Select Page

ભારતમાં પ્રાચિન કાળથી કુટુંબ વ્યવસ્થા પરંપરાગત ચાલી આવી છે

ભારતમાં પ્રાચિન કાળથી કુટુંબ વ્યવસ્થા પરંપરાગત ચાલી આવી છે

તૂટતા પરિવારો વચ્ચે પણ ભારતીય સમાજ વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે

તંત્રી સ્થાનેથી…

પરિવારનુ પાલન પોષણ કરવાની જવાબદારીમાં માનવી ધંધા રોજગારમાં એટલો વ્યસ્ત બની જાય છેકે સતત માનસિક તણાવમાં રહેતો હોવાના કારણે શાંતિ માટે રવિવારના કે રજાના દિવસની રાહ જોતો હોય છે. પત્ની તથા સંતાનો સાથે એકલો રહેતો વ્યક્તિ મશિનગત જીવનમાં ક્યારેક હતાશ થતો હોય છે. પરંતુ મનને હલકુ કરવા તથા મનને આરામ આપવા રવિવાર સુધી વાર ન જોવી પડે એ છે પરિવાર. આ બાબતને સાર્થક કરવા અને તેનુ મહત્વ સમજાવવા યુનાઈટેડ નેશન્સ અને યુનિવર્સલ પીસ ફેડરેશન દર વર્ષે ૧૫ મી મેના રોજ વિશ્વ પરિવાર દિવસ મનાવે છે. વર્ષ ૧૯૭૩ ની સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરતા દર વર્ષે જુદા જુદા વિષયો આરાધીત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી શરૂ કરવા પાછળનુ કારણ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનુ છે. દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને યુવાનોને પરિવારના મહત્વ વિશે જણાવવામાં અને સમજાવવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં પરિવારની કોઈ ભાવના કે લાગણી હોતી નથી. સંતાનો મોટા થતાજ માતા પિતા તેમની જવાબદારીથી અળગા રહે છે તેની સાથે સંતાનો પણ માતા પિતાથી દૂર થઈ જાય છે. એટલા માટેજ પશ્ચિમી દેશોમાં ફાધર્સ ડે, મધર્સ ડે જેવા વર્ષમાં એક દિવસ પરિવારના સભ્યોને યાદ કરવાના દિવસો ઉજવાય છે. ભારતમાં શાળા કોલેજોમાં વિવિધ દિવસો ઉજવી અભ્યાસ કરતા બાળકો અને યુવાનોને તેનુ મહત્વ સમજાવવામાં આવે છે. પરંતુ શિક્ષણ વિભાગનો કોઈ પરિપત્ર નહી હોવાથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાતો નથી. અત્યારની બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે યુવાનોને પરિવાર શુ છે અને પરિવાર સાથે જોડાયેલા રહેવાથી તેના કેટલા ફાયદા થાય છે તે બાબતુ માર્ગદર્શન કે જાગૃતિના કાર્યક્રમો ખુબજ જરૂરી છે. પરંતુ ભારતની પ્રાચિન કાળથી કુટુંબ વ્યવસ્થા સાથે તેની પરંપરાગત ચાલી આવતી વસુધૈવ કુટુંબકમનુ મહત્વ સમજાવવામાં આવતુ નથી. વસુધૈવ કુટુંબકમમા એક ઉંડો આદર્શ વિચાર સમાયેલો છે. તેનો અર્થ છે આખુ વિશ્વ એક કુટુંબ છે. આ એક એવી સાર્વત્રિક દ્રષ્ટિ છે જે આપણને સાર્વત્રિક કુટુંબ તરીકે પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એક એવુ કુટંબ જેની કોઈ સીમા, ભાષા અને વિચારધારા નથી. વસુધૈવ કુટુંબકમ આખુ વિશ્વ એક પરિવાર છે અને આખા વિશ્વને આ સંદેશો પહોચાડવા ભારતનુ બહુ મોટુ યોગદાન રહ્યુ છે. ભારતીય કુટુંબ વ્યવસ્થા પારિવારિક ભાવના કેળવતી વિશ્વની સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે. ભારત દેશમાં આપણી આસપાસમાં એવા અનેક પરિવારો છે જે સંયુક્ત રીતે રહે છે અને એવા પણ પરિવાર છે જે પત્ની અને સંતાોન સાથે એકલા રહે છે. સંયુક્ત પરિવારમાં જો કોઈ એક સભ્ય મુશ્કેલીમાં મુકાય તો તેની જવાબદારી પરિવારના અન્ય સભ્યો ઉપાડી લેતા મુશ્કેલીનો સમય ઝડપથી પસાર થઈ જાય છે અને મુશ્કેલીમાંથી ઝડપી બહાર નિકળી જાય છે. સંયુક્ત પરિવારમાં ચર્ચાઓની આપ લે થતા માનસિક તણાવ ઓછો થાય છે. જ્યારે સમાજમાં પરિવારથી દૂર વ્યક્તિ એકલો રહેતો હોય અને કોઈ તકલીફ આવી પડે ત્યારે કેવી મુશ્કેલીનો સામનો કરતો હોય છે તે પણ જોઈ શકાય છે. સંયુક્ત પરિવારમાં આત્મહત્યાના બનાવો ઓછા જોવા મળે છે તે છે પરિવારની તાકાત. વિશ્વ પરિવાર દિવસ ભાષા, ધર્મ, દેશ, જાતિ, રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વગર વૈશ્વિક કુટુંબ દિવસ બધા લોકોને એક બીજા સાથે પ્રેમ વહેચવા અને આ સમય શાંતિથી પસાર કરવા પ્રોત્સાહિત કરે છે. પરિવાર શબ્દની સાથે પ્રેમ, હુંફ, લાગણી, શ્રધ્ધા, વિશ્વાસ અને સહયોગ જેવા શબ્દો જોડાયેલા છે. વિદેશી કલ્ચરનુ અનુકરણ સાથે ઘટતી સહન શક્તિના કારણે પરિવર્તનના નવા દોરે કુટુંબને તોડી નાખ્યા છે. સંયુક્ત પરિવારમાં વડીલપણામા રહેવુ ગમતુ ન હોઈ આજે પરિવારનુ તૂટવુ સામાન્ય બની ગયુ છે. પરંતુ પારિવારિક માહોલ ડિપ્રેશનથી દૂર રાખીને વિવિધ સામાજીક સમસ્યાઓમાં રક્ષણ આપે છે. પરિવારનો અર્થ જ્યા મનને હલકુ કરવા, આરામ આપવા અને એકબીજાના સુખ દુઃખમાં ભાગ લે તે છે. પરિવાર સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કે સમાજ વ્યવસ્થાની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી સમાજ વ્યવસ્થા વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે. ત્યારે પરિવારથી વિખૂટા પડેલા લોકોએ તેનુ મહત્વ સમજવુ ખૂબજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us