પ્રસંગોમાં અન્નનો બગાડ અટકાવવો એ માઁ અન્નપૂર્ણાની પૂજા અને દાન કર્યા બરોબર
થાળીમાં અન્નનો બગાડ કરતા પહેલા વિચારજો કે વિશ્વમાં કરોડો લોકો ભુખ સંતોષી શકતા નથી
તંત્રી સ્થાનેથી…
દિવાળી બાદ લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે. અત્યારના સમયમાં સાદગીથી લગ્ન કરવાની જગ્યાએ દેખાદેખીમાં લગ્ન પ્રસંગ વધારે થાય છે. જેમાં જમણવારમાં કંઈ રીતે વિશેષ દેખાવ કરી શકાય તે જોઈને અઢળક વાનગી બનાવવામાં આવે છે. જેમને પૈસાની કમી નથી તેવા માલેતુજારના પ્રસંગમાં બે ત્રણ સુપ, ત્રણ ચાર નાસ્તા, ત્રણ ચાર મીઠાઈ તથા અન્ય વાનગીઓ પીરસવામાં નહી પરંતુ મુકવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિની પ્રમાણે પહેલા પ્રસંગમાં જમણવારમાં પંગત પાડવામાં આવતી હતી. જેમાં અન્નનો બગાડ ઓછો થતો હતો. અત્યારે બૂફે સીસ્ટમના કારણે અને આમંત્રીતોની સંખ્યા વધારે હોવાથી ભીડમાં બીજી વખત લેવા જવુ પડે નહી તે માટે લોકો જરૂરીયાત કરતા વધારે અન્ન ડીસમાં લેતા હોય છે. જમી રહ્યા બાદ ડીસ મુકવા જાય તેમાં ઘણા આમંત્રીત મહેમાનોની ડીસમાં અન્નનો બગાડ થતો જોવા મળે છે. પ્રસંગમાં અન્નનો બગાડ કરનાર લોકો એ નથી વિચારતા કે આપણે ડીસમાં એઠુ મુકીને પ્રસંગમાં બોલાવનારનુ નુકશાન કરી રહ્યા છે. ડીસમાં થયેલો બગાડ એઠવાડમાંજ જાય છે. તેનો બીજો કોઈ ઉપયોગ થતો નથી. થોડુ ધ્યાન રાખી ડીસમાં પ્રમાણસરનુ અન્ન લે તો પ્રસંગમાં વધેલુ અન્ન ભુખ્યાની ભુખ સંતોષવામાં ઉપયોગમાં આવી શકે છે. અન્ન એ માતા અન્નપૂર્ણા છે. આપણે અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ, પરંતુ થાળીમાં અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી મળેલ અન્નનુ સન્માન કરી શકતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં કહ્યુ છેકે અન્ન એ બ્રહ્મ છે, ઈશ્વર છે. માનવીનો આત્મા પણ બ્રહ્મ છે. જે શરીરમાં વસે છે. શરીરના પોષણ માટે અન્ન (બ્રહ્મ) તે આત્માને(બ્રહ્મને) અર્પણ કરવામાં આવે છે. આપણી હિન્દુ સંસ્કૃતિમા અન્નને ગ્રહણ કરતા પહેલા તેને પ્રણામ કરી તે અન્નના દેનાર(બ્રહ્મને) યાદ કરીને તેનો આભાર માનવાની પરંપરા છે. આપણી સંસ્કૃતિમાં અન્નને એઠુ મુકવુ એ ધર્મ વિરુધ્ધનુ કૃત્ય ગણવામાં આવે છે. આપણે ભગવાનને પૂજીએ છીએ ત્યારે હજ્જારો વર્ષ પહેલા દેવી દેવતાઓના આશીર્વાદથી ઋષિમુનીઓએ હિન્દુ સંસ્કૃતી અને સંસ્કારોનુ આલેખન કર્યુ છે. હજ્જારો વર્ષ પહેલા વિશ્વ કલ્યાર્થે જે દેશમાં ગહન ચિંતન થતુ હતુ તે દેશમાં આજે અંદાજે ૪૦ ટકા અન્નનો બગાડ થાય છે. આઘાતજનક બાબત છેકે વર્ષ ૨૦૨૪ ના વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં ૧૨૭ દેશમાંથી ૧૦૫ મા ક્રમે રહેલુ ભારત, ખોરાકનો બગાડ કરનાર યાદીમાં ચીન પછી બીજા ક્રમે છે. ચીનમાં દર વર્ષે ૯૧.૬ લાખ ટન ભોજન વેડફાય છે. ત્યારે ભારતમાં ૬૮.૮ લાખ ટન ખોરાક દર વર્ષે બરબાદ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ૨૦૨૪ ના અહેવાલ મુજબ ૨૦૨૨ મા વૈશ્વીક સ્તરે આશરે ૧.૦૫ અબજ ટન ખોરાકનો બગાડ થયો હતો. જ્યારે આ સમયગાળા દરમ્યાન આશરે ૭૮૦ મીલીયન લોકો ભૂખમરાનો સંઘર્ષ કરી રહ્યા હતા. ભારત વાર્ષિક ૭૮.૧ મીલીયન ટન ખોરાકનો બગાડ કરે છે. દેશમાં સરેરાશ પ્રતિ વ્યક્તિ વાર્ષિક આશરે ૫૫ કિલો ખોરાકનો બગાડ કરે છે. જેમાં સામુહિક ભોજન એટલે કે પ્રસંગોમાં અન્નનો બગાડ થવાનુ પ્રમાણ વધારે છે. દેશના ખાદ્ય ઉત્પાદનનો ૪૦ ટકા બગાડ થાય છે. જેનુ મુલ્ય ૯૨૦૦૦ કરોડ છે. સરેરાશ વિશ્વમાં દરેક વ્યક્તિ વાર્ષિક ૧૩૨ કીલો ખોરાક ફેંકી દે છે. ભારત જેવા દેશમાં આટલા મોટા પ્રમાણમાં ખોરાકનો બગાડ એ કોઈ ગુનાથી કમ નથી. એવી ઘણી સંસ્થાઓ છે કે જે પ્રસંગમાં વધેલુ અન્ન મેળવીને ભૂખ્યાને ભોજન કરાવે છે. પરંતુ પૂરતા સાધનો અને સેવા આપતા લોકોના અભાવથી આવી સંસ્થાઓ લાંબા સમય સુધી ચાલી શકતી નથી. પ્રસંગોમાં વધેલા અન્નનો સદ્ઉપયોગ થાય તેવુ કામ કરતી સંસ્થાઓને સરકારની સહાય મળી રહે તો અસંખ્ય લોકોની ભૂખ સંતોષાય તેમ છે. ભારતીય બંધારણના આર્ટીકલ ૪૭ અંતર્ગત ૨૦૧૮ મા અન્નનો બગાડ ઘટાડવાના ઉદ્દેશથી એક કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ કાયદામાં કડક જોગવાઈઓ નહી હોવાથી અસરકારક કામ કરી શકતો નથી. અન્ન એજ ઈશ્વર અને ભોજન એજ ભગવાન એ કહેવતને સાર્થક કરવા સુરતના એક કાર્યકરે અન્ન બચાવો જીવ બચાવો ઝુંબેશ ચાલુ કરી છે. જે અન્નનો બગાડ થતો અટકાવવા લોક જાગૃતિનુ કાર્ય કરે છે. ભોજન સમારોહમાં અતિશય અન્નનો બગાડ અટકાવવા આ કાર્યકરે વિચાર વ્યક્ત કર્યો છેકે પ્રસંગોમાં અન્નનો બગાડ અટકાવવો એ દાન આપ્યા બરોબર છે. ભોજન સમારોહમાં ખાવામાં અસમર્થ હોય તેટલુ લોકો ડીસમાં લેતા હોય છે. આ માત્ર ખોરાકનો બગાડ નથી પરંતુ ખેડૂતો, રસોઈયા અને ફૂડ પ્રોસેસીંગ સાથે સંકળાયેલા તમામ લોકોની મહેનતનુ અપમાન છે. ખોરાકનો બગાડ ફક્ત થાળીમાં રહેતા ખોરાકનો બગાડ નથી, તે આપણા સમાજની અસમાનતા અને અસંવેદનશીલતાનુ પ્રતિબિંબ છે. અન્નને જો માતા અન્નપૂર્ણાના આશીર્વાદ માનતા હોઈએ, અન્નને બ્રહ્મ અને ભગવાન માનતા હોઈએ તો લગ્ન પ્રસંગ કે અન્ય ભોજન સમારોહમાં અન્નનો બગાડ કરવો એ પાપ સમાન છે, માતા અન્નપૂર્ણા અને ઈશ્વરના અપમાન સમાન છે.