પાટણ લોકસભા સીટમાં રીપીટ કરવામાં આવતા ખેરાલુમાં ભરતસિંહ ડાભીના અભિવાદનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
ખેરાલુ વિધાનસભામા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાયા પછી તેમના વાણી વર્તનથી અનેક કાર્યકરો આગેવાનો નારાજ હતા. સરદારભાઈ ચૌધરી પાસે ખેરાલુ વિધાનસભાના વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના સંગઠનના કાર્યકરો લેટરપેડ લેવા જાય તો પણ અભિમન્યુના સાત કોઠા વિધવા પડે તેવુ વર્તન થતુ હતુ. અને તે પછી પણ લેટરપેડ મળશે કે કેમ તે એક પ્રશ્ન હતો જે લોકો ધારાસભ્ય પાસે લેટરપેડ ન મેળવી શકે કે કોઈ કામ ન કરાવી શકે તે કાર્યકર દોડીને સીધો સાંસદ ભરતસિંહ ડાભી પાસે જતો હતો. નાના-મોટા દરેક કાર્યકરો અને આગેવાનોનુ ધારાસભ્ય કામ ન કરે તો સાંસદ ભરતસિંહ સાંત્વના આપી કામ માટે મદદ કરતા હતા જો ભરતસિંહ ડાભીને લોકસભાની ચુંટણીમા રીપીટ ન કર્યા હોત તો ભાજપના અસંખ્ય કાર્યકરોને રાજકીય આત્મહત્યા કરવી પડી હોત. પરંતુ હવે ફરીથી રિપીટ કરતા કાર્યકરો અને આગેવાનો પોતાના ઘરમાં લગ્ન પ્રસંગમાં ઉત્સાહિત હોય તેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર ૧ર કલાકની ટૂંકી જાહેરાતમાં ખેરાલુ વિધાનસભામાંથી હજારો કાર્યકરો ભરતસિંહ ડાભીનુ અભિવાદન અને સન્માન કરવા ઉમટી પડયા હતા. ભરતસિંહ ડાભી ખેરાલુ તાલુકામાં પ્રવેશ્યા ત્યારે સિધ્ધપુર ચોકડીથી ખેરાલુ રોડ ઉપર ઠેર ઠેર ભવ્ય સ્વાગત સન્માન કરાયુ હતુ. કોંગ્રેસના આગેવાનોએ ખેરાલુ હાઈવે ઉપર શાલ ઓઢાડી ભરતસિંહ ડાભીનુ સન્માન કર્યુ હતુ. વૃંદાવન ચાર રસ્તાથી પ્રજાપતિ સમાજની વાડી સુધી હજારો લોકો ઢોલ નગારા સાથે જોડાયા હતા.
પ્રજાપતિ સમાજની વાડી નાની પડતી હતી વાડીની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હતા. સ્વાગત સમારંભમા વધારે પ્રમાણમાં શાલ, ફુલહાર, સાફા અને પાઘડીઓ લઈ ઉમટી પડતા સ્વાગત સન્માન સમારોહ અધવચ્ચેથી અટકાવવાની એન્કર ચેતનજી ચૌહાણને ફરજ પડી હતી. સમારંભમા તમામનુ સ્વાગત કરતા ખેરાલુ વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે ગત લોકસભામા સૌથી વધુ લીડ ખેરાલુ વિધાનસભાએ આપી હતી. તેમજ ખાત્રી આપી હતી કે એક લાખથી વધુ લીડ આપીશુ. પાટણ લોકસભામાં પાંચલાખથી વધુ લીડ અપાવીશુ. વધારે લીડ અપાવીશુ તો સાંસદ કરતા ઉંચુ પદ મળશે. આપણુ બુથ આપણુ ગામ વધુમા વધુ મત આપે તેવો પ્રયત્ન કરવો પડશે. ખેરાલુ શહેરનુ એક પણ બુથ માઈનસ નહી હોય. સતલાસણાના વિરેન્દ્રસિંહ પરમારે ખાત્રી આપી છે કે સતલાસણાનુ એક પણ બુથ માઈનસ નહી હોય. ભરતસિંહ ડાભી કેન્દ્રમાં મિનિસ્ટર બને તેવી આશાઓ સાથે ખેરાલુ વિધાનસભાવતી અભિનંદન આપુ છુ. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે ભરતસિંહ ડાભી ફરીથી સાંસદ બની રહ્યા છે. તે બદલ વિધાનસભાવતી ખુબ ખુબ અભિનંદન આપુ છુ. એક તરફી કમળ તરફી વોટીંગ થવુ જોઈએ. વડાપ્રધાન આપણા વતનના છે. તેમના વતનમાં વધુમા વધુ લીડ મળવી જોઈએ. વિધાનસભામા એકપણ ઘર કે વ્યક્તિ નહી મળે જેણે સરકારી યોજનાનો લાભ ન લીધો હોય, અહી આવેલા આગેવાનો વિધાનસભાના મહત્વના લોકો છે. વધુ લીડથી વડાપ્રધાનના હાથ મજબુત કરીએ. ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે ટૂંકી નોટીસમા પધારેલા આગેવાનોનુ સ્વાગત કરુ છુ. રપપ બુથછે .