વિસનગરની વિકરાળ બનતી ટ્રાફીક સમસ્યા નિવારવા પોલીસ લાચાર
વાહનચાલકોની પરેશાની કોઈ જોવા વાળુ કે કહેવાવાળુ નથી
વિસનગરમાં ટ્રાફીક વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે. પરંતુ ટ્રાફીક વ્યવસ્થા જાળવવામાં પોલીસે હાથ અધ્ધર કરતા શહેરના અસંખ્ય વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. આડેધડ પાર્ક કરેલા વાહનોના કારણે શહેરની એક પણ માર્ગ એવો નથી કે જ્યા ટ્રાફીક જોવા મળતો ન હોય મંત્રી ઋષિભાઈ પટેલની ગેરહાજરીમા કોઈ જોવાવાળુ કે કહેવાવાળુ નહી હોવાતી વાહનચાલકોની હાલત કફોડી બની છે.
વિસનગરમાં અત્યારે ઠેર ઠેર ટ્રાફીક સમસ્યા જોવા મળે છે. મંત્રી ઋષિભાઈ પટેલ શહેરની ટ્રાફીક સમસ્યા જોઈ નહી શક્તા અને મંત્રીશ્રીને શહેરના વાહન ચાલકોને પડતી હાલાકીની જાણ ભાજપમાથી કોઈ નહી કરતા પોલીસ બિન્દાસ્ત બનીને ટ્રાફીકનો તમાશો જોઈ રહી છે. ગત અઠવાડીયે દશેરાના દિવસે સાંજના સમયે આદર્શ વિદ્યાલયથી સવાલા દરવાજા પટેલવાડી સુધી ચક્કાજામ થઈ ગયુ હતુ. લગભગ એક કલાક સુધી ટ્રાફીક જામ રહ્યો હતો. અડધો કિ.મી.નોે રોડ પસાર કરતા દશ મિનિટનો સમય થતો હતો. આટલા લાબા સમય સુધી ચક્કાજામ રહેવા છતાં પોલીસ ફરકી ન હોતી. આદર્શથી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ સુધી રોડ સાઈડમાં આડેધડ વાહન પાર્કીંગથી વારંવાર ટ્રાફીક સર્જાય છે. પરંતુ કોઈ જોવા કે કોઈ કહેવાવાળુ નથી.
શહેરના એમ.એન.કોલેજ રોડ ઉપર પંડ્યાના નાળાથી કોલેજ ફાટક સુધી, એમ.એન.કોલેજના ગેટથી રેલ્વે સર્કલ સુધી રેલ્વે સર્કલથી ગંજ બજાર ફાટક સુધીનો, જી.ડી. રોડ, ડી.ડી.કન્યા વિદ્યાલય રોડ, ગંજ બજાર મેઈનગેટથી દગાલા સુધી, ગોવિંદ ચકલા ચાર રસ્તાથી સલાટવાડા સુધી અને ધિણોજ નાગરિક બેંક સુધી વિગેરે વિસ્તારોમાં રોડ સાઈડ આડેધડ વાહનો પાર્ક કર્યા હોવાથી વારંવાર ટ્રાફીક જામ થાય છે. ત્રણ દરવાજા ટાવરના ઢાળથી પટેલવાડી સુધી પણ રોડની બંન્ને બાજુ નડતરરૂપ વાહનો પાર્ક કરેલા જોવા મળે છે. પોલીસ પેટ્રોલીંગ કરે અને ગેરકાયદેસર કે નડતરરૂપ પાર્ક કરેલ વાહનો હટાવી દંડનીય કાર્યવાહી કરે તો પણ ટ્રાફીકમા થોડી ઘણી રાહત થાય તેમ છે.
જો કે ખાટલેજ મોટી ખોટ છે પોલીસ દંડનીય કાર્યવાહી શરૂ કરે એટલે તુર્તજ ભાજપના લાગતા વળગતાઓના ફોન શરૂ થઈ જાય છે. જેથી પોલીસ કાર્યવાહી કરતા ખચકાય છે અને છેવટે શહેરીજનોજ હેરાન થાય છે. પી.આઈ. એસ.એન.નિનામાએ ગંજ બજાર ફાટકના બંન્ને રોડ ઉપર બેરીકેટ લગાવી ટ્રાફીક સમસ્યા હળવી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે બેરીકેટ છે. પરંતુ ફાટક બંધ હોય ત્યારે બંન્ને બાજુ વાહનો ખડકાઈ જતા ટ્રાફીક સમસ્યા શરૂ થાય છે.
વિસનગર વેપારી મહામંડળના ઈશ્વરભાઈ નેતાજી તા.૨૧-૧૦-૨૦૨૩ના રોજ સીટી પી.આઈ. સીસોદીયાને પત્ર લખ્યો હતો કે, ત્રણ દરવાજા ટાવરથી સ્ટેશન રોડ સુધી ટ્રાફીક વ્યવસ્થા કથળી છે. બજરંગ ચોકની આસપાસ શાકભાજીના લારીઓ તથા વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ થતુ હોવાથી વાહનોની અવર જવરમા ભારે મુશ્કેલી ઉભી થાય છે. અને જ્યારે સીટી પોલીસ સ્ટેશન આગળ મુખ્ય જાહેર રોડ ઉપર પાર્ક કરેલ વાહનો જો પોલીસ હટાવી શક્તી નથી તો શહેરના અન્ય વિસ્તારોમા રોડ ઉપરના ગેરકાયદેસર પાર્કિંગ પોલીસ ક્યાંથી હટાવી શકવાની છે. વિસનગર ટ્રાફીક સમસ્યા વિકરાળ બની છે. ટ્રાફીક દુર કરવા માટે પોલીસને ટકોર કરવાની જવાબદારી ખોબલે ખોબલે મત મેળવનાર ભાજપની છે. જ્યારે ભાજપ તમાશો જોઈ બેસી રહેતા અત્યારે મોટા શહેરના ટ્રાફીક જેવી સ્થિતિ વિસનગરમા જોવા મળે છે.