Select Page

પર્વતોમાં હિમાલયની જેમ બધા દર્શનો,વિધિઓ, નીતિઓ,નિયમો ધર્મો અને વ્યવસ્થામાં યોગ શ્રેષ્ઠ

પર્વતોમાં હિમાલયની જેમ બધા દર્શનો,વિધિઓ, નીતિઓ,નિયમો ધર્મો અને વ્યવસ્થામાં યોગ શ્રેષ્ઠ

તંત્રી સ્થાનેથી…

યોગના ઈતિહાસનો ઉલ્લેખ વેદ તેમજ પુરાણોમાંથી મળી આવે છે. વેદને વિશ્વનું સૌથી પહેલુ પુસ્તક માનવામાં આવે છે. જે લગભગ પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે વખતના માનવામાં આવે છે. પુરાતત્વોના અભ્યાસ અનુસાર યોગની ઉત્પત્તિ ઈ.સ.પૂર્વે ૫૦૦૦ માં થઈ હતી. યોગ નિષ્ણાતોનુ માનવુ છેકે યોગ એ કરોડો વર્ષ પહેલાના છે. ઋષિમુનિઓ તપસ્યા યોગની મદદથીજ કરતા હતા. આશ્રમમાં અભ્યાસકાળ સમયે ગુરૂ શિષ્યની પરંપરા અનુસાર યોગનુ જ્ઞાન એક પરંપરારૂપે એક પેઢીથી બીજી પેઢીને મળતુ હતુ. યોગ પાછળ થયેલા સંશોધનમાં એ જાણીને આશ્ચર્ય થશે કે ૧૯૨૦ માં પુરાતત્વ વૈજ્ઞાનિકોએ સિંધુ સરસ્વતી સભ્યતાને શોધી હતી. જેમાં પ્રાચીન હિંદુ ધર્મ અને યોગની પરંપરા હોવાની સાબીતી મળી આવી હતી. મહર્ષિ પતંજલીએ યોગનો પ્રચાર વધાર્યો હતો. પહેલીવાર ઈ.સ. ૨૦૦ પૂર્વે મહર્ષિ પતંજલીએ વેદમાં રહેલ યોગ વિદ્યાને વ્યવસ્થિત રૂપે વર્ગીકરણ કરી હતી. મહર્ષિ પતંજલી બાદ અનેક ઋષિઓ તથા યોગચાર્યોએ લખેલ પોતાની પ્રથાઓ તેમજ સાહિત્યના માધ્યમથી યોગનુ પરીક્ષણ તેમજ વિકાસમાં ખુબ મોટો ફાળો આપ્યો હતો. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ સૌથી જુની છે. આ સંસ્કૃતિના અનેક સંશોધનો અને વિદ્યાઓ હતી. પરંતુ સાચવી નહી શકવાના કારણે સંશોધનો અને વિદ્યાઓ લુપ્ત થતા ગયા. છેલ્લા ત્રણ દશકાથી યોગગુરૂ બાબા રામદેવજીએ ભારતમાં ફરીથી યોગ વિદ્યાને જાગૃત કરી. નરેન્દ્રભાઈ મોદીએ રાજકારણમાં પ્રવેશ કર્યો તે પહેલા તેમનુ મોટા ભાગનુ જીવન સંતો, મહંતો અને ઋષિમુનિઓના સાનિધ્યમાં વિતાવ્યુ હતુ. આ દરમ્યાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ વિદ્યાનુ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. વર્ષ ૨૦૧૪ માં દેશના વડાપ્રધાન બન્યા બાદ વસુધૈવ કુટુંબકમના ભારતીય સંસ્કારો પ્રમાણે યોગ વિદ્યા એ ફક્ત ભારત દેશ પુરતી સીમીત ન રહે અને વિશ્વવ્યાપી બને તે માટે યુનો આગળ પ્રસ્તાવ મુક્યો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂને આંત્તરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ૨૧ મી જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે. આ દિવસે સુર્યનો વહેલો ઉદય થાય છે અને મોડો અસ્ત થાય છે. વર્ષ ૨૦૧૫ માં ૨૧ જૂને જે આંત્તરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો તેમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૩૫ હજારથી વધુ લોકો અને ૮૪ દેશના પ્રતિનિધિઓ દિલ્હીના રાજપથ પર યોગ કર્યા હતા. આ સમારંભમાં એટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ૮૪ દેશના લોકો સામેલ થવાથી ગ્રીનીશ બુક ઓફ રેકોર્ડ બન્યો હતો. ઓશો રજનિશજીએ કહ્યુ છેકે, યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ પ્રાયોગિક વિજ્ઞાન છે. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખુંટીએ બાધે છે. જ્યારે યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે. પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે તેવીજ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે. અત્યારના યુગમાં મશિનગત જીવનના કારણે માનવી અનેક બિમારીઓથી ઘેરાયેલો છે. બી.પી., ડાયાબીટીસ, તણાવ, મેદસ્વીપણુ, એસીડીટી, અપચો વિગેરે બિમારીઓમાંથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય હોય તો તે છે નિયમિત યોગ. વિશ્વ યોગ દિને શાળા, કોલેજો, સંસ્થાઓ, સરકારી ઓફીસોમાં યોગ પ્રશિક્ષણ આપવાનો એક માત્ર હેતુ એ છેકે લોકો સમજી શકે કે યોગજ એક માત્ર એવી વિદ્યા છેકે જે રોગ ભગાવી શકે છે. યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી હૃદય અને મન મજબૂત થાય છે. તણાવથી બચી શકાય છે, યાદગીરી વધે છે. બી.પી.ની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. રોજ સવારે ઉઠીને યોગાસનોને અજમાવો અને શરીરને ફીટ તેમજ તંદુરસ્ત રાખો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us