અઢીલાખ મત છે. કોંગ્રેસ મરી પરવારી છે. આપણે બુથ સંભાળીએ ૧,ર૦ લાખ લીડ લેવી પડશે. રમેશભાઈ રાવતનુ બુથમાં પ૦૦ લીડ હતી તે ૭પ૦ થવી જોઈએ અમે કોના બુથમાં કેટલા મત આવ્યા તેનુ ધ્યાન રાખીશુ ગત વખતે ૬૦ની લીડ આવશે તેવુ કોઈ માનતુ નહોતુ પ્રેમથી બધા જમીને જજો. ૧૦૦૦ ઉપરાંત લોકોનો જમણવાર ભીખાલાલ ચાચરીયા અને પવનભાઈ ચૌધરી તરફથી આયોજન કરાયુ હતુ. પાટણ લોકસભાના વિસ્તારક ભગીરથસિંહે જણાવ્યુ હતુ મોદી સાહેબ જયાં જાય છે ત્યાં ભારતીય સંસ્કૃતિ અને મા ભારતીનુ ગૌરવ વધારે છે. ખેરાલુથી શંખેશ્વર સુધીનો વિસ્તાર લોકસભામા આવે છે. પાટણ લોકસભા વિસ્તારની દ્રષ્ટ્રીએ તથા વસ્તીની દ્રષ્ટ્રીએ સૌથી મોટો છે. આપણા સાંસદ ખુબજ દોડે છે. ખેડૂતોને નુકશાન હોય ત્યારે ન્યાય માંગે છે. લોકસભાની પ્રથમ યાદીમા ગૃહમંત્રી સાથે નામ આવ્યુ છે. સી.આર.પાટીલનો મંત્ર છે કે પાંચ લાખની લીડથી જીતાડીશુ. ટૂંકી નોટીસમા ઉમટી પડયા તે બદલ સૌને અભિનંદન. ર૪ ઉમેદવારે લોકસભાની ટીકીટ માંગી હતી. જેમાંથી ભરતસિંહને ટીકીટ મળી છે. છતા ર૩ ઉમેદવારોએ ભરતસિંહને વધાવી લીધા છે. જે મોદી પરિવાર કહેવાય. જયારે પણ કુદરતી આપતિ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરીવારે ઘર, પરિવાર, સગાવ્હાલા કોઈની ચિંતા કર્યા વગર સેવા કરી છે. કોરોના કાળમાં સેવા કરી છે. ખેરાલુ વિધાનસભામાંથી બે સાંસદો લડે છે. એક વારાણસીમાં અને બીજા પાટણમા ચુંટણી લડે છે. મા ભગવતીને પ્રાર્થના કરુ કે સાહેબ મંત્રી થાય તેના થી વધારે શુ જોઈએ.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે સેન્સ પ્રક્રિયામાં કહ્યુ હતુ કે ખેરાલુ વિધાનસભામા ઉમેદવાર આપો એક લાખથી વધારે લીડ આપીશુ તેની ખાત્રી આપી હતી. કોંગ્રેસમા બાકી છે તેમને પણ જોડી દેવાના છીએ. લઘુમતી સમાજે પણ કમળને મત આપવાની ખાત્રી આપી છે. ખેરાલુ વિધાનસભામાંથી સવાલાખની લીડ આપીશુ. વિધાનસભામાં પ્રથમ બુથ આવશે તેને રૂા.રપ હજાર, બીજા બુથને રૂા.૧પ હજાર અને ત્રીજાને રૂા.૧૦ હજાર આપવાની ખાત્રી આપુ છુ. લોકો ચર્ચા કરતા હતા કે ર૦રરની વિધાનસભા વખતે ધારાસભ્ય દ્વારા દરેક તાલુકામા ઈનામ આજ રીતે આપવાની વાત કરી અને ભાજપને લીડ અપાવનાર ગામને રૂા.રપ૦૦/- આપવાની વાતકરી તે પહેલા પુરુ કરો.
પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત વિધાનસભાની ટીકીટ આપી જેમા દરેક વખત લીડ વધારે આપી. લોકસભામાં પ૯હજારની લીડ આપી જેથી તમામને વંદન કરુ છુ. ટીકીટ લેવા માટે ર૪ દાવેદારો હતા. ટીકીટ મળી પછી કોઈએ એક શબ્દ પણ વિરોધમાં કહ્યો નથી. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મારામા વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ ખુબખુબ આભાર માનુ છુ. વિશ્વાસ કરવાનુ કારણ આ વિસ્તારની પ્રજા છે. ભાજપમાં આઈબી રીપોર્ટ લોકવાયકા અને પ્રજાનુ મંતવ્ય જાણી મને ટીકીટ આપી છે. સરપંચ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભાની ત્રણ ટીકીટ અને લોકસભામા વિજય તમે બધાએ અપાવ્યો છે તેનો આભાર માનુ છુ. હું સેવા કરવા હોદ્દો લઉછુ મારુ ઘર ચલાવવા હોદ્દો લેતો નથી કોઈના માટે દ્વેષભાવ રાખ્યો નથી. હવે મારી છઠ્ઠી ચુંટણી છે. ભાજપમા કેટલાય કેન્દ્રો (ભાગ) હતા હાલ બધા એક થયા છે. હવે કોઈ કેન્દ્રો ન બને તેનુ ધ્યાન રાખજો વિસ્તારનો સાથે મળી વિકાસ કરવાનો છે. ગામેગામ ઉત્સાહ જોયો છે, આજે હું કહુ છુ, પાંચથી સાત લાખ મતે જીતાશે. ખેરાલુના પનોતા પુત્રને ત્રીજી વખત હેટ્રીક સાથે વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મે કયારેય કોઈનો પૈસો લીધો નથી. કોઈને લડાવવાનુ કામ કર્યુ નથી. કોઈને નડવાનુ કામ કર્યુ નથી. ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરીએ આભારવિધી કરી હતી તેમજ તમામ કાર્યકરો આગેવાનોને ભોજન લેવા વિનંતી કરી હતી.