વિસનગરમાં કેબિનેટ મંત્રીનું ભગવો લહેરાતુ શક્તિ પ્રદર્શન
મહેેસાણા લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિસનગર ધારાસભ્ય તેમજ કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેરમાં જંગી વિશાળ બાઈક રેલી નિકળી હતી. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૪૦૦ પારના નારા સાથે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ વિસનગર વિધાનસભા મત ક્ષેત્રમાં ભગવો લહેરાતુ શક્તિ પ્રદર્શન જોવા મળ્યુ હતુ.
ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચુંટણીમા રાજ્યની ર૬ માંથી ર૬ બેઠકો પાંચ લાખ મતોની લીડથી જીતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૪૦૦ પારના લક્ષ્યાંકને સિધ્ધ કરવા ભાજપના નેતાઓ અને કાર્યકરો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક કરી રહ્યા છે. જેમાં વર્ષોથી ભાજપનો ગઢ મનાતી મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને પાંચ લાખથી વધુ લીડથી વિજયી બનાવવા માટે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ગામેગામ ચુંટણી સભાઓ અને રેલીઓમાં હાજરી આપી કાર્યકરોમાં ઉત્સાહ વધારી રહ્યા છે. વિસનગરમાં કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ અને લોકસભાના ઉમેદવાર હરીભાઈ પટેલની ઉપસ્થિતિમાં શનિવારના રોજ આગઝરતી ગરમીમાં ધારાસભ્ય કાર્યાલયથી ડી.જે.સાઉન્ડ સાથે એક કી.મી. વિશાળ બાઈક રેલી નિકળી હતી. આ રેલી શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર નિકળી ત્યારે સમગ્ર વાતાવરણ ભગવા રંગથી રંગાયુ હતુ. રેલી દરમિયાન ભાજપના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી ટી શર્ટ તથા માથે કેસરી સાફો પહેરી લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. ભાજપની આ વિશાળ બાઈક રેલી જોઈને મહેસાણા લોકસભા બેઠકમાં વિસનગર વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને ઐતિહાસિક લીડ મળશે તેવુ રાજકીય તજજ્ઞો ગણીત માંડી રહ્યા છે.
આ રેલીમાં જીલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ (આર.કે.), રાજુભાઈ ચૌધરી, મુકેશભાઈ ચૌધરી, પશાભાઈ પટેલ (ઘાઘરેટ), રજનીભાઈ પટેલ (કુવાસણા), શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, રૂપલભાઈ પટેલ સહીત શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા જોડાયા હતા.