Select Page

વેપારી પિતા પુત્ર ઉપર લુંટના ઈરાદે હુમલો

વેપારી પિતા પુત્ર ઉપર લુંટના ઈરાદે હુમલો

વિસનગરમાં ધરોઈ કોલોનીના ધમધમતા રોડ ઉપર

  • દોઢ લાખ રૂપિયા ભરેલુ પર્સ બચી ગયુ, સોનાના દોરાની લુંટ કરી ફરાર

વિસનગરમાં ધમધમતા ધરોઈ કોલોની રોડ ઉપર ચાર ઈસમોએ લુંટના ઈરાદે હુમલો કરતા વેપારી આલમમા ચિંતા સાથે ભારે ભય ફેલાયો છે. વેપારી પિતા પુત્ર એક્ટીવા ઉપર જતા હતા ત્યારે તેમની સોસાયટી આગળજ અંધારાનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં વેપારી પુત્રને માથામા પથ્થર મારતા ઈજા થઈ હતી. દુકાનની કેસ ભરેલ પર્સ બચાવી શકાયુ હતુ. પરંતુ સોનાનો દોરો ખેચી ગયા હતા. પોલીસે છ વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ધનજીભાઈ પટેલ તથા તેમના પુત્ર મેહુલભાઈ પટેલ સવાલા દરવાજા વિસ્તારમાં આવેલ આદર્શ કિરાણા સ્ટોરના નામથી કરિયાણાનો વેપાર કરે છે. આ વેપારી પિતા અને પુત્ર સવારે સાડાસાત વાગે દુકાન ખોલે છે અને રાત્રે સાડા આઠ વાગે દુકાન બંધ કરે છે. તા.૩-૪-૨૦૨૫ ની રાત્રે દુકાન વધાવી બે દિવસનો દોઢ લાખ રૂપિયા વકરો પર્સમાં મુકી એક્ટીવા ઉપર ઘરે આવતા હતા. જેઓ એમ.એન.કોલેજ રોડથી ધરોઈ કોલોની રોડ ઉપર ચડી સોસાયટી તરફ વાળતા અંધારામાં ઉભા રહેલા ૨૦ થી ૨૫ વર્ષના ચાર ઈસમોએ એક્ટીવા ઉભુ રખાવ્યુ હતુ. મેહુલભાઈ પટેલે એક્ટીવા ઉભુ રાખતાજ અજાણ્યા ઈસમોએ ચાદર નાખી પર્સ ઝુંટવાનો પ્રયત્ન કર્યો હતો. પિતા અને પુત્રએ બાહોશી બતાવી લુંટના ઈરાદે આવેલા ઈસમોને પડકાર્યા હતા અને જપાજપી થઈ હતી. જેમાંથી બે ઈસમોને દબોચ્યા હતા અને ચોર ચોરની બુમો પાડી હતી. આ ઈસમોએ છુટવા માટે મેહુલભાઈ પટેલના માથામાં પથ્થર માર્યો હતો. અને ગળામાં પહેરેલ સોનાનો દોરો લુંટી અન્ય બે ઈસમો બાઈક લઈને આવતા તેમની પાછળ બેસી નાસી ગયા હતા.
મેહુલભાઈ પટેલને માથામાંથી લોહી નીકળતુ હોઈ તેમને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ર્ડાક્ટરે માથામાં બે ટાંકા લઈ સારવાર આપી હતી. મેહુલભાઈ પટેલની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા છ ઈસમ વિરુધ્ધ લુંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા પ્રમાણે થોડા દિવસ અગાઉ સુરેશભાઈ પટેલની આંખમાં મરચાની ભુકી નાખી લુંટનો પ્રયાસ થયો હતો. કોઈ જાણભેદુ દ્વારાજ લુંટ કરવામાં આવી છે. ધરોઈ રોડ ધમધમતો વિસ્તાર છે. ત્યારે લુંટના આ બનાવથી વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે.