તાલુકા પંચાયતમાં મારું માન સન્માન જળવાતું નહોતુ
વિસનગર તાલુકા પંચાયતની યોજાયેલ છેલ્લી સામાન્ય સભા બાદ પ્રમુખનો બળાપો
- છેલ્લા સાત મહિનાથી મારી ઓફિસની બહાર મારા નામની કોઈ નેઈમ પ્લેટ લગાવતુ નહોતું, છેવટે મારા પતિદેવે નેઈમ પ્લેટ બનાવડાવી જાતે લગાવી
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકરની અધ્યક્ષતામાં તેમજ તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ બપોરે તાલુકા પંચાયતના સભાખંડમાં આ બોર્ડની છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી.આ સામાન્ય સભામાં મુખ્યત્વે વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલ અંદાજપત્ર અને આગામી વર્ષ ૨૦૨૬-૨૭ના નવા વાર્ષિક બજેટને સર્વાનુમતે મંજૂરી આપી વિકાસકામોને વેગ આપવામાં આવ્યો હતો.આ સભા બાદ તાલુકા પંચાયત પ્રમુખના પતિએ તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપર બળાપો કાઢતા કહ્યું કે આ બધાએ અમને સન્માન આપવાના બદલે અઢી વર્ષ સુધી હેરાન કર્યા છે.અમે કોઈપણ પ્રકારની ડીલ કર્યા વગર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
વિસનગર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોના આંતરિક ડખામાં ઘણા સમયથી સામાન્ય સભાનું આયોજન થતું નહોતું.ત્યારે પ્રમુખ પુષ્પાબેન વણકરને મનાવ્યા બાદ શુક્રવારે બપોરે ૧૨-૩૦ કલાકે તાલુકા પંચાયતના
સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું
સુધારેલ અંદાજપત્ર અને આગામી વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા વાર્ષિક બજેટને મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાત ૧૫ માં નાણાપંચ હેઠળ ૨૦ ટકા યોજનાના કામોના આયોજન માટે અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સ્ટોલ બનાવવાની મંજૂરી મેળવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સભા પૂર્ણ થયા બાદ દઢીયાળ ગામના ડેલિગેટ ભરતભાઈ ચૌધરી સભાખંડમાં આવ્યા હતા.જ્યાં તેમને રોષ ઠાલવતા કહ્યું હતું કે અમારા વિસ્તારમાં વિકાસકામો માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. અમે આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જવાબ આપીશું.જ્યારે પ્રમુખ પુષ્પાબેન વણકરના પતિ ચંદ્રેશભાઇ વણકરે પોતાનો બળાપો કાઢતા કહ્યું હતું કે અમે અઢી વર્ષ પહેલા કોઈપણ પ્રકારની લાલચ કે ડીલ કર્યા વગર ફક્ત મંત્રી ઋષિભાઈ પટેલ સાહેબના કહેવાથી ભાજપમાં જોડાયા હતા.પરંતુ અહીં તાલુકા પંચાયતમાં અમને માન સન્માન આપવાના બદલે હેરાન કર્યા.આતો અમે ઋષિભાઈ સાહેબના લીધે બધું સહન કર્યું હતું.જ્યારે પ્રમુખ પુષ્પાબેન વણકરે પોતાની હૈયાવરાળ કાઢતા કહ્યું હતું કે અહીં તાલુકા પંચાયતમાં મારું જરાય માન સન્માન જળવાતું નહોતું.છેલ્લા સાત મહિનાથી વારંવાર કહેવા છતાં મારી ઓફિસની બહાર મારા નામની કોઈ પ્લેટ પણ લગાવતું નહોતું.છેવટે મારા પતિએ સ્વખર્ચે મારા નામની પ્લેટ બનાવડાવી જાતે લગાવી હતી.આ સામાન્ય સભા બાદ પ્રમુખે સ્વખર્ચે તાલુકા પંચાયતના કર્મચારીઓને ભોજન કરાવ્યું હતું. અને આગામી ૧૩-૩-૨૦૨૬ના રોજ તમામ સદસ્યોની મુદત પૂર્ણ થતા તેઓએ ભેગા મળી તાલુકા પંચાયતના કર્મચારીઓને સામૂહિક ભોજન કરાવવાનું આયોજન કર્યું હતું.