Select Page

ચોકઅપ ગટરોની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ ગુંદીખાડથી માયાબજાર ગંદા પાણીની ગંદકીમાંથી મુક્ત ક્યારે?

ચોકઅપ ગટરોની સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ ગુંદીખાડથી માયાબજાર ગંદા પાણીની ગંદકીમાંથી મુક્ત ક્યારે?

વિસનગરનો માયાબજાર રોડ વર્ષના મોટાભાગના દિવસોમાં ચોમાસા જેવો ભીનો જોવા મળે છે. આ રોડ ઉપર કાયમ ગંદુ કે ચોખ્ખુ પાણી વહેતુ જોવા મળે છે. જોકે આ પરિસ્થિતિ પાછળ પાલિકાનો નિષ્ફળ વહીવટ જવાબદાર છે. અત્યાર સુધીતો શહેરની બહારના વિસ્તારની ગટરો ઉભરાતી હતી, હવે પાલિકામાં બીન અનુભવી સ્ટાફના કારણે કોટ વિસ્તારની ગટરો ઉભરાઈ રહી છે. માયા બજારમાં ગ્રાહકોની અવરજવર વધારે છે. ત્યારે ગટર ઉભરાતા ગંદકીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ગુંદીખાડથી માયા બજાર રોડના રહીશો અને વેપારીઓમાં ગટરોની સફાઈ નહી કરી શકનાર પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિસનગરમાં મેઈન બજાર ગુલઝાર પાન હાઉસથી ગુંદીખાડ બાપુના ચોરા વિસ્તાર સુધીમાં ક્યાય પણ ગટર ઉભરાય કે ચોખ્ખા પાણીનો વ્યય થાય ત્યારે તેની અસર માયા બજારથી સવાલા દરવાજા ચાર રસ્તા સુધી જોવા મળે છે. આ વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાતી હોવાથી આખા માયા બજારમાં ગંદકી ફેલાય છે. આ પરિસ્થિતિ આજની નહી પરંતુ ઘણા સમયથી છે. પરંતુ આંધળુ અને બહેરૂ બનેલ પાલિકા તંત્રને લોકોને પડતી મુશ્કેલી દેખાતી નથી કે ગટર રીપેરીંગની રજુઆતો સંભળાતી નથી.
ભૂતવાડાથી ગોસાવાડ થઈ ગુંદીખાડ બાપુના ચોરા તરફના રોડ ઉપર ગણપતી દાદાના મંદિર અષ્ટાપદ જૈન દેરાસર આગળ તેમજ પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ મોદીના ઘર આગળ છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે. તા.૬-૧૧ ના રોજ ગટરો ઉભરાવાના કારણે ગંદુ પાણી સવાલા દરવાજા ચાર રસ્તા સુધી ફેલાયુ હતુ. આ વિસ્તારના જાગૃત નાગરિક હસમુખભાઈ શાહે પાલિકામાં રજુઆત કરતા જેટીંગ મોકલી સફાઈ કરવામાં આવી હતી. પરંતુ ગટરલાઈન ચોકઅપ નહી ખુલતા પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી. ક્યાંક ચોખ્ખા પાણીનો વ્યય કે ક્યાંક ગટર ઉભરાવાના કારણે બાપુના ચોરાથી માયા બજાર રોડ ઉપર કાયમ ગંદકી રહેતા આ વિસ્તારના રહીસો અને વેપારીઓ પાલિકાની આગામી ચુંટણીમાં જોઈ લેવાના મૂડમા આવી ગયા છે.