમા ભાજપના શારદાબેન પટેલને ૯૧૪૯૮ તથા કોંગ્રેસના એ.જે.પટેલને ૪૭૦૬૭ મત મળ્યા હતા. શારદાબેન પટેલને ૪૪૪૩૧ ની લીડ મળી હતી. જેમાં શહેર તાલુકાનુ થઈ ૬૫.૭૫ ટકા મતદાન થયુ હતુ.
વિસનગર મત વિસ્તારમાં લોકસભા ૨૦૧૯ શારદાબેન પટેલને ૪૪૪૩૧ મતની લીડ હતી જ્યારે વિધાનસભા ૨૦૨૨ મા ઋષિભાઈ પટેલને ૩૪૫૭૨ મતની લીડ મળી હતી
કોંગ્રેસના રામજી ઠાકોરના કારણે ઠાકોર સમાજના મતોનુ ધૃવિકરણ થતા ભાજપની લીડ બ્રેક લાગી શકે
જ્યારે વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીમાં ગ્રામ્યના ૧,૭૧,૪૨૯ અને શહેરના ૫૮૧૦૮ મતદારો સાથે કુલ ૨,૨૯,૫૪૭ મતદારોમાં ૬૯.૧૧ ટકા મતદાન થયુ હતુ. જેમાં શહેરનુ ૬૩.૩૧ અને ગ્રામ્યનુ ૭૦.૯૩ ટકા મતદાન થયુ હતુ. આ ચુંટણીમાં ભાજપના ઋષિભાઈ પટેલને ૮૭૮૦૩, કોંગ્રેસના કિરીટભાઈ પટેલને ૫૩૨૩૧, આમ આદમી પાર્ટીના જયંતિભાઈ પટેલને ૧૨૪૫૦ તથા અપક્ષોને ૨૮૫૮ મત મળ્યા હતા. ઋષિભાઈ પટેલને ૩૪૫૭૨ મતની લીડ મળી હતી. વિધાનસભાની ચુંટણીની મત સંખ્યા પ્રમાણે લોકસભાની ચુંટણીમાં ૪૬૩૩ મતદાર વધ્યા છે. જેમાં શહેરમાં ૯૭૮ તથા ગ્રામ્યમા ૩૮૬૫ મત વધ્યા છે. કયા બુથમાં સૌથી વધુ અને સૌથી ઓછા મતદાર છે તે જોઈએ તો ગામડાના બુથમાં બુથ નં.૨૨ વાલમ-૬ મા સૌથી વધુ ૧૩૫૭ અને બુથ નં.૮૭ કિયાદરમાં સૌથી ઓછા ૪૬૪ મત છે. શહેરમાં બુથ નં.૧૩૪ વિસનગર ૪૧ મા ૧૫૧૩ અને બુથ નં.૧૧૨ વિસનગર-૧૯ માં ૬૧૨ મત છે. જ્યારે ગામડાના મતદારો જોઈએ તો ઉમતામા સૌથી વધુ ૭૫૫૧ મતદાર અને કિયાદરમાં સૌથી ઓછા ૪૬૪ મતદાર નોધાયા છે.
લોકસભાની આ ચુંટણીમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની રાજકીય ઈમેજ દાવ ઉપર લાગી છે. ૨૦૧૯ લોકસભામાં ભાજપને ૪૪૪૩૧ મતની લીડ વિસનગર સીટમા મળી હતી. વિધાનસભા ૨૦૨૨ મા લોકસભાની લીડને ઋષિભાઈ પટેલ વટાવી શકે તેમ હતા, પરંતુ ચૌધરી સમાજના વિરોધના કારણે ૩૪૫૭૨ મતની લીડ મળી હતી. ત્યારબાદ ઋષિભાઈ પટેલના હકારાત્મક રાજકારણથી અત્યારે ચૌધરી સમાજ ભાજપની સાથે છે. તાલુકામાં બીજા નંબરની સૌથી વધુ મત સંખ્યા ધરાવતા ઠાકોર સમાજ માટે પણ કેબીનેટ મંત્રીએ ઘણા કામ કર્યા છે. વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના કિરીટભાઈ પટેલના કારણે વાલમ ભાન્ડુ પટ્ટામા જ્યારે આમ આદમી પાર્ટીના જયંતિભાઈ પટેલના કારણે એન.એ. વિસ્તારમાં ભાજપ તરફી મતોનુ ધોવાણ થયુ હતુ. લોકસભાની ચુંટણીમાં દરેક રીતે ભાજપ તરફી સાનુકુળ વાતાવરણ જોતા મંત્રી ઋષિભાઈ પટેલે ભાજપના ઉમેદવારને વિસનગર સીટમા ૧ લાખની લીડનુ લક્ષ્યાંક રાખ્યુ છે. જોકે આ લક્ષ્યાંક હતુ તે વખતે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત પણ કરી નહોતી. ત્યારબાદ કોંગ્રેસે રામાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરતા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરફે ઠાકોર સમાજમા જનુની ચુંટણી પ્રચાર થઈ રહ્યો છે. વિસનગરમાં ઠાકોર સમાજના સમુહ લગ્નમા બેચરાજીના પૂર્વ ધારાસભ્યએ ખુલ્લા મંચ ઉપરથી કોંગ્રેસના રામાજી ઠાકોરને મત આપવા પ્રચાર કર્યો હતો. વિસનગર શહેર અને તાલુકાના ઠાકોર સમાજને મંત્રી ઋષિભાઈ પટેલે દરેક રીતે મદદ કરી હોવાથી સમુહલગ્નને રાજકીય મંચ બનાવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેનો સીધો ફાયદો પણ ભાજપને થાય તેમ છે. ભાજપના ગઢ સમાન એક તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ચાહક વર્ગ છે તો બીજી તરફ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના ચાર ટર્મના ભેદભાવ વગરના વિકાસથી પણ મોટાભાગના મતદારો પ્રભાવિત છે. લોકસભાની ચુંટણીમાં કોને કેટલી લીડ મળે છે તેતો હવે ૭ મી મેના મતદાન બાદ ચોથી જૂનના પરિણામો ઉપર ખબર પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts