દિવાળીના તહેવારમાં રફતારનો કહેર-અકસ્માતના ૮ બનાવ
ખાડા ખૈયાવાળા રસ્તા હોય તો લોકો ફરિયાદ કરતા વાહનો ધીમે હંકારતા હોય છે. જ્યારે સારા રસ્તા હોવાથી લોકો પૂરી રફતારથી વાહનો ચલાવતા અકસ્માતોની વણઝાર સર્જાય છે. દિવાળીના તહેવારમાં વિસનગર શહેર અને તાલુકામાં અકસ્માતના આઠ બનાવો નોંધાતા તહેવારનો ઉમંગ દુઃખમાં પરિવર્તન થયો હતો.
વાહન ચાલકો જો થોડી કાળજી રાખે તો અકસ્માતનો ભોગ બનતા અટકી શકે છે. વિસનગર તાલુકાના દઢિયાળ ગામના પ્રહલાદભાઈ કચરાદાસ લલ્લુભાઈ સુથાર તથા તેમના પત્ની સીતાબેન દિવાળીની ખરીદી કરવા બાઈક ઉપર નીકળ્યા હતા. ત્યારે સદુથલા રોડ ઉપર જી.જે.૦૬ ડીજી ૭૦૪૬ નંબરની ગાડીએ પાછળથી ટક્કર મારતા વૃધ્ધ દંપત્તી પટકાયુ હતુ. જેમને નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિસનગર આશાપુરી સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરતા પ્રહલાદજી જીવણજી માધુજી ઠાકોર પેસેન્જરને લઈને કડા ત્રણ રસ્તા તરફ જતા હતા. ત્યારે નાવી સ્કુલ આગળ બાઈક લઈ આવનાર વ્યક્તિ ડીવાઈડરને અથડાઈને ડીવાઈડર કુદીને રીક્ષા ઉપર પડતા રીક્ષા ઉંધી પડી હતી. જી.જે.૨૭ એફ.બી.૫૩૮૩ નંબરના બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા મૃત્યુ થયુ હતુ. જ્યારે રીક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ હતી. અને રીક્ષાને રૂા.૨૦,૦૦૦ નુ નુકશાન થયુ હતુ. ગુંજા કસ્બા નગીના મસ્જીદ પાસે રહેતા નાસીરખાન અકબરખાન ઈયેખાન પઠાણ જી.જે.૦૨ જી.જે.૦૨ વી.વી.૩૮૦૭ નંબરની રીક્ષામાં પેસેન્જર ભરીને દઢિયાળ ગયા હતા. પરત આવતા હતા ત્યારે નારાયણ પાર્ટી પ્લોટ આગળ પાછળથી આવતી ગાડીના ચાલકે ટક્કર મારતા રીક્ષા ઉંધી પડી હતી. ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને તાત્કાલીક નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વિસનગર સીટી પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માતના ત્રણ બનાવ બન્યા હતા.
દિવાળીના તહેવારમાં તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પણ અકસ્માતની વણઝાર સર્જાઈ હતી. બાસણા ગામના ફુલજીભાઈ જેસંગભાઈ ચૌધરી છકડો લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર છકડો ખારી નદીમાં ઘુસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતા ફુલજીભાઈ ચૌધરીનુ મૃત્યુ થયુ હતુ. માણસા તાલુકાના ફતેપુરા ગામના અને વિસનગરમાં દેણપ રોડ સિધ્ધિ વિનાયક એસ્ટેટમાં રહેતા અનિલકુમાર કનુભાઈ રાવળ અન્ય એક વ્યક્તિ સાથે જી.જે.૦૫ એલ.એમ.૦૪૨૨ નંબરના બાઈક ઉપર સવાલા ગામ જતા હતા. ત્યારે અમૃત પોલીમર્સ આગળ જતી જી.જે.૦૨ ઈ.એન.૩૭૧૨ નંબરની કારના ચાલકે અચાનક ટર્ન મારતા બાઈક સાથે અકસ્માત થયો હતો. બાઈક સવાર બન્નેને ઈજા થતા નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ખંડોસણ ગામના મુકેશજી ઠાકોર વડુથી ભાન્ડુ થઈ બાઈક નં.જી.જે.૦૨ ઈ.એમ.૨૮૦૫ ઉપર મહેસાણા જવા નીકળ્યા હતા. ત્યારે કેનાલના નાળા પાસે જી.જે.૦૫ આર.ટી.૫૭૨૮ નંબરની ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. બાઈક ચાલક બેભાન થતા તેમને મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વડનગર તાલુકાના મલેકપુર(વડ)ના રજનીશકુમાર સોમાભાઈ નારણભાઈ જાદવ જી.જે.૦૨ બી.બી.૪૩૫૩ નંબરના બાઈક ઉપર પત્ની અને બે વર્ષના પુત્ર સાથે કડા સિધ્ધેશ્વરી માતાના મંદિરમાં દર્શન કરવા જતા હતા. ત્યારે ગુંજા ગામ આગળ જી.જે.૦૨ ડી.ક્યુ.૭૯૦૪ નંબરના બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત દંપત્તી તથા તેમના પુત્રને વડનગર સિવિલમાં દાખલ કરાયા હતા. સુરત રહેતા આશાબેન પ્રકાશભાઈ હરગોવિંદભાઈ પટેલ મરણ પ્રસંગે ઉંઝા તાલુકાના ઉનાવા ગામમાં આવ્યા હતા. જેઓ ઘનશ્યામ ટ્રાવેલ્સની જી.જે.૦૨ ઝેડ ઝેડ ૦૫૦૦ નંબરની લક્ઝરીમાં સુરત જતા હતા. ત્યારે ભાન્ડુ ગામ પાર્સ લક્ઝરીના ડ્રાઈવરે આગળ જતી ટ્રકને ટક્કર મારતા આ અકસ્માતમાં આશાબેન પટેલને કપાળના અને નાકના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લક્ઝરીના અન્ય પેસેન્જરોને પણ નાની મોટી ઈજા થઈ હતી.