Select Page

લોકશાહીના રાજાઓ પ્રજાના ટ્રસ્ટી તરીકે કામ કરશે ત્યારેજ ટકાઉ કામ થશે

લોકશાહીના રાજાઓ પ્રજાના ટ્રસ્ટી તરીકે કામ કરશે ત્યારેજ ટકાઉ કામ થશે

ભાજપમાં ભ્રષ્ટાચારના પાયા ઉપર રચાયેલા હજુ કેટલા પુલ તુટશે

તંત્રી સ્થાનેથી…

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા તે વખતે સરકારનુ ભય, ભુખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાનુ સુત્ર હતુ. જેઓ વડાપ્રધાન બની દિલ્હી ગયા ત્યારથી ગુજરાતની દશા અને દિશા માઠી બેઠી છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભલે બીન ભ્રષ્ટાચારીની છબી ધરાવતા હોય પરંતુ સરકારના દરેક વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર નાબુદ કરવામાં નિષ્ફળ ગયા છે. વર્તમાનમાં ગુજરાતમાં ભય, ભુખ અને ભ્રષ્ટાચાર સહિતની સરકાર કહીએ તો એમા કશુય ખોટુ નથી. પાલનપુર હાઈવે ઉપર જીપીસી ઈન્ફ્રા કંપની દ્વારા નિર્મિત બ્રીજનો સ્લેબ તુટી પડતા બે વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. સરકારી તંત્રની દેખરેખના અભાવે હલકી ગુણવત્તાનુ કામ થતા આ અકસ્માતમાં ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી કામગીરી પ્રમાણે જીપીસી ઈન્ફ્રા કંપનીના સાત ડાયરેક્ટર અને ચાર એન્જીનીયર સામે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બ્લેકલીસ્ટ થયેલી એજન્સીએ નામ બદલી જીપીસી ઈન્ફ્રા લીમીટેડ રાખી બ્રીજનો કોન્ટ્રાક્ટ લઈ ફરીથી ભ્રષ્ટાચાર કરી હલકી ગુણવત્તાનુ કામ કર્યુ છે. નામ બદલી ફરીથી ટેન્ડર ભરી કામ કરનાર આ કોન્ટ્રાક્ટર વિરુધ્ધ સરકારની આંખમાં ધૂળ નાખવા બદલ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો કેમ નોધાયો નથી તે એક પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈ એ સરકારી તંત્રને ખોખલુ કરી નાખતા હજુ પણ કોન્ટ્રાક્ટરને બચાવવામાં આવતો હોય તેવી કાર્યવાહી થઈ રહી છે. એ વાતતો માનવી પડે કે કોંગ્રેસના શાસનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ ગુણવત્તાયુક્ત થતા હતા. બનાવેલ ડામર રોડ સાત આઠ વર્ષ સુધી ચાલતા હતા અને બનાવેલ બ્રીજ હજુ પણ કાર્યરત છે. પરંતુ એકધારી સત્તા મળવાના કારણે તેમજ કોન્ટ્રાક્ટરોના ખભા ઉપર થતા ભાજપના મોટા તાયફા જેવા કાર્યક્રમોના કારણે આ ભ્રષ્ટાચારી સરકારમાં ડામર રોડ એક વર્ષ પણ ચાલતો નથી અને બનાવેલ બ્રીજ ટકતા નથી. બનાવેલા બ્રીજમાંથી ખીલાસરી નિકળવી, બ્રીજ નમી જવો, બ્રીજ તુટી જવો જેવા અનેક બનાવો ગુજરાતની ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં સાભળવા અને જોવા મળ્યા છે. પરંતુ જવાબદાર મોટા અધિકારીઓ ઉપર જ્યા સુધી ફંદો નહી આવે ત્યા સુધી મજબુત કામ થવાના નથી. પરંતુ સરકારના કાર્યક્રમોના સ્પોન્સરર અધિકારીઓ વિરુધ્ધ ક્યારેય કોઈ કાર્યવાહી થવાની નથી અને બ્રીજ તુટવાની પરંપરા અટકવાની નથી. ગુજરાતની ભાજપ સરકારના લોકશાહીના રાજાઓ મુખ્યમંત્રી તથા મંત્રીઓએ ગોંડલના રાજવી ભગવતસિંહના શાસનમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમના શાસનકાળમાં થતા બાંધકામમાં કોન્ટ્રાક્ટરોએ સો વર્ષ ટકાઉ અને મજબુતાઈની ગેરન્ટીના બોન્ડ આપવા પડતા હતા. કોન્ટ્રાક્ટરોએ બોન્ડની ડિપોઝીટ અગાઉથી જમા કરાવવી પડતી હતી. સર ભગવતસિંહજીનુ માનવુ હતુ કે કરવેરાથી એકત્ર થયેલુ રાજ્યની તિજોરીનુ નાણું દેવદ્રવ્ય કહેવાય એને વેડફીને જનતાને દુઃખી ન કરાય. આ રાજવીએ એક રાજા તરીકે નહી પરંતુ પ્રજાના ટ્રસ્ટી તરીકે શાસન કર્યુ હતુ. સર ભગવતસિંહજી પોતે એક રાજવી હતા પોતાનુ રજવાડુ હતુ છતા તેમણે ભાજપના અત્યારના મહારાજાઓ સરકારી ખર્ચે જે તાયફા કરે છે તેવા તાયફા કરીને જનતાના નાણાંનો વેડફાટ કર્યો નહોતો. ભાજપના નેતાઓ નટની જેમ દિવસમાં બે ત્રણ વાર કપડા બદલે છે. ત્યારે આ રાજવી વર્ષમાં ચાર જોડજ કપડા સીવડાવતા હતા. તે પોતે દરબાર ગઢ કચેરીમાં એક સામાન્ય કર્મચારીની જેમ ફરજ બજાવતા હતા. તેમના પુત્રો પણ પગારદાર કર્મચારીની જેમ કામ કરતા હતા. તેમના શાસનમાં થયેલા બાંધકામ હજુ પણ અડીખમ મજબુત ઉભા છે. ગોંડલના આ રાજવીની જેમ ગુજરાતની ભાજપ સરકાર પ્રજાના ટેક્ષમાંથી થતી આવકને દેવદ્રવ્ય ગણી પ્રજાના ટ્રસ્ટી તરીકેની ભાવનાથી કામ કરશે ત્યારે ટકાઉ અને મજબુત કામ થશે અને બ્રીજ તુટવાના બનાવો બંધ થશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us