Select Page

પાલિકા જનરલમાં ગરમા ગરમ ચર્ચાઓ વચ્ચે કમિટિઓની રચના

વિરોધપક્ષના નેતા તુટી પડ્યા – અઢી વર્ષ ફેલ ગયુ – વહાલા દવાલાની નીતિથી કામ

  • પક્ષની આબરૂ બચાવવા પૂર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપરાણામાં આવ્યા – અનેક વિકાસના કામ થયા છે કોંગ્રેસને દેખાતા નથી

વિસનગર શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયાએ જીલ્લા ભાજપમાંથી આવેલ કમિટિઓની રચનાનો મેન્ડેટ વાચી સંભળાવતા કોને કંઈ કમિટિ મળશે તેની અટકળોનો અંત આવ્યો હતો. પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી પ્રથમ જનરલમાંજ એજન્ડાના ઠરાવ મુદ્દે ગરમા ગરમ ચર્ચાઓ થઈ હતી. જરૂરીયાતમંદ પરિવારોને જગ્યા ફાળવણીનો ઠરાવ નામંજુર કરતા વિરોધપક્ષના નેતાએ પાલિકાની નીતિરીતીનો ઉધડો લીધો હતો અને અઢી વર્ષનુ શાસન ફેલ ગયુ હોવાનુ સંભળાવી દીધુ હતુ. ભાજપનાજ સભ્ય વિજયભાઈ પટેલને જનરલમાં બોલતા અટકાવી જનરલમાં જન ગણ મન થઈ ગયુ હતુ.
વિસનગર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ મળેલી પ્રથમ જનરલમાંજ ભારે શાબ્દીક બોલાચાલી થઈ હતી. ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, દંડક મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ ગળીયા, મહામંત્રી રણછોડભાઈ દેસાઈ, ખુશાલભાઈ પટેલ તથા સભ્યોથી ભરેલ હૉલમાં જનરલની શરૂઆત થઈ હતી. કમિટિઓની વહેચણી હોવાથી ભાજપના ભરતભાઈ પટેલ જે.ડી. સીવાયના તમામ સભ્યોએ હાજરી આપી હતી. જનરલ શરૂ થાય તે પહેલાજ વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ પ્રશ્નોની જડી વરસાવી ગત જનરલના પ્લોટની જગ્યા માટેના ઠરાવ નં.૫૯ અને ૬૧ નામંજુર કરતા તાડુક્યા હતા કે, વરસાદી વહેળામાં નડતરરૂપ નાળા, ખોટા માર્કેટો તથા જગ્યાઓ આપવામાં અગાઉ ઘણી એન.ઓ.સી. આપવામાં આવી છે. દેવીપૂજક બહેન તથા રબારી ભાઈએ માગેલી જગ્યા પાલિકાના રોડ રસ્તા પૈકીની નથી. કોઈ ઉપયોગ નથી તો જગ્યાની મંજુરી આપવાનો ઠરાવ કેમ નામંજુર કરાયો. પાલિકામાં વ્હાલા દવાલાની નીતિ ચાલી રહી છે. જાપલીપોળ પાજરાપોળ પાસેની મૂતરડી દુર કરવાના ઠરાવનો પણ વિરોધ કરાયો હતો. જેસીબી, એસ્કીવેટર મશીન, ડમ્પરો તથા જેસીબી બ્રેકર મશીનો ભાડે લાવવાના ઠરાવ સામે વિરોધ પક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે ભૂતકાળમાં ભંગારની જાહેર હરાજીમાંથી થયેલી મોટી આવકમાંથી જેસીબી તથા અન્ય મશીનો ખરીદવાનો નિર્ણય કરાયો હતો. જે નાણાં વેડફી નાખતા મશીનો ભાડે લાવવાથી પાલિકા ઉપર ખોટુ ભારણ વધવાનુ છે. સમગ્ર શહેરમાં એક પણ કામ થયા નહી હોવાથી ગત અઢી વર્ષ ફેલ ગયા હોવાનુ વિરોધપક્ષના નેતાએ જણાવ્યુ હતુ. ચર્ચાઓ ઉગ્ર બની હતી અને કોંગ્રેસના પાંચ સભ્યો સામે ભાજપના સભ્યો પણ ઉભા થઈ ગયા હતા.
પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ માટે પ્રથમ જનરલ હોવાથી કોઈ જવાબ આપી શક્યા નહોતા. ત્યારે વિરોધ પક્ષના નેતાની સામે જવાબો આપવા રૂપલભાઈ પટેલ ઉભા થઈ ગયા હતા. પક્ષની આબરૂ બચાવવા વર્ષાબેન પટેલના પ્રમુખકાળનુ ઉપરાણુ લેતા રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ગત અઢી વર્ષમાં અનેક વિકાસના કામ થયા છે. કોંગ્રેસના સભ્યોએ પીળા ચશ્મા પહેર્યા હોવાથી તેમને અઢી વર્ષનો વિકાસ દેખાતો નથી. દંડક મેહુલભાઈ પટેલે પણ વર્ષાબેન પટેલના પ્રમુખકાળની કામગીરી બીરદાવી અભિનંદન આપ્યા હતા. વિજયભાઈ પટેલે વિકાસ કામમાં સહકાર આપવા ૩૧ સભ્યોની ટીમ તૈયાર છે. પરંતુ સારા અને સ્વચ્છ કામ કરવા ટકોર કરી હતી. પ્રમુખને માર્ગદર્શનની જરૂર હોય તો મદદ કરવા પણ તૈયારી દર્શાવી હતી. વિજયભાઈ પટેલે શહેરનો નવો વિકાસ નકશો બનાવવા ખુબજ મહત્વના મુદ્દાની ચર્ચા કરી હતી. પરંતુ વિજયભાઈ પટેલને વચ્ચેથી બોલતા અટકાવી સભાનુ કામ પૂર્ણ કર્યુ હતુ.

  • સમિતિ ચેરમેન
  • કારોબારી – શાહ પુર્ણિમાબેન સુનીલભાઈ ચેરમેન
  • વોટર વર્કસ – પરમાર કિરીટકુમાર પરષોત્તમભાઈ
  • બાંધકામ – પટેલ ભરતકુમાર શંકરલાલ (જે.ડી.)
  • ટાઉન પ્લાનિંગ – પટેલ મેહુલકુમાર કરશનભાઈ
  • સ્વચ્છતા – પટેલ જગદીશભાઈ વિઠ્ઠલભાઈ
  • શિક્ષણ – બારોટ મનિષકુમાર શૈલેષચંદ્ર
  • યુ.સી.ડી. – પટેલ ચાર્મીબેન મૌલિકકુમાર
  • લાઈટ અને સી.સી.ટી.વી. – મોદી ભાવેશકુમાર જયંતિલાલ
  • ગુમાસ્તાધારા – ઠાકોર તારાબેન ઘેમરજી
  • કાયદા અને હિસાબી – પટેલ સેજલબેન મનોજકુમાર
  • સ્ટાફ સીલેક્શન – પટેલ આશાબેન નીરવકુમાર
  • આરોગ્ય – રાવલ મોનીકાબેન આશિષકુમાર
  • મકાનભાડા – કડિયા કૈલાશબેન ગૌત્તમભાઈ
  • ફાયર સેફ્ટી – સિંધી પીતાંબરભાઈ રામચંદ્ર
  • ભુગર્ભ ગટર યોજના – પરમાર રંજનબેન વિજયકુમાર
  • બાગ – ઠાકોર લખીબેન દિલીપજી
  • પથીકા આશ્રમ, ધર્મશાલા – કંસારા શાલીનીબેન હરિવદન
  • ટ્રાન્સપોર્ટ – પટેલ રૂતુલ કમલેશભાઈ
  • પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજના – પટેલ રાજેન્દ્રકુમાર દશરથલાલ
  • જન્મ મરણ તથા લગ્ન નોંધણી – જોષી સપનાબેન કેયુરકુમાર
  • નવીન પ્રોજેક્ટ અમલીકરણ – પટેલ શારદાબેન જગદીશભાઈ
  • ટાઉનહોલ તથા તળાવ ડેવલપમેન્ટ – પંડ્યા જયેશકુમાર બબલરામ
  • રમત-ગમત મનોરંજન – પટેલ ચેતનાબેન પંકજભાઈ
  • દબાણ – ઠાકોર ભારતીબેન લાલાજી
  • વસુલાત – પટેલ પીન્કીબેન વિષ્ણુભાઈ
  • દંડક – ઠાકોર અમાજી ભુદરજી

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us