વિસનગરમાં કોના ઈશારે નામ રદ કરવા અરજીઓ થઈ ભાજપથી વિમુખ થશે-‘સર’માં વાંધાથી હેરાન થયેલા મતદારો
વિકાસનુ રાજકારણ લોકોએ સ્વિકાર્યુ છે પરંતુ નકારાત્મક રાજકારણ ક્યારેય લાંબુ ટક્યુ નથી. વિસનગર વિધાનસભા સીટમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જે રાજકીય ખેલ ખેલવામાં આવ્યો છે તેમાં છેવટે તો કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનેજ નુકશાન થવાનુ છે. ખોટી વાંધા અરજીઓ આપવાના કારણે જે મતદારો હેરાન થયા છે તે મત હવે ભાજપે ભુલી જવાના છે. જે મત રદ કરવા વાંધા આપવામાં આવ્યા તે ૨૦૨૨ ની ચુંટણીમાં મળેલ લીડને અસર કરી શકે તેમ નથી, પછી કોના ઈસારે વાંધા અરજીઓ આપવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીને અનુલક્ષી ખેલાયેલો ખેલ
કેબીનેટ મંત્રીને નડશે
ચુંટણી પંચે સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા એટલા માટે હાથ ધરી હતી કે મતદાર યાદીનું શુધ્ધિકરણ થાય. સ્થળાંત્તર થયેલા બે જગ્યાએ ચાલતા તેમજ મૃત થયેલા મતદારોના નામ કમી થાય તે માટેની ખાસ ઝુંબેશ હતી. બુથ લેવલ ઓફીસરોએ માનસિક તણાવમાં પણ સરના ફોર્મ વહેચી, કલેક્ટ કરી અને ફોર્મ ડિઝિટલાઈઝ કરીને કામ પૂર્ણ કર્યુ છે. ત્યારે હવે રાજકીય દુશ્મનાવટો પુરી કરવા માટે સરની આડમાં ખેલ ખેલાઈ રહ્યા છે. જન્મથીજ જે લોકો પોતાના વિસ્તારમાં રહે છે, પુખ્ત વયના થયા બાદ ઘણા મતદાન કર્યા છે તે મતદારોના નામ કમી કરવા ખોટા આધાર પુરાવા સાથે વાંધા અરજીઓ આપવામાં આવી. સરના ફોર્મ ભરી મતદારો નિશ્ચિત બની ગયા હતા ત્યારે નોટીસો મળી ત્યારે દોડતા થઈ ગયા. રેશનીંગ કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડમાં સુધારા વધારા કરવા હોય ત્યારે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને નાકે દમ આવી જાય છે. જ્યારે એક સામાન્ય અરજીથી મતદાર યાદીમાંથી નામ નીકળી જાય છે અને મતદારને પોતે સાચો હોવાના પુરવા આપવા પડે છે.
વિસનગર તાલુકાના સવાલા, ભાલક, વાલમ, પાલડી, ગુંજા, રાલીસણા, ઉમતા વિગેરે ગામના જથ્થાબંધ મતદારોના નામ કમી કરવા માટે વાંધા અરજીઓ આપવામાં આવી છે. આ તકનો લાભ લઈ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ વિરોધી જુથ સક્રીય થયુ છે. દરેક ગામમાં મતદારોનુ ડેલીગેશન તાલુકા સેવા સદનમાં રજુઆત કરવા આવે છે અને તેને સોશિયલ મીડિયામાં ચગાવવામાં આવતા છેવટે તો કેબીનેટ મંત્રીનીજ ઈમેજ ખરડાઈ રહી છે. બુધ્ધીજીવી લોકોનુ મંતવ્ય છેકે શહેર અને તાલુકામાં કરોડોના વિકાસ કામ કરીને કેબીનેટ મંત્રીએ લોકચાહના મેળવી છે. ત્યારે ભાજપના કેટલાક કાર્યકરો રાજકીય ખેલ પાડવાની પ્રવૃત્તિ કરતા છેવટે તો કેબીનેટ મંત્રીનેજ નુકશાન થઈ રહ્યુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલને જે ગામના લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા તેવા ગામમાં પણ અંદરો અંદરના વિખવાદમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા વાંધા અરજીઓ થઈ છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી સંદર્ભે સ્થાનિક આગેવાનો – કાર્યકરો દ્વારા આ રાજકીય ખેલ ખેલવામાં આવ્યો છે. જે કેબીનેટ મંત્રીને આગામી વિધાનસભાની ચુંટણીમાંજ નડવાનુ છે. વિસનગર વિધાનસભા સીટમાં ૨૦૧૭ ની ચુંટણી સીવાય ઋષિભાઈ પટેલને મળતા મતનુ માર્જીન સતત વધી રહ્યુ છે. છેલ્લે ૨૦૨૨ ની ચુંટણીમાં ૩૫૦૦૦ મતની લીડ મળી હતી. વાંધા અરજીઓ આપેલ મતદારો લગભગ ૨૮૦૦ જેટલા છે. જે વિધાનસભાની છેલ્લી ચુંટણીમાં મળેલ લીડને અસર કરી શકે તેમ નથી. ત્યારે એ ચોક્કસ કહી શકાય કે નજીકના સમયમાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી અંતર્ગત વાંધા અરજીઓનો ખેલ ખેલવામાં આવ્યો છે.
વિધાનસભાની ગત ચુંટણીમાં રાજુભાઈ ચૌધરી, હિરેનભાઈ પટેલ વાલમ, સતીષભાઈ પટેલ જેવા ગણ્યા ગાઠ્યા આગેવાન હતા. જે તાલુકાના ગામડામાં ચુંટણી પ્રચારમાં મતદારોને આકર્ષિત કરતી સભાઓ ગજવતા હતા. હાલ એવો કોઈ આગેવાન નથી કે જે કેબીનેટ મંત્રીની વિકાસગાથાનુ વર્ણન કરતુ ચુંટણી પ્રચાર કરી શકે. સંગઠનમાં એવો કોઈ હોદ્દેદાર નથી કે જે જાહેર મંચ ઉપર વ્યક્તવ્ય કરી શકે. ત્યારે મતદારોને રિઝવવાની જગ્યાએ નારાજ થાય એવુ મતદાર યાદી સુધારણામાં વાંધા અરજીના કાર્યથી છેવટે તો કેબીનેટ મંત્રીનેજ સહન કરવુ પડશે